અંતરનો અનુરાગ
કેમ ના મારી તરફ જુઓ ?
કેમ ના મારી તરફ જુઓ ?
અરજ ના મારી કેમ સુણો ?
બંધ કર્યાં છે દિલનાં દ્વારો;
ખુલ્લાં કાં ન કરો ?
સ્થાન ધરીને મુજને તેમાં
કેમ ન શાંતિ ધરો ?
આંખ ના મારી કેમ લુવો ? ... કેમ ના.
મૂક બનીને બેઠાં શાને ?
ના છેડો સંગીત ?
પ્રાણ ટળવળે મારો તોયે
થાવ ન તેનાં મીત !
થઈને છેક જ શાંત સુઓ ! ... કેમ ના.
બાલકનું બલ કહો કેટલું ?
પ્રેમપુકાર કરે;
રડે, ટળવળે, તલસે તમને,
નીરસ જેમ ફરે;
પુરી દો આવી આંખકુવો ! ... કેમ ના.
‘પાગલ’ કહે વિરહના દિનને
કેમ ન પૂર્ણ કરો ?
નવપ્રભાતને પ્રકટ કરીને
શોક ન કેમ હરો ?
પ્રેમ વિણ સાચે પ્રાણ મુઓ ! ... કેમ ના.
- © શ્રી યોગેશ્વરજી