વિનવું આજે વારંવાર
શ્રીગુરુદેવ પ્રભુ! તમને,
વિનવું આજે વારંવાર,
વિનવું આજે વારંવાર, દર્શન આપો દિવ્ય રસાળ.
દિવ્ય સ્વરૂપ સજીને, વ્હાલા !
દોડી આવો દ્વારે મારા;
મારી માંગ સ્વીકારો નાથ...દર્શન આપો...
કૃષ્ણ બનીને આવો આજે,
રાસ રચાવો મારે કાજે,
ડંખે વિરહે પ્રેમળ પ્રાણ...દર્શન આપો...
શંકર રૂપે પાસે પધારો,
મમતા મોહ અહંતા મારો,
કરવા કાયાનું કલ્યાણ...દર્શન આપો...
જપ તપ વ્રત ઉપવાસ ન કીધાં,
દિલનાં દૈવી દાન જ કીધાં,
માની પૂજાનો એ થાળ....દર્શન આપો...
અખંડ રૂપ અલૌકિક ધરજો,
મુજને કાયમ કાજે વરજો,
છોડી જશો નહીં ક્ષણવાર...દર્શન આપો...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સદગુરુ જ જો સાધકના ઈષ્ટદેવ હોય તો, સાધક સદગુરુને જ વિનંતિ કરે છે કે આપ જ શ્રી કૃષ્ણ અને શંકરનું દિવ્ય સ્વરૂપ સજીને મારી સામે પ્રગટ થાઓ.
શ્રદ્ધાભક્તિથી કરેલી વિનવણી પ્રભુ સાંભળે છે અને પ્રભુની પરમ શક્તિ સદગુરુના સ્વરૂપમાં દિવ્યદર્શન કરાવે છે.
દિવ્યદર્શનની ઈચ્છાને પૂરી કરવા સાધક જપ, તપ, વ્રત ના કરે ફક્ત મનઅંતરથી સમર્પિત થઈ જાય તો પણ એ પૂર્ણ પૂજા બની જાય છે.
ગુરુદેવ જ સર્વ કાંઈ છે. તેમનો જ સંપૂર્ણ સદાનો સહવાસ મળી જાય તો સાધના સરળતાથી સહજ રીતે થયા કરે છે. સાધનાના પરિપક્વ ફળસ્વરૂપે સાઘકને દર્શન પણ થઈ જાય છે. ગુરુદેવના સહવાસથી સર્વ દુર્ગુણો ધીરે ધીરે સદગુણોમાં પરિવર્તન પામે છે. મમતાનાં મીઠાં બંધનો પણ સાધકમાં હળવાં થાય છે. સંસારનો મોહ અને અહંકાર પણ શ્રીગુરુના ચરણે વિશ્રામ પામે છે.એવી શ્રદ્ધાથી સાધક વિનંતી કરે છે.