Text Size

Adhyay 3

Pada 4, Verse 10-12

१०. असार्वत्रिकी ।

અર્થ
અસાર્વત્રિકી = (એ શ્રુતિ) સર્વત્ર સંબંધ રાખવાવાળી નથી, અથવા એકદેશીય છે.

ભાવાર્થ
આચાર્ય જૈમિનિએ પોતાના સિદ્ધાંતના સમર્થન માટે જે ઉપનિષદના વચનના ઉલ્લેખ કર્યો છે એ વચનનો સંબંધ બધી વિદ્યાઓ સાથે નથી. એટલે એ વચન એકદેશીય છે. એ વચનનો સંબંધ એ પ્રકરણમાં વર્ણવેલી ઉદ્ ગીથ વિદ્યા સાથે છે. એ વચન એ ઉદ્ ગીથ વિદ્યાને જ કર્મનું અંગ બતાવે છે. એટલે એના પરથી બ્રહ્મવિદ્યા કર્મનું અંગ છે એવું ના કહી શકાય.

---

११. विभागः शतवत् ।

અર્થ
શતવત્ = સો મુદ્રાના વિભાગની જેમ.
વિભાગઃ = એ ઉપનિષદ વચનમાં કહેવાયેલો વિદ્યાકર્મનો વિભાગ અધિકારી ભેદથી સમજવો જોઈએ.

ભાવાર્થ
પાંચમા સૂત્રમાં બૃહદારણ્યક ઉપનિષદના વચનનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે જીવાત્મા શરીરને છોડીને બહાર જાય છે ત્યારે એની સાથે મન, પ્રાણ, બુદ્ધિ; ઈન્દ્રિયો, વિદ્યા તથા કર્મ પણ જાય છે. એ વચનનો અર્થ કરતી વખતે અધિકારી ભેદને ધ્યાનમાં રાખવો જોઈએ. જે બ્રહ્મજ્ઞાની હોય છે તેનાં બધાં જ કર્મો અહીં જ નાશ પામતાં હોવાથી એ બ્રહ્મવિદ્વાન બ્રહ્મલોકમાં પ્રવેશ કરે છે. એની સાથે કર્મો નથી જતાં. જે બ્રહ્મજ્ઞાની નથી હોતા તેમની સાથે કર્મો જાય છે. એમની સાથે એમના પરોક્ષ જ્ઞાનના બૌધિક સંસ્કારો પણ જતા હોય છે.

---

१२. अध्यतनमात्रवतः ।

અર્થ
અધ્યન માત્રવતઃ = એ કથન તો એવા વિદ્વાનને માટે કરેલું છે જેણે વિદ્યાનું અધ્યયન જ કર્યું છે પરંતુ અનુષ્ઠાન નથી કર્યું.

ભાવાર્થ
છઠ્ઠા સૂત્રમાં પ્રજાપતિના શબ્દોને વધારે પડતું મહત્વ આપીને પ્રમાણભૂત માનવામાં આવ્યો છે. તેનું સ્પષ્ટીકરણ કરતાં અહીં જણાવવામાં આવે છે કે પ્રજાપતિના શબ્દોમાં વિદ્યાપ્રાપ્તિ પછી ઘેર જઈને કર્મ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એ તો ગુરૂકૂળમાંથી નીકળીને ઘેર જવા માગનારા બ્રહ્મચારીને માટે જ છે. જેણે કેવળ અધ્યયન કર્યું હોય પરંતુ એનું મનન, નિદિધ્યાસન અને આચરણ ના કર્યું હોય એવા બ્રહ્મચારીના મન અને જીવનની વિશુદ્ધિને માટે કર્મ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. બ્રહ્મવિદ્યાને જીવનમાં ઉતારનાર કે અનુભવનાર બ્રહ્મજ્ઞાનીને માટે એવો આદેશ નથી આપવામાં આવ્યો. એટલે બ્રહ્મવિદ્યા કર્મનું અંગ છે એવું નથી સાબિત થતું. છઠ્ઠા સૂત્રનું એ કથન એકાંગી છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok