બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં, મારી કરૂણ કથા.
નજર નાખું ત્યાં જણાયે ખૂબ ઉડતો રંગ,
નથી ચિંતા લેશ કે આનંદનોયે ભંગ.
માણસો મશગુલ બન્યા છે વિવિધ કૈં કામે,
ખાય પીએ લ્હેર કરતા પર્વને નામે;
પોતપોતાની સમજશક્તિ પ્રમાણે સૌ,
લ્હાવ લે છે, લ્હાવ દે છે, વ્યથા વિસરી સૌ.
દિવસ છે એવા અનેરા દિવાળીના આ,
દીન આર્ત અનાથ પણ પ્રેરાય ઉત્સવમાં;
હરખતા રોગીજનો પણ લૂંટતા રસ શા !
હુંય લૂંટું, પણ તમારા વિના રસ છે ક્યાં?
બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં, મારી કરૂણ કથા.
પર્વના દિવસો થવાના હવે છેક પૂરા,
માનવી ફરશે ફરીથી ધરી કર્મધુરા;
કિન્તુ વદને ચમકશે આનંદની છાયા,
ઉડાવી લિજ્જત કરી દેશે જુદી કાયા.
પર્વ મારી જિંદગીમાં ક્યાં હજી આવ્યું?
પર્વ ઉત્સવ પણ તમારા વિના ક્યાં લાવ્યું?
બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં, મારી કરૂણ કથા.
છતાં આજે અનુભવું આનંદ થોડો હું,
સમાધાન કરું વિચારી ચિત્તનું પણ હું;
ઉચ્ચ હેતુતણો થઈ જે યજ્ઞ આજ રહ્યો,
યજ્ઞમાં તે થઈ આહુતિ હું અખંડ રહ્યો.
શોક શાને તો પછી, શાને નિરાશા તો?
વ્યથામાંયે આટલો સુખશ્વાસ હું ભરતો.
આજના મંથનથકી માખણ થશે કાલે,
ઉષાકાંતિથકી પ્રકાશે ભાનુ નભભાલે,
તેમ ક્રાંતિથકી પ્રકટશે નવલ કો’ ભાનુ,
એ સજી શ્રદ્ધા વ્યથામાં મધુરતા માણું.
તમારી પ્રાપ્તિ વિના ક્યાં છે અખંડાનંદ?
સનાતન છે શાંતિ કોને, મળે કોને રંગ?
ઈન્દ્ર તેમ કુબેરનાયે રંગ થાયે ભંગ,
વિષાદે પલટાય પાછા માનવીના રંગ.
વ્યથા બાદ પરંતુ મુજને રંગ મળશે જે,
છેક નૂતન ને અખંડ હશે સનાતન તે;
આજ જ્વાળા વિરહની કાલે મિલનમાળા,
વ્યથા આજે કાલ તેથી થશે રસધારા.
એ ધરી વિશ્વાસ આજે તપું તેમ જલું,
સહું સંકટ, વેદના વરસે છતાં ન હલું.
બની આશીર્વાદ અભિનવ દિવ્ય આવો આજ,
થાય તો આનંદ મારે, મળી જાયે રાજ.
બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત, ભલે મારી કરૂણ કથા.
- © શ્રી યોગેશ્વરજી

