Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારો સંદેશો સાંભળતાં વાર પધારજો રે.
મારી ખબર કાઢવા વેગે વ્હેલાં આવજો રે... મારો.

બેસી રહ્યો મીટ માંડીને, કારજ સઘળાંયે છાંડીને;
દયાનિધાન, વધારે ના તલસાવશો રે. ... મારો.

જે દિનથી આ જગમાં જાગ્યો, તે દિનથી રટવાને લાગ્યો;
પોતાનાને પીડા ટાળી પાળજો રે ... મારો.

જંગલમાં વેરાન ભયંકર, ઝંખું છું તમને અભયંકર !
મંગલ કરવા જંગલ આજ પ્રકાશજો રે ... મારો.

માતપિતા છો તમે જ મારાં, સંરક્ષક જીવનનાં સારા;
દોડી આવી રાગે હૃદય લગાવજો રે ... મારો.

તમે જ મારાં આશ્રયદાત્રી, ભાગ્યવિધાત્રી, આપું ખાત્રી;
દીન દશા મારી ક્ષણવાર વિચારજો રે ... મારો.

પ્રાણ વિના શી શોભા તનની દ્રવ્ય વિના શી ગતિ નિર્ધનની;
માલિક મનનાં, સદ્‌ગતિ દેવા આવજો રે ... મારો.

‘પાગલ’ તમે પ્રેમનાં સિંધુ, હું તો રસનું કેવલ બિંદુ;
શિશુ સમજીને સાંત્વન ધરવા આવજો રે ... મારો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit