મારા દિવસો થાય પસાર.
અમુલખ મિલ્કત જેવા દિવસો
વિરહે થાય પસાર ... મારા.
દિવસે દિવસે જીવન જાયે,
ચિંતા થાય અપાર;
તપ ના થાયે પૂર્ણ હજીયે,
ખાય વિરહના માર ! ... મારા.
હિમપ્રદેશમાં પૂજું તમને
બની પ્રેમઅવતાર,
તન્મય છેક થઈ બોલાવું,
હે જીવનના સાર ! ... મારા.
પ્રવાહ પેઠે જાય વહી આ
ખૂબ વેગથી કાળ;
અમુલ્ય ક્ષણ જીવનની જાયે,
થાયે સાંજ સવાર ! ... મારા.
દીર્ઘ સમયની દર્દકથાનો
ક્યારે આવે પાર;
ક્યારે લોચન મળે આપણાં,
રણકે અંતરતાર ? ... મારા.
‘પાગલ’ તમે સમર્થ છતાંયે
કેમ કરો ના વ્હાર ?
મળો આજ મધરાતે, સોહે
સ્મિતમય કાલ સવાર ! ... મારા.
- © શ્રી યોગેશ્વરજી

