if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
માનવજાતિના ડાહ્યા મનાતાં માનવોએ સૃષ્ટિના સૂત્રધારને
વિજ્ઞપ્તિ કરીને કહેવા માંડ્યું કે,
તમારી સૃષ્ટિમાં સઘળું સારું છે પરંતુ મૃત્યુ નિરર્થક છે.
એને દૂર કરી આ પૃથ્વી પર પ્રત્યેક પ્રાણીને અમર જીવનનો આશીર્વાદ આપો.

સર્જનહારે એમની માગણીને માન આપીને કામચલાઉ કાનૂન ઘડી કાઢ્યો;
સમસ્ત સૃષ્ટિમાંથી મૃત્યુને તિલાંજલી આપી.
એ કાનૂન પ્રાયોગિક દશા પૂરતો જ મર્યાદિત હતો.
છતાં પણ યુવાનો એથી અત્યંત આનંદમાં આવી ગયા.
અમરજીવનની અને ચિર સુખોપભોગની એમની આશા અમર થયેલી લાગી.

વૃદ્ધોમાં એથી ખળભળાટ મચી ગયો.
એમણે હડતાળ પાડી, સભા ભરી, સરઘસ કાઢ્યા,
સર્જનહારની વિરુદ્ધ સૂત્રો પોકારવા માંડ્યા.
સૃષ્ટિના સૂત્રધાર પાસે પહોંચીને એમના પ્રતિનિધિમંડળે કહ્યું :
‘પ્રભુ ! મૃત્યુ અમારે માટે આશીર્વાદરૂપ હતું.
ઘડપણની દયનીય દશામાંથી છૂટવા માટે અમે એની આશા રાખીને જ બેઠેલા.
તમે એનો અંત આણ્યો એથી તો આ જગત પરનું જીવન
અમારે માટે ઝેરી બની ગયું.
શરીરને બદલવાની હવે કોઈ આશા જ ના રહી.’

અસાધ્ય વ્યાધિવાળા જીવો પણ કહેવા માંડ્યા :
‘પ્રભુ ! તમને અમે દયાળુ માનતા’તા;
પરંતુ મૃત્યુને નાબૂદ કરવામાં તમારી નિર્દયતા રહેલી છે.
શરીરની સમાપ્તિ થતાં પીડાની પણ પરિસમાપ્તિ થશે એવી અમારી આશા હતી.
એના પર હવે પાણી ફરી વળ્યું.’

દુઃખી, દીન કે કંગાળ, અને જેમને જરાય ના બનતું
એવાં કેટલાંય દંપતી તથા જીવનથી કંટાળેલા ક્લેશયુક્ત સ્ત્રીપુરુષોએ પણ
ઈશ્વરને પોતાના પ્રાકૃતિક નિયમમાં પરિવર્તન કરવા માટે ઠપકો આપ્યો,
અને એકી સ્વરે સુધારો પાછો ખેંચી લેવાની માગણી કરતાં કહ્યું :
‘મૃત્યુને કાયમ રાખો, નહિ તો પછી સંસારમાં શાશ્વત જીવનની સાથે સાથે
આધિ, વ્યાધિ, ઉપાધિ, વાર્ધક્ય, દીનતા, કુસંપ, ક્લેશ કશું જ ના રહે
એવી પણ બાંયધરી આપો.
યુવાન, શ્રીમંત ને સુખીને માટે તમારો સુધારો સારો છે...’

સર્જનહારે સ્મિત કરીને કહ્યું :
‘એવી બાંયધરી આપવામાં તો સૃષ્ટિનો અર્થ જ ના રહે.
તમે મહેનત કરીને એ બધાંનો અંત આણી શકો છો.
બાકી મૃત્યુ મંગલમય છે. માટે જ એને કાયમ રાખું છું.’

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.