Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કેટકેટલી વસંતો કરમાઈ ગઈ,
પણ મારા પ્રેમની વસંત કરમાતી નથી :
કેટકેટલી વસંતો ખીલી અને કરમાઈ ગઈ !

સરિતાના પૂર આવે છે ને પૂરાં થાય છે
પરંતુ મારી ભાવનાના પૂર પૂરાં થતાં નથી :
પ્રત્યેક પળે અવનવા બનતા જાય છે.
વધારે ને વધારે પ્રબળ થાય છે.

વરસાદ વરસે છે ને બંધ થાય છે.
વાદળ વ્યાપીને વ્યોમમાંથી વિખરાઈ જાય છે.
પરંતુ તમારા અનુગ્રહની અસાધારણ વર્ષા જીવનમાં વરસ્યા જ કરે છે;
તમારા વિચારના વાદળ પર વાદળ અંતરમાં ઉભરાયા જ કરે છે.
તે કદી પણ વિખરાતાં જ નથી.

સાગરમાં ભરતી અને ઓટ આવે છે,
ને સંગીતની સુરાવલિ ગાયિકાના મુખમંડળમાંથી નીકળીને
વાતાવરણમાં ફરી વળે છે.
તમારું સંગીત પણ એવું જ આનંદ આપો;
કિંતુ કદીકાળ બંધ ના બનો.
તમારા મમતાના મહાસાગરમાં ઓટ ના આવો,
ભરતી ને ભરતી જ રહો !
લોચન તમારું રૂપ, શ્રવણ તમારા સૂર, જોયા અને સુણ્યા જ કરો :
જીવન તમારી કૃપાથી પુલકિત થયા જ કરો !

- શ્રી યોગેશ્વરજી