Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધન્ય જેણે કરી લીધો એક તમને પ્રેમ,
કર્યું જેણે હૃદય નિર્મળ હોય જેવું હેમ;
વિષમ વાતાવરણમાં પણ નિભાવીને નેમ ... ધન્ય.

તપ્યા તેમજ સહ્યાં સંકટ તમારે માટે,
ના ચાલ્યા, આગળ વધ્યા નિત તમારી વાટે;
એમ એક દિવસ તમારો લભ્યા પૂર્ણ પ્રકાશ,
ધન્ય જેને ઉર નથી અંધારનો અવકાશ.

નિહાળ્યાં તમને નયનથી ખૂબ નેહ કરી,
કર્યું આલિંગન તમારી સાથ વાત વળી;
તમારું વરદાન પામી બન્યા છેક ધની,
ધન્ય જેને દીનતા કે કૈં રહી ન કમી.

જેમની પાસે તમે પણ પ્રેમથી પ્રકટ્યાં,
પ્રેમ વ્યક્ત કરી તમે પણ અંતરે હરખ્યાં;
ગીત ગાયાં તમારાં સ્વપ્નો સદા સેવ્યાં,
ધન્ય જીવન માનવીનાં તે અહા કેવા !

જે પ્રસિદ્ધ પ્રકાશપથના પ્રવાસી બનિયા,
પરમધામે પહોંચીને પૂર્ણતા વરિયા;
તમોને મળિયા, હૃદયને રાગથી ભરિયાં,
ધન્ય જેના હેતુ આ સંસારમાં સરિયા.

કરું વંદન કોટિવાર મહાપુરૂષને તે,
મને આશીર્વાદ આપે, દિવ્ય વર દે એ;
નેહની નજરે જુએ નિજ જાણતાં મુજને,
ધન્ય દર્શન તેમનું કાયમ મળે મુજને.

કહે ‘પાગલ’ બાલ હું એવો થવા માગું,
અલ્પ છે અધિકાર પણ ઉત્તમ થવા માગું;
ધન્યજન શ્રેણીમહીં મુજને ય સ્થાન ધરો,
અર્પતાં સૌભાગ્ય ઉત્તમ ધન્યધન્ય કરો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit