કોઈ શરણ મહારું લે.
મૃત્યુલોકની મુસાફરીમાં મુજને જીવન દે,
શોધે સાથ સદાયે મારો, તેની થાયે જે ... કોઈ.
ડગલેપગલે દુઃખ યાતના પારાવાર પડે,
પરંતુ ગભરાયે ના તેથી, મારું નામ વદે,
સુખમાં પણ જે મને ન વિસરે, સદા સલામત તે ... કોઈ.
ચિંતા શ્રમથી ડરે જરી ના, કટુ આઘાત સહે;
વિષ ઘોળીને અમૃત આપે, વાણી મધુર કહે.
મારામાં મન લાગ્યું જેનું જીવન અર્પણ છે ... કોઈ.
પ્રાણથકી જે પૂજે મુજને, મારું ધ્યાન ધરે;
અંતે તો તે સફળ થાય, ને ઉત્તમ સ્થાન મળે;
ત્રિકાળમાં ના થાય પરાજિત પ્રેમી મારો તે ... કોઈ.
વાદળ બધાં હઠી જાયે ને સૂરજ ચમકે છે,
તેમ હઠાવું વાદળ તેનાં ઉરમાં ઉમટ્યાં તે;
જે ચાહે તે પામી જાયે નિયમ સનાતન એ ... કોઈ.
‘પાગલ’ કહે કહી આ વાણી વરસો પહેલાં છે;
કરો વિલંબ છતાં પણ શાને, દૂર રહો છો શેં ?
સત્ય કરી દો વચન આજ તો, થાય ઉભયની જે ... કોઈ.
- © શ્રી યોગેશ્વરજી

