Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગાયક તમે કર્યો છે મુજને, ગીત સદા ગાઉં,
પિયૂષ આ પૃથ્વીમાં ફરતાં પીઉં ને પાઉં ! ... ગાયક.

કદી હિમાલયના શૃંગો પર ને જંગલ જાઉં,
સમુદ્ર તટ પર, કદીક રણમાં, રસગંગા લાવું ! ... ગાયક.

પ્રેમશાંતિના સરોદ છોડું, બીજ મધુર વાવું,
ફાલેફૂલે ફોરમ આપે, ગીત નવાં ગાઉં ! ... ગાયક.

કટુતા તેમ વિષાદ વિશ્વનાં ખરેખર વહાવું,
બ્રહ્મા બની રચું, સંગીતે સર્જેલ સુહાવું ! ... ગાયક.

મધુર રાગથી ભર્યો છે મને, તમારું જ ગાવું,
ગીત તમારાં કહો પછીથી કવિ કેમ કહાવું ? ... ગાયક.

આ માટે છે મને મોકલ્યો, ન્હવરાવું ન્હાવું;
તમે પરબ પ્રેમતણી માંડી, તેમાંથી પાઉં ! ... ગાયક.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit