મુજને મુખ મધુર મળે ક્યારે !
જોવા મુખ મધુર મળે ક્યારે !
એજ લગન છે નિશદિન લાગી, મોહિની મનમાં મારે;
ગીત ગુંજતું એજ નિરંતર મારા અંતરતારે ... મુજને.
ખૂબ ધરાઈ જોઊં એને, ન્હાઉં રસની ધારે;
સમાધિ થાય સહજ નેનનને, નેન મળે જે કાળે ... મુજને.
અનેક દિનની આજ ચાહ છે, પૂર્ણ થાય તે ક્યારે ?
અમૃતના ઘટ જેવું મુખડું તપ્ત હૃદયને ઠારે ! ... મુજને.
આજ જલું છું લગન લઈ અનુરાગતણા અંગારે;
ઔષધ એક જ, રૂપ તમારું, દર્દ પુરાતન મારે ... મુજને.
મિલનસુખ ચહે મન આ મારું, અંગ ઝંખતું ભારે;
તીખા તોફાને સપડાયું નાવ કરી દો પારે ... મુજને.
જીવન જીવનમય થાયે ને મધુરતમ બને ત્યારે,
શાંતિસ્વર્ગ ધ્રુવપદ મોક્ષ મળે, કૈં ન કમી હો મારે .. મુજને.
‘પાગલ’ને સિદ્ધિ સાંપડશે, વૈભવ મળશે ત્યારે,
સુંદર મંગલ શાંતિનિકેતન રૂપ પ્રકટશે જ્યારે ... મુજને.
- © શ્રી યોગેશ્વરજી

