Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિપત્તિ ઘણી હવે તો વરસી ચૂકી,
વેદનાએ છેક જ મર્યાદા મૂકી;
ચિંતાચિતા અસહ્ય વેઠી લીધી,
જિંદગીને જોખમમાં મેલી દીધી.

ચારેબાજુ જલે છે ઝેરી જ્વાળા,
તોયે છે પ્રેમની પહેરી માળા;
અંતર બેચેન બન્યું છોડી આરામ,
વીતી છે ખૂબ હવે, પૂર્ણ કરો કામ.

વીતી છે ખૂબ હવે, કૃપા કરી દો,
પાડું પોકાર, જરા ધ્યાન ધરી લો;
સીતમ વરસાવો ના વધારે તમે,
રીબાવો રંક મને, કેમ તે ગમે?

હવે તો કૃપાની કરો પુષ્કળ વૃષ્ટિ,
દૃષ્ટિપાતથી સજી દો નૂતન સૃષ્ટિ;
તન મન ને અંતરને તાજગી ધરો,
પ્રાણને પ્રફુલ્લ પૂર્ણ પાવન કરો.

કષ્ટની હો રાત આજ અંતિમ મારી,
કાલે આનંદની ઉષા હો ભારી;
‘પાગલ’ના પ્રાણે પ્રકાશ પૂર્ણ થાય,
અંધારી રાત ભલે જીવનથી જાય !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit