અધર્મ-અનાચારનાં અનંત આવરણ આજુબાજુ ફરી વળે,
જોરજુલમ ઝેરથી જીવનની જમીન જલી રહે,
ત્યારે પણ તેને મસ્તક ના નમાવું
એટલો આશીર્વાદ દઈ દેજે, દયામય !
મસ્તક ના નમાવું.
આતંક, અપમાન, આક્રમણ, આપત્તિ, પૂરબહારમાં પ્રકટી ઊઠે,
જીવનના સર્વસ્વને ગ્રસવા દૈવ પણ રૂઠે,
ત્યારે પણ તેથી ના ડરું, ના ડગું,
એટલો આશીર્વાદ દઈ દેજે, દયામય !
સ્વપ્ને પણ ના ડરું, ના ડગું.
ચારેકોર ફુંકાતા હોય પ્રતિકૂળતાના પવન,
નાથી ના શકાતી હોય નિષ્ફળતાની નાગણ,
પકડી ના શકાતાં હોય પ્રકાશનાં પાવન રશ્મિગણ,
ત્યારે પણ હિંમત ના ગુમાવું,
સિદ્ધિની છેવટની શ્રદ્ધા ના ગુમાવું,
એટલો આશીર્વાદ દઈ દેજે, દયામય !
સાફલ્યની છેવટની શ્રદ્ધા ના ગુમાવું.
- શ્રી યોગેશ્વરજી

