ખરાખરીનો ખેલ, આ તો ખરાખરીનો ખેલ.
મંગલ પણ મુશ્કેલ, આ તો ખરાખરીનો ખેલ. ... ખરાખરીનો.
કાયર કંપી ગયા વિચારે, શૂરા કૈં છટકેલ;
નિર્બળ નાસી ગયા નિરખતાં, પાછા વીર ફરેલ ... ખરાખરીનો.
જ્ઞાનીએ પણ ગુલાંટ ખાધી, રોયા તપી તપેલ;
યોગી દેખી રહ્યા દૂરથી મુનિ સંગ્રામ મચેલ ... ખરાખરીનો.
પંડિતનું તો પૂછવું જ શું, કૈંક પુરાયા જેલ;
અભ્યાસી યે અહંકારની ગયા તણાઈ રેલ ... ખરાખરીનો.
કરામતનું કૈં ના ચાલ્યું, ચંચલ ચિત્ત બનેલ;
ભોગીનું તો કહેવું જ શું મન જેનું છટકેલ? ... ખરાખરીનો.
શીશસટોસટ સોદો આ તો, ના સાધારણ ખેલ;
સફળ થાય છે દૂર કરી દે જે નિજ મનનો મેલ ... ખરાખરીનો.
આશ્રય જેને એક જ એનો, એનું ધ્યાન ધરેલ,
રંક મઢૂલીમાં મરનારા પામ્યા કૈંક મહેલ ... ખરાખરીનો.
નિરાશા તજી ધપજે આગળ, ખેલ નથી આ સ્હેલ;
અખંડ તપ ને શ્રદ્ધા માગે, અઘરો ખૂબ ઉકેલ ... ખરાખરીનો.
હિંમતવાન હતાશ થયા છે, કૈં યે એમ કહેલ;
પૂરણ પ્રેમી પાર પહોંચ્યા, સાચું શરણ ગ્રહેલ ... ખરાખરીનો.
- © શ્રી યોગેશ્વરજી