કોલ તમારો સત્ય કરી દો !
આજ ખરેખર સિદ્ધિ ધરી દો.
શક્તિ પ્રસિદ્ધ બધે ય તમારી,
પરચા યે વખણાયે ભારી;
ખૂબ સમર્થ તમે છો સાંઈ !
યશ એ આજે અધિક કરી દો.
મિથ્યા થાયે કોલ તમારો,
કોણ હરે તો ભાર મહારો ?
ભક્તજનોને નિશદિન તારો,
કીર્તિકથા એ સત્ય કરી દો.
સત્ય ન થાય તમારી વાણી,
ઉત્તમતા માનું તો શાની ?
શ્રદ્ધાની પણ થાયે હાનિ;
શ્રદ્ધા આજે સફળ કરી દો.
કોલ પ્રમાણે દર્શન થાયે,
આજ હરખ તો મન ના માયે;
શોભે સિદ્ધિનું સુખ કાયે;
માનું મિલન મહાન કરી દો.
મદદ અણીને વખતે આપી,
કષ્ટ બધાં મારાં દો કાપી;
શ્રેય શકાયે કેમ જ માપી;
‘પાગલ’ને નિજ બાલ ગણી લો.
- © શ્રી યોગેશ્વરજી