આજે મંગલ થાય સવાર.
સુધાછલેલું રૂપ તમારું જોઉં આજ સવાર.
મુખ પર મંગલ સ્મિતની છાયા, શોભાનો શો સાર;
તેજતણો ના પાર તમારા, ટળી જાય અંધાર.
આવો ફોરમ ફેલાવીને કરતાં મધુ ઉદ્ગાર ... આજે.
પાવન થાયે પ્રાંગણ મારું, અંતર રસ ના માય;
ચિંતા તેમજ મટે વેદના, વિરહ અકારો જાય.
ઉત્સવ થાયે મધુર મિલનનો, થાય કાળની હાર ... આજે.
નાચી ઊઠું આનંદે હું જોતાંવેંત ખરે,
મધુર વચનથી ખરે વધાવું, હેતુ બધાય સરે.
સ્નાન કરીને સુધાસરવરે ધરું નવો અવતાર ... આજે.
‘પાગલ’ કહે પધારો પ્રેમે, રેલાવો રસધાર;
બહુ દિન વીતી ગયા વિરહમાં, કરો હવે તો પાર.
સ્વર્ગ બને સંસાર તમારો મળી જતાં આધાર ... આજે.
- © શ્રી યોગેશ્વરજી