વ્યથા વિરહની રે
વ્યથા વિરહની રે વ્હાલા ! તારી વાટમાં રે લોલ,
આંસુડાની ધારેધાર અહોનિશ આંખમાં રે લોલ.
ધીરજ હિંમતની રે કસોટી કરે કારમી રે લોલ,
નિંદા ટીકાનાં ફૂલ પાથરતો પ્યારથી રે લોલ....વ્યથા...
ચારેકોર વાગતું રે વિરોધ કેરું ગીતડું રે લોલ,
તલસાવે તડપાવે તેમ દર્દ થકી દિલડું રે લોલ....વ્યથા...
કટુ વચનનો રે પ્રસાદ ધરે પ્રેમથી રે લોલ,
જીવન ઘડતરના પાઠ પઢાવતો સ્નેહથી રે લોલ....વ્યથા...
અંતે કરી દે ધન્ય પરમાણુ પ્રાણનો રે લોલ,
આનંદમંગલ થાય ભક્ત-ઉર આંગણું રે લોલ....વ્યથા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુપંથે પ્રયાણ કરનારાની આકરી કસોટીઓ થતી હોય છે. ધ્રુવજી, પ્રહ્લલાદ મીરાંબાઈનાં જીવનને જાણવાથી એનો ખ્યાલ આવે જ છે.
મારી સાધનાની પગદંડી ઉપર પણ એવા જ અનુભવો થયા, જેનું વર્ણન આ પદ દ્વારા વ્યક્ત થયું છે.
પ્રભુ પોતાના પ્યારા ભક્તને સર્વક્ષેત્રે સંપૂર્ણ બનાવવા માગતો હોઈ સર્વ સદગુણોનો વિકાસ થાય તેને તે જરૂરી માને છે.
તેથી જ નિંદા અને ટીકાનાં પૂષ્પો પાથરીને ભક્તની સહનશક્તિને સુદ્રઢ કરે છે. વળી, સત્ય મધુરભાષી પ્રશંસાત્મક શબ્દોની પ્રસાદી બદલે કટુ વચનોનો પ્રસાદ આપતો રહે છે.
પ્રભુને પામવાની વિરહવેદના હોય, એને મેળવવા માટે સતત અશ્રુપાત થતો હોય, તો છેવટે ઘણાં લાંબા કાળે પ્રભુ કૃપાની વર્ષા વરસાવતો જોવા મળે છે. પ્રભુ ભક્તને છેવટે ધન્યતામાં સ્નાન કરાવે છે, પછી તો ભક્તના જીવનમાં આનંદ-આનંદ થઈ જાય છે.