Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ગિરિની એકાંત ગુફામાં તેં વાસ કર્યો
ને સારોયે સમય મૌન રાખીને સતત સાધનામાં પસાર કર્યો;
પણ તારામાં પ્રેમ ના પ્રકટ્યો તો શું કામનું ?

એવી શકિત મેળવી કે પર્વતોને પણ હલાવી શકે
ને કોઈ કામ તારી મર્યાદાની બહાર ના રહી શકે;
પરંતુ તારામાં પ્રેમ ના પ્રકટ્યો તો શું કામનું ?

તેં સર્વ કાંઈ મેળવ્યું - જ્ઞાન પણ;
પરંતુ પ્રેમ ના મેળવ્યો,
ને જડ કે નિશ્ચલ બનીને સમાધિમાં જ મસ્ત રહેવાનું પસંદ કર્યું;
પણ મનના મધુર બીનમાં માનવજાતિની અનુકંપાનો ભાવ ના ભર્યો;
તો તારો યોગ શું કામનો ?

જે રડે છે ને કકળાટ કરે છે, તેમને તું રડતાં બંધ કર ને શાંતિ આપ,
ને જે ભૂખ્યા છે, તેમના મુખમાં રોટીનો ટુકડો મૂક.
બંધાયેલાના બંધન તોડવા તારા શરીરને પણ હોડમાં મૂક,
ને જે અસહાય ને અપંગ છે, એમનો આધાર બન !

અરે પ્યારા યોગી, ઈશ્વરનું દર્શન તો તું કરી ચૂક્યો,
પરંતુ તેના સુંદર, મંગલ ને એટલા જ સત્ય એવા વિશ્વરૂપને ના સમજ્યો !
બોલ, તારો યોગ વધારે શા કામનો ?

- શ્રી યોગેશ્વરજી