આજે મંગલ દિવસ કહ્યો !
ઊગ્યો ભલે આનંદ લઈ તે, ઉત્સવ દિવસ કહ્યો ... આજે.
પવિત્ર માસે, પવિત્ર દિવસે, યોગ પવિત્ર થયો;
ગીતાજયંતિ પર્વ આજ તો, દિવસ અનન્ય કહ્યો ... આજે.
કુરૂક્ષેત્રમાં કૌરવપાંડવ મેળો મહા મળ્યો;
અર્જુનની આગળ ભગવાને અમૃતસ્ત્રાવ કર્યો ... આજે.
ગંગાથી પણ ગૌરવવાળો જ્ઞાનપ્રવાહ ધર્યો;
પ્રેમ યોગ ને કર્મ મંત્રથી છે ભરપૂર ભર્યો ! ... આજે.
મટ્યો શોક અર્જુનનો તેમજ સંશય છેક ટળ્યો;
યુગયુગથી સંદેશ સનાતન આ સંસાર ફર્યો ! ... આજે.
કુરૂક્ષેત્ર જીવનનું તેમાં મેળો વળી મળ્યો,
કૌરવપાંડવ લડવા ઊભા, તેમ વિષાદ થયો.
શોક તમે તે સત્વર ટાળો, પ્રેમપ્રકાશ કરો ! ... આજે.
સારથિ બનતાં રથ સંભાળો, અમૃત મધુર ધરો !
ઉત્સવ થાય ફરીથી આજે, ઉત્સવ દિવસ કહ્યો; ... આજે.
પૂર્ણ મહાભારત તો થાયે, પાવન યોગ થયો !
‘પાગલ’ પ્રેમવૃષ્ટિ વરસાવો, તાપ અસહ્ય સહ્યો ! ... આજે.
- © શ્રી યોગેશ્વરજી

