આવી પાસે છેક તમારી,
ફરવું પડશે ખાલી હાથે, શાંતિ થશે ના મારી ? ... આવી.
આશ અધૂરી રહી જશે શું ? શોક ન શમશે ભારી ?
વ્યથા તેમ ચિંતા ના ટળશે, આતુરતા ય અકારી ? ... આવી.
પ્રીતિ, પ્રાર્થના તેમ પ્રતીક્ષા વ્યર્થ જશે શું મારી ?
તૃપ્તિ નહિ ધરો મુજને, ફળશે ના શું મહેનત મારી ? ... આવી.
કષ્ટ સહન મિથ્યા ઠરશે આ, તેમ હૃદયની યારી ?
કૃતકામ નહિ કરો મને શું, હરી અલ્પતા સારી ? ... આવી.
વિરહ વ્યથામય અંતર તેમજ અલ્પતા લઈ ભારી,
ફરવા મુજને હજી કહેશો જગમાં જીવન ધારી ? ... આવી.
એથી વધુ કમભાગ્યકથા ના કોઈ હશે નઠારી;
એ જીવનમાં રસ શું જેને દીધું ન તમે તારી ? ... આવી.
તેથી પ્રાર્થે ‘પાગલ’ તમને હજી ય આશા ધારી;
હિમપ્રદેશમાં છું ત્યાં લગ હો પ્રકટ, શાંતિ દો ન્યારી ... આવી.
- © શ્રી યોગેશ્વરજી

