મારી સંભાળ તમે લો.
રક્ષો મુજને રાતદિન તમે, પ્રેમ બહુ કરો છો ... મારી.
કેમ ન લો, માતા કહેવાઓ, અર્થ રહે તો શો ?
બાલકની ચિંતા માતાનો સહજ સ્વભાવ કહ્યો ! ... મારી.
અંગુલિ પકડી ચાલું, ભય તો મારો છેક ગયો;
છાંય તમારી લભું નિરંતર, દૃઢ વિશ્વાસ થયો ! ... મારી.
જ્યાં ચાલું ત્યાં સાથે ચાલો, એવો યોગ થયો;
પ્રાણ બન્યાં છો તમે જ જાણે, સાથ રહો, વિચરો ... મારી.
જીવન જેમ મને સંભાળો, સ્વપ્ને ના વિસરો;
‘પાગલ’ પ્યાસ શમાવો મારી, અખંડ દર્શન દો ! ... મારી.
- © શ્રી યોગેશ્વરજી

