Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કૃપાકટાક્ષ કરો, એક બસ કૃપાકટાક્ષ કરો.
અરજી ધ્યાન ધરો, એક બસ કૃપાકટાક્ષ કરો.

કરમાયે આ અંતર મારું,
મટી રહ્યું તેનું અજવાળું;
ખીલી ઊઠે સ્મિતથી સારું,
મરી જાય અંતિમ અંધારું.
પ્રકટ બનીને, પ્રેમ લઈને, સ્હેજ પ્રકાશ કરો ... કૃપાકટાક્ષ કરો.

વિષમય જીવન નીરસ જેવું
થઈ ગયું છે એકલ કેવું !
સુવાસ તેની શમી રહી છે,
ગીત ગાય છે કરૂણ એવું !
અમૃતધારા રેલાવીને મધુર સુવાસ ભરો ... કૃપાકટાક્ષ કરો.

આતુર આંખ સદાય ચહે છે,
અંતર પીડા મૂક સહે છે;
વાણી એક જ વાત કહે છે,
પ્રાણ તમારી પાસ રહે છે.
દર્શન સ્પર્શન તેમ વચનથી જીવનદાન કરો ... કૃપાકટાક્ષ કરો.

કટાક્ષ એક છતાંયે ભારે,
મનની વ્યાકુળતાને મારે;
તરસ મટાડી સત્વર તારે,
યુગયુગનાં બંધનને ટાળે.
બંધન ટાળો, તરસ મટાડો, અંતરભાર હરો ... કૃપાકટાક્ષ કરો.

‘પાગલ’ પ્રાર્થે જ્યાં લગ
ન મળો કૃપાકટાક્ષ કરો,
તરે ન કોઈ ભવસાગરને,
ભેદ લભે ન ખરો.
ભિક્ષા માગી સાધારણ મેં, તો ન નિરાશ કરો ... કૃપાકટાક્ષ કરો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit