ચલાવો છો જેમ, તેમ હમેશ હું ચાલું !
તમારા આધારથી આનંદમાં મ્હાલું ! .. ચલાવો છો.
પ્રેરણા પામી તમારી ફૂલું ને ફાલું,
તમારું જીવન લભીને જિંદગી પામું;
ફેરવો છો તમે અંગુલિ, બીન છે મારું,
ગીત મારું તે તમારું ગીત છે ન્યારું ! .. ચલાવો છો.
તાપ છાંયે, વિરહ-મિલને રસ સદા માણું,
તમારી લીલા નિરંતર સૃષ્ટિમાં ભાળું;
તમારું જે કહેવાયે રૂપ અતિન્યારું,
ધ્યાન લાગ્યું ખરે મારું ત્યાં જ છે સારું ! .. ચલાવો છો.
બનો તારક જિંદગીને આજ તો તારું,
તમે છો શાને પછી મનને અધિક મારું?
કહે ‘પાગલ’ મુખ તમારું મધુભર્યું ચારુ,
મળી જાય મને પછી શાની તમા વારુ ? ... ચલાવો છો.
- © શ્રી યોગેશ્વરજી

