Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજે આંખ ફરકતી મારી.
મંગલકારક લેખાયે એ, લાભ થવાનો ભારી ... આજે.

પવન પ્રસન્નપણે પ્રસરે આ, સુવાસ કેવી ધારી;
ફોરમ ઉપવનમાં ફેલાઈ, કુસુમોની શી ન્યારી ! ... આજે.

આહલાદક છે ચંદ્ર ખરેખર આજ અનેરો કાંઈ;
ખુલ્લા ગગને ચમકે છે એ, અખંડ અમૃતમાંહી ... આજે.

મંદિર મારું ખૂબ મહેંકે, ઉત્સવ જાણે ભારી;
અંતરમાં આનંદ ન માયે, વાગે વીણા સારી ... આજે.

કોનો મધુરો ઉત્સવ આજે, કોની આ તૈયારી ?
કોના સ્વાગતની આ લીલા સઘળી મંગલકારી ? ... આજે.

ખબર તમારા શુભાગમનની આ તો સઘળી સારી;
તમારાવિના લાભ ન બીજો મંગલ મારે કાંઈ ... આજે.

ભલે પધારો, પાવન થાયે આજ મઢૂલી મારી;
અવશ્ય આવો, જીવનમંગલ, લેવા મને ઉગારી ... આજે.

માળા છે તૈયાર કરી આ સ્વાગતકાજ રૂપાળી;
‘પાગલ’ કહે ચરણમાં અર્પું જઈ રૂપ પર વારી ... આજે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit