મારા પ્રખર અભિમાનને
તારા વારંવારના પથ્થરી પ્રહારોથી છૂંદી નાખ
ને જગતના ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીની આગળ પણ
હું પ્રેમ ને નમ્રતાથી હાથ જોડીને ઊભો રહું એવું ભાગ્ય દે !
સંપત્તિ ને સત્તાના નશામાં
હરહંમેશ ઉન્નત રહેવાને ટેવાયેલું મારું મસ્તક
તારી પવિત્ર પદરજમાં રગદોળાઈ રહો
ને હંમેશને માટે નત બનો !
કેમ કે, મેં જાણ્યું છે
કે હલકામાં હલકી રજ જ આકાશમાં ઊડી શકે છે,
ને પાણી જ્યારે વરાળ બને છે,
ત્યારે જ ઊંચે ગમન કરે છે.
- શ્રી યોગેશ્વરજી