Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપણો ક્યારે યોગ થશે?
લગ્ન કહો લેવાશે ક્યારે,
વિયોગ દૂર થશે ? ... આપણો.

લગ્નસરા ચાલે છે હમણાં,
મંગળકાળ હશે;
કંકોત્રી કૈં કૈં આવે છે,
ઉર ઉભરાય રસે ... આપણો.

એકલવાયું અંતર આજે
છેક મરે તરસે;
ઉભરાશે એ ઉમંગથી ને
સુખ શાશ્વત ધરશે ! ... આપણો.

શરણાઈ ને મુરલી બજશે,
તાપ બધા ટળશે;
આનંદ છવાશે આંગણિયે,
વિરહવ્યથા મરશે ... આપણો.

આજ લગી તો રહ્યો એકલો,
હૂંફ હવે મળશે ?
નયનોમાં નયનો મળવાથી
ક્યારે મન ઠરશે ? ... આપણો.

ધૂન એ જ ‘પાગલ’ પ્રાણતણી
ત્યાં લગ ના મટશે;
જીવ તેમ શિવના સંયોગે
જડથી રોગ જશે ! ... આપણો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit