વ્હાલા આપે તો એટલું આપજે
વ્હાલા આપે તો એટલું આપજે રે,
શરણાગત વત્સલ ભગવાન....
રાગ દ્વેષ મમતા હૈયે ના વસે રે,
પ્રેમે નસનસ નિર્મળ થાય....વ્હાલા...
દુનિયાના કામમાં તુજને ભૂલું નહીં રે,
નિરંતર નામ જપાવજે, નાથ....વ્હાલા...
મનડું મિથ્યાભિમાનમાં ના રમે રે,
નમ્રતા આપજે, મારા રાજ...વ્હાલા...
નાવિક ભવસાગરનો બની જજે રે,
હોડલી હંકારજે પેલે પાર...વ્હાલા...
રોમરોમ રંગજે તારા રાગથી રે,
કરજે જગમાં જયજયકાર...વ્હાલા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સાચો ભક્ત ભગવાન પાસે પ્રભુપંથે જરૂરી વસ્તુઓ જ માગે છે. એવી જ માંગણી આ પદમાં થઈ છે. જીવનમાંથી રાગદ્વેષ દૂર થાય ને પ્રભુનો પવિત્ર પ્રેમ પ્રગટે. વળી, રોજબરોજના જીવનમાં પ્રભુનું નિરંતર નામ જપી શકું એવી માનસિક ભૂમિકા પણ પ્રભુ આપે એવી ભાવના વ્યક્ત થઈ છે.
થોડીક સાધના થાય ને વળી મનમાં મિથ્યાભિમાન આવી જાય તો, પ્રભુ! તું જ મનને નમ્ર બનાવજે.
જીવનનો આધાર તો તું જ છે. તો હવે મને ભવસાગરની પાર ઉતારજે.
રોમરોમમાં કોઈ દુન્યવી રાગને બદલે પ્રભુનો પવિત્ર અનુરાગ અંગેઅંગમાં છવાઈ જાય એવી કૃપા, હે પ્રભુ ! મારી માંગણીનો પ્રત્યુત્તરરૂપે પૂરી પાડજે.