Wednesday, August 12, 2020

જીવનને નવો આકાર આપો

માણસનું જીવન આજે કેવું થઈ ગયું છે ને થતું જાય છે, તેનો શાંતિથી વિચાર કરવાનો વખત જ માણસ પાસે ક્યાં છે ? જીવન આખું યાંત્રિક બની ગયું છે, અને એમાં શાંતિથી બેસવાનો તથા વિચારવાનો વખત પણ ભાગ્યે જ મળે છે. કોઈક ભાગ્યશાળી માણસને એવો અવકાશ મળતો હોય તો ભલે, બાકી મોટાભાગના માણસોની તો એ જ સ્થિતિ છે. ગામડાઓમાં તો હજુ કાંઈક પણ ઠીક છે, પરંતુ શહેરમાં જુઓ તો દોડધામ અને અશાંતિ વિના બીજું કાંઈ જ નથી દેખાતું. મુંબઈ, કલકત્તા, લખનૌ ને દિલ્હીમાં શહેરોની પરિસ્થિતિ એવી જ છે. તેમાં રહેનારો માણસ જે રીતે ચાલે છે, હરે છે, ફરે છે, ખાય છે, સુવે છે, ને બોલે છે તેનું તટસ્થ રીતે નિરિક્ષણ કરો તો સમજાશે કે જીવનમાં અવ્યવસ્થા, ઉતાવળ અને અશાંતિ વધી પડી છે,  અને પ્રજા પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના જપ જપવા માંડી છે.

પ્રવૃત્તિ કાંઈ ખરાબ નથી, આવશ્યક છે. જીવનના જટિલ જંગમાં જવાંમર્દની જેમ ઝઝૂમવા ને સહીસલામત રીતે પાર ઉતરવા પ્રવૃત્તિનો આશ્રય લેવો જ જોઈશે. એ વિના જીવી નહિ શકાય અને આગળ પણ નહિ વધી શકાય. આજના ભીષણ જીવનસંગ્રામમાં પોતાના તથા પોતાની સાથે સંકળાયેલા બીજાનાં જીવનને સૂત્રમય, સરળ ને સુરક્ષિત કરવા માટે, પોતાની શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણેની પ્રવૃત્તિ કરવી જ પડશે. પ્રવૃત્તિનો અનાદર કર્યે નહિ ચાલે. પરંતુ એ પ્રવૃત્તિ જ્યારે યાંત્રિક બની જાય, વિવેકશક્તિ, સમજ કે સદ્દબુદ્ધિને નેવે મૂકીને થાય, માનવતાથી વંચિત બનીને કરવામાં આવે, જીવનના રસ અથવા આનંદને મારી નાખે, જીવનનાં ધ્યેયને ભૂલાવી દે, તેમજ જીવનમાં અસ્થિરતા અને અશાંતિ ઉભી કરે ત્યારે એ પ્રવૃત્તિને પ્રસશ્ય ના કહેવાય. એની સામે લાલબત્તી ધરવી પડે, ને એનું પૃથ્ક્કરણ અથવા તો એનો પુર્નવિચાર કરવાની ફરજ પાડવી પડે. એવી વિવેક વગરની જડ પ્રવૃત્તિ માણસને મદદરૂપ ના થઈ શકે, એના જીવનમાં પ્રાણ ન રેડી શકે, જીવનને અવનવું અને અર્થવાળું ન બનાવી શકે અને જીવનમાંથી રસને લૂંટી લે. માણસ એવી પ્રવૃત્તિની મદદથી ધન કમાય, વૈભવ વસાવે, મોટર ને મકાનવાળો થાય, ને કદાચ પદવી કે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે, પરંતુ એ શાંતિથી સુઈ ન શકે, શાંતિથી ઊઠી, બેસી, ચાલી, જમી ને વિચારી ન શકે. એ પ્રવૃત્તિને પરિણામે બીજું બધું પ્રાપ્ત થાય પરંતુ મનની સ્વસ્થતા, સ્થિરતા કે શાંતિ ન મળે, તો એવી પ્રવૃત્તિને શું કરવાની? એવી પ્રવૃત્તિ દોષવાળી તેમજ સંશોધનપાત્ર છે એમાં સંદેહ નહિ.

મોટા શહેરોમાં માણસોને જોયા છે ? ત્યાં માણસના જીવનમાં આવા કેટલાંય કરુણ ચિત્રો જોવા મળે છે. ગરીબ ને તવંગર, છતવાળા અને અછતવાળા, બધાની અવસ્થા આંતરિક અશાંતિની દ્રષ્ટિએ જોતાં લગભગ એકસરખી જોવા મળે છે. એટલે પ્રવૃત્તિને તિલાંજલી આપવાની વાત હું નથી કરતો, કરી શકું પણ નહિ. જીવનના ધારણપોષણ તથા સમાજની સુખાકારી માટેની જરૂરી પ્રવૃત્તિ જીવનમાં ભલે રહી: ફક્ત એ પ્રવૃત્તિએ બૂઝાવી દીધેલ સદ્દબુદ્ધિની જ્યોતિને જાગ્રત કરવાની અને છીનવી લીધેલી શાંતિને ફરી સંસ્થાપવાની જરૂર છે. જીવનમાં એ જ્યોતિ જાગ્રત થાય તો પ્રવૃત્તિ જડ રહેવાને બદલે ચેતનમયી સાધના બની જાય, અને એ આંતરિક શાંતિની સંસ્થાપના થાય તો જીવનનું સાર્થક્ય થાય. નૂતન વરસના ઉપલક્ષમાં સૌને સુખ, શાંતિ ને સમૃધ્ધિની પ્રાપ્તિની જે ભાવના કરવામાં આવે છે એની પાછળ આ રહસ્ય રહેલું છે. કેવળ સાંસારિક સમૃદ્ધિ જ સાચી ને સંપૂર્ણ સમૃદ્ધિ નથી, સદ્દબુદ્ધિ પણ સમૃદ્ધિ છે અને સાચા અર્થમાં સુખી થવા તથા શાંતિ મેળવવા એની પણ આવશ્યકતા છે.

માણસના જીવનનું નિરીક્ષણ કરતાં બીજી કયી વસ્તુ નજર સામે તરી આવે છે ? માણસ વધારે ભાગે એકલપેટો થતો જાય છે. પોતાનું સંભાળી લેવાની વૃત્તિ વધતી જાય છે. બીજાનું ગમે તે થાય પણ પોતે સમૃદ્ધિશાળી બનવું, અને બીજાના ભોગે પણ સમૃદ્ધશાળી બનવું, એ યુગધર્મ છે અને એમાં કાંઈ જ ખોટું નથી એવા વિચારો અને એ વિચારોને અનુરૂપ વર્તનમાં અભિવૃદ્ધિ થતી જાય છે. બને તેટલું કમાવું અને ગમે તે રીતે કમાવું તથા જેવો શક્ય હોય તેવો આનંદ કરવો એવી માન્યતા વ્યાપક બની ગઈ છે. પોતાનું સંભાળવાની વૃત્તિ સાવ ખરાબ છે એવું નથી સમજવાનું. કેટલેક અંશે એવી વૃત્તિ ઉપકારક પણ ઠરતી હોય છે. પરંતુ એવી વૃત્તિ જ્યારે બીજા પ્રત્યે સંપૂર્ણ આંખમીંચામણાં કરે અને બીજાના ભોગે, બીજાને બરબાદ કરીને પોષણ પામે, ત્યારે અનુપકારક બને છે, અથવા અભિશાપરૂપ ઠરે છે. માણસોમાં એવી વૃત્તિ વધી રહી છે, અને બધા જેમતેમ સમૃદ્ધ થવાની કે પોતાનો ભંડાર ભરવાની હોડમાં પડ્યા છે. એ હોડનો કોઈ અંત જ નથી. હજારવાળા લાખના ને લાખવાળા કરોડના લક્ષ્યાંક તરફ આગળ વધતા જાય છે.

ચારે તરફ જ્યાં આવો જ પવન ફૂંકાતો હોય ત્યાં રાષ્ટ્રીય હિતની, સામાજિક ઉત્કર્ષની તથા તેને માટેની સમર્પણભાવ કે ત્યાગની તો ભાવના જ કોણ રાખે ? તેની વાતો કદાચ કરી નાખે, પરંતુ વર્તનમાં તો મીંડુ જ રહેવાનું. આવી પ્રજા કેવી રીતે બેઠી થઈ શકે ? બેઠા થવા કે સમૃદ્ધિશાળી બનવા માટે તો પોતાની સાથે બીજાનો વિચાર પણ કરવો જોઈએ, એકલપેટા વૃત્તિ છોડવી જોઈએ. પરંતુ આજે પરિસ્થિતિ કેવી દેખાય છે ? રાષ્ટ્ર કે સમાજની વાત બાજુએ મૂકીએ ને ઘર કે કુટુંબની વાત કરીએ તો પણ પરિણામ ભાગ્યે જ સંતોષકારક દેખાય છે. ઘર ને કુટુંબમાં આજથી થોડા વરસો પહેલાં જે પ્રેમ હતો, મીઠાશ હતી, સંપ તથા સહકાર ને સ્વાર્પણની ભાવના હતી તે આજે ક્યાં દેખાય છે ? સંતાન ને માતા-પિતા, ભાઈ ને બેન તથા બીજા સંબંધીઓમાં સ્નેહભાવ કેટલો રહ્યો છે ? કુંવારો છોકરો માબાપની સંભાળ રાખે પણ પરણ્યા પછી માબાપની સામે પણ ન જુએ, ને કેટલાક સંજોગોમાં તો માબાપની સાથે સંબંધ ના રાખવાની તૈયારી બતાવે પછી જ પરણી શકે, એવા ઉદાહરણો લગભગ સર્વસામાન્ય બનવા માંડ્યાં છે. આવી પરિસ્થિતિ કેમ છે તે જુદી વાત છે, પરંતુ એ પરિસ્થિતિનો ઘર, કુટુંબ ને સમાજની સુખાકારી માટે તથા માનવતાને મરતી બચાવવા કાજે અંત લાવવો પડશે.

ત્રીજી ગંભીર ને નોંધપાત્ર હકીકત માણસ બર્હિમુખ બનતો જાય છે ને બહારના વિષયોમાં દોડતો જાય છે તે છે. સંસારના વિષયોનો ને સાંસારિક સુખનો મોહ વધતો જાય છે. માણસ વિષયલોલુપ બનતો જાય છે. શરીરના આકર્ષણ, મમત્વ, ભોગ ને શૃંગારમાં માણસ બંધાતો જાય છે, તેના પરિણામરૂપે એ આત્માવિમુખ બનતો જાય છે. એની ભૂખ ભારે છે પરંતુ તે શાંત નથી થતી ને એને શાંતિ પણ નથી મળતી. કેવી રીતે મળે ? ઉપનિષદે તો કહ્યું છે કે यदवै भूमार तत्सुखम् જે ભૂમા કે વિશાળ છે, મહાન છે, તે પરમાત્મામાં જ સુખશાંતિ છે, સંસારના અલ્પજીવી વિષયોમાં નથી. એટલે શાંતિને માટે પરમાત્માની પાસે પહોંચવું પડશે. સંસારમાંથી મનને ઉપરામ કરવું રહેશે. વળી ભૂમા એટલે વિશાળતાના ઉપાસક થવું પડશે. સંકુચિતતા, કટુતા, સ્વાર્થ અને એકલપેટાપણા જેવી માણસને અલ્પ અથવા તો નાનો બનાવી દેનારી વૃત્તિનો ત્યાગ કરીને, ઉદારતા, નિ:સ્વાર્થતા, સ્નેહ ને સેવાભાવની મૂર્તિ બનવું પડશે. ત્યારે જ મહાન બની શકાશે અને શાંતિ મેળવી શકાશે. પણ એવી મહાનતા તથા શાંતિની પડી છે કોને? એટલે તો ગાડી આજે બીજી દિશામાં ચાલે છે. એ દિશામાં સંતૃપ્તિનાં નહિ પરંતુ વેદનાના વમનનાં, ને શાંતિના નહિ પરંતુ અશાંતિના સ્ટેશનો આવ્યા કરે છે. જીવન જીવાય છે ખરું, પણ જીવન શાને માટે છે ને જીવનમાં શું કરવાનું ને કરવા જેવું છે તેનું વિસ્મરણ થઈ ગયું છે. જીવન ધ્યેયનો ખ્યાલ જ નથી રહ્યો એમ કહીએ તો ચાલે.

આ બધી હકીકત ઉત્સાહજનક અથવા અભિનંદનીય થોડી જ છે ? માટે જ કહું છું કે જીવનની સુખશાંતિ ને સફળતામાં રસ હોય તો બધા આવો. નવા સંકલ્પો કરો, નવો કાર્યક્રમ બનાવો ને જીવનને નવો આકાર આપવા તૈયાર થાવ. મક્કમ નિરધાર, ખંત અને એકધારો પુરુષાર્થ હશે તો કોઈયે વસ્તુ અશક્ય નહિ રહે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Kantilal Parmar 2020-06-05 12:10
પુજ્ય શ્રી યોગેશ્વરજી પ્રણામ. આધ્યાત્મિક અને સારા વાંચનની શોધમાં આપની સાઈટ મળી આનંદ થયો. આ સાઈટનો લાભ મારા મિત્રોને પણ આપતો રહું છું.
આભાર અને વંદન.
કાંતિલાલ પરમાર
હીચીન.

Today's Quote

From the solemn gloom of the temple, children run out to sit in the dust, God watches them play and forgets the priest.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok