હવે તો પ્રત્યક્ષ થાઓ, કરું પૂજન તો,
પખાળીને પાય પ્રેમે કરું પૂજન તો !
ફૂલમાળ ધરું તમારા કંઠમાં ન્યારી,
ધ્યાનમગ્ન બનું ચરણમાં શીશને ઢાળી.
આંખને આંખે મિલાવી અમીપાન કરું,
અમર જીવનમાં પ્રવેશી દિવ્ય ભાવ ભરું !
ફેરવો કર કાય પર ત્યારે સમાધિ કરી,
હરખમાં ડૂબું રહો જ્યારે પ્રસાદ ધરી !
કરી પૂજા મૂક મનમાં આજ લગ મેં તો,
હવે તો સાક્ષાત થાઓ, નવું પૂજન હો !
ગીત મધુરું સંભળાવું, સાંભળું તેવું,
ગીત ગાયક ઉભયનું સૌભાગ્ય એ કેવું !
નિહાળું તમને તમારામય બનું સાચે,
ઉભય ઉર સંગમસ્થળમહીં નેહમાં નાચે !
પ્રકટની પૂજા કરાયે જો પધારો તો,
પૂજ્ય પૂજા ને પૂજારી એક જેમાં હો !
કહે ‘પાગલ’ આજ લગ તો કરી પૂજા છો,
હવે એ પૂજાતણું સૌભાગ્ય મુજને દો;
- © શ્રી યોગેશ્વરજી