અણીને વખતે તમે આજે પધારો નાથ !
રંક આ શિશુને દઈ દો સ્નેહભીનો સાથ;
વાત પ્રેમ કરી કરો ને લો મને નિજ બાથ,
ડૂબતાને ઉગારી લો આજ આપી હાથ !
તમારા વિણ કોણ મારું મદદકારક, તાત ?
તમારા વિના કહું કોને વેદનાની વાત ?
રાહ જોઈ ગઈ વીતી વ્યથામાં મધરાત,
હજી કેમ પ્રકટ થયા ના, કર્યો દૃષ્ટિપાત ?
દીન બાળક છેક છું અધિકારહીન ખરે;
મહાજન કિન્તુ અપરને મુક્ત મદદ કરે;
દીનબંધુ બિરદ ધરે તે કષ્ટ કેમ ધરે ?
પ્રકટ થાઓ તો કરી દેવા પ્રસન્ન વરે.
વિષમ વેળાએ તમે આવો તરત વ્હારે,
તપ્ત અંતરને દઈ દો શાંતિ રસધારે;
રાહ જોઈ હૈયું જોજો આજ ના હારે,
મૃદુલ એને નિરાશા જોજો કદી મારે.
પણ તમારું રક્ષવાનું ભૂલશો ન જરી,
કષ્ટ લેજો કઠિન સાંઈનાથ, સદ્ય હરી;
હે મહાયોગીન્દ્ર, દિલમાં દયા ખૂબ ભરી,
મળો મુજને લઈ શક્તિ તમારી સઘળી.
સમજજો થોડામહીં, શું વધારેમાં સાર,
બરાબર કેમ જ પમાયે ભાવનાનો પાર;
આજ પાવન હિમ પ્રદેશે પ્રેમસરિતા પાર,
મિલન માતનું કરો મંગલ, નાથ જગદાધાર !
દિવ્ય દર્શનની લગન દિલને ગઈ લાગી,
કરી છે મમતા મને સાચે જ વણમાગી;
કહે ‘પાગલ’ ભક્તના અત્યંત અનુરાગી !
મધુરવી ગત રહો મારી વીણા પર વાગી !
- © શ્રી યોગેશ્વરજી