પ્યારા ભારત !
સત્ય, શિવ ને સુંદરની સાધના સારું તેં જન્મ ધારણ કર્યો છે.
અને તારા શૈશવકાળથી જ આત્માની અમરતાનું જયગાન ગાયું છે.
વસુધાને કુટુંબવત જ નહિ કિન્તુ જડ ને ચેતનને,
અરે, પૃથ્વીના પ્રત્યેક પરમાણુને પ્રેમ કરવાનો પાઠ તેં પૂરો પાડ્યો છે,
અને અવનીની આંતરિક એકતાની આરતિ ઉતારી છે.
તારે ખોળે માનવે સૌથી પહેલાં જન્મ ને મરણના રહસ્યની શોધ કરી.
અંતરના અંતરતમમાં ડૂબકી લગાવી,
ને પૃથ્વીની પારના પ્રદેશનો પાર પામવાના પ્રયાસ પણ
સૌથી પહેલાં તારા જ પુત્રોએ કરી જોયા.
તેં વિશ્વને ઉદારતા, સમભાવ, સહાનુભૂતિ, સંપ ને શાંતિના સંદેશ આપ્યા,
પુરુષને પુરુષોત્તમમાં પલટાવનારી સાધના શીખવી.
સૌના સુખ, સૌની શાંતિ, ને સૌની સમૃદ્ધિનો સૂર સંસ્કૃતિના ઉષઃકાળમાં જ છેડ્યો.
તારાં શાસ્ત્રો ને તારા સંતોએ સૃષ્ટિને સુધાસિંચન કરીને ચકિત કરી.
બહારથી આવનારને તેં હંમેશા અતિથિ માનીને આદર આપ્યો.
અને આજે પણ...દુનિયામાં તું જ એવો છે
જેની પ્રજા પરદેશને પચાવી પાડવા કે પારકી પ્રજાને પદદલિત કરવા
પોતાની સીમા છોડીને બહાર નથી ગઈ.
પછી તારા પ્રત્યે મને પ્રેમ કેમ ના હોય ?
તારે માટે સર્વસમર્પણ કરવાની કામના કેમ ના હોય ?
તું અમર રહે, અને અવનીને અમર જીવનનો મંત્ર દે, પ્યારા ભારત !
મહીમંડળના મંગલને માટે તારું જીવવું ને સુસમૃદ્ધ થવું જરૂરી છે.
- શ્રી યોગેશ્વરજી

