Sunday, August 09, 2020

આધ્યાત્મિકતા અપ્રિય કેમ છે ?

જૂની પેઢીના માણસોની વારંવાર ફરિયાદ છે કે નવી પેઢીમાંથી ધર્મ અથવા તો આધ્યાત્મિકતાની શ્રદ્ધા ઓસરતી જાય છે. ધર્મ અથવા આધ્યાત્મિકતા પ્રત્યેનો પ્રેમ નવી પેઢીમાં ઘટતો જાય છે અને મરી પરવાર્યો છે એમ કહીએ તો ચાલે. તે ધર્મની, ઈશ્વરની કે ધાર્મિક વિધિવિધાનો તથા ક્રિયાકાંડોની ઠેકડી ઉડાવે છે, તેમને જુનવાણીમાં ખપાવે છે, અને જીવનને માટે બિલકુલ અનાવશ્યક સમજે છે. એમની દ્રષ્ટિએ ધર્મનું જીવનમાં કોઈ મહત્વ જ નથી. સ્થાન પણ નથી, તથા મૂલ્ય જ નથી. ઊલટું, એને લીધે કેટલાક વહેમો વધે છે, પામરતા પોષાય છે, ને પરાવલંબન, ભય, ભ્રષ્ટાચાર ને ભેદભાવ ઊભા થાય છે. ખાસ કરીને યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી લઈને બહાર આવનારો કે ડિગ્રીની તૈયારી કરનારો શિક્ષિતવર્ગ એ માન્યતાનો વિશેષ ભોગ બન્યો છે, અને એ વર્ગ ધર્મ અથવા તો આધ્યાત્મિકતાની સાથે સંબંધ વિચ્છેદ કરવામાં પોતાનું ગૌરવ ને શ્રેય સમજે છે. આ પરિસ્થિતિનો અંત કેવી રીતે લાવવો? જો આમ ને આમ ચાલ્યા કરશે તો થોડા વખત પછી પ્રજામાંથી ધર્મ અને આધ્યાત્મિકતાનો સમૂળગો લોપ થઈ જશે. ધર્મ અથવા તો આધ્યાત્મિકતાનું જે ઉપરછલ્લું સ્વરૂપ આજે દેખાય છે તે સાધારણ સ્વરૂપ પણ પછીથી નહિ રહે. ધર્મ અને આધ્યાત્મિકતાના શબ્દો શબ્દકોશમાં રહે તો ભલે, પરંતુ વ્યવહારમાં કે જીવનમાં તો નહિ જ રહે.

જૂની પેઢીના માણસોની એ ફરિયાદ કાંઈ એકદમ કાઢી નાખવા જેવી કે નિરાધાર નથી. ફરિયાદ કેટલેક અંશે સાચી છે અથવા એમાં તથ્ય છે. પરંતુ એને અનુલક્ષીને બધો જ દોષ નવી કે ઊછરતી પેઢીનો કાઢીએ એ પણ બરાબર નથી. ધર્મ અથવા આધ્યાત્મિકતા અત્યંત આશીર્વાદરૂપ વસ્તુ છે, તેમ જ ફરિયાદ પણ એને લગતી છે, એટલે એનો સહાનુભૂતિથી સમગ્રતયા વિચાર કરવાની જરૂર છે.

નવી પેઢી વૈજ્ઞાનિક જમાનામાં ઉછરેલી ને ઉછરતી હોવાથી બુદ્ધિવાદી, તર્કપ્રધાન અને શંકાશીલ છે. તે કુતૂહલપ્રધાન પણ છે. એટલે દરેક વસ્તુને ચકાસવામાં, મૂલવવામાં કે પારખવામાં માને છે. પ્રત્યેક પદાર્થ, પ્રથા, પદ્ધતિ કે રીતરિવાજને કસોટીના ગજ પર ચઢાવવાની એની વૃત્તિ છે. ધર્મ કે આધ્યાત્મિકતા પણ એમાં અપવાદરૂપ નથી. એના સંબંધમાં પણ એ એ જ સર્વસામાન્ય ગજનો ઉપયોગ કરે છે અને પૂછે છે કે ધર્મ કે આધ્યાત્મિકતા શું છે. એથી જીવનમાં લાભ શો છે, એની ઉપેક્ષા કરવાથી કે એનાથી વંચિત રહેવાથી નુકસાન શું થાય છે, અને એનો ઉદ્દેશ શો છે? એ ઉપરાંત ધાર્મિક વિધિવિધાનો, પ્રથાઓ, રીતરિવાજો તથા સાધનાઓ અને ધર્મગ્રંથો, સંતપુરુષો તેમ જ ઈશ્વર વિષે પણ કેટલાક પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્નો કેટલીક વાર પૂછવાને ખાતર અથવા તો કેવળ વિનોદને માટે જ પુછાતા હોય છે, તો કેટલીક વાર સાચી જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને ગંભીરતા તથા પ્રામાણિકતાથી પણ પુછાતા હોય છે. એવે વખતે, એ જિજ્ઞાસાવૃત્તિને શાંતિપૂર્વક સાંભળવાની, સમજવાની ને સંતોષવાની જરૂર રહે છે. એ જીજ્ઞાસાવૃત્તિને તિરસ્કારવાની કે અપમાનિત કરવાની ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એવી રીતે માણસની સ્વાભાવિક કુતૂહલવૃત્તિ કે જિજ્ઞાસાનો અનાદર કર્યા સિવાય જો એને સંતોષકારક રીતે સમજાવવામાં આવે તો ધર્મ અથવા આધ્યાત્મિકતાની વાતો એને ગળે અવશ્ય ઉતરી શકે: ધર્મ અથવા આધ્યાત્મિકતાની આવશ્યકતા એ સમજે, સ્વીકારે અને એના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની કોશિશ પણ શરૂ કરે. શિક્ષિત, બુદ્ધિવાદી, તર્કપ્રધાન કે શંકાશીલ વર્ગને ધર્મમાં રસ લેતો કરવાની આ જ પદ્ધતિ છે. એ વર્ગ કાંઈ સાવ જડ કે વિવેક વગરનો નથી. પરંતુ વૈજ્ઞાનિક જમાનાનો વારસદાર હોવાથી એની દૃષ્ટિ પણ વૈજ્ઞાનિક છે. એને વૈજ્ઞાનિક રીતે શક્ય હોય તેટલે અંશે, સંતોષી શકાય છે. પરંતુ તમે એને સમજાવટની સહાયતાથી સંતોષવાની ના જ પાડી દો તો એ ધર્મમાં રસ લેતો કેવી રીતે થઈ શકવાનો છે?

આજની આપણી પદ્ધતિ વધારે ભાગે એવી જ છે. કોઈ આપણને ધર્મ, આધ્યાત્મિકતા, સાધના કે ઈશ્વર વિષે કશુંક પૂછે છે તો તેને સહાનુભૂતિથી સમજાવવાને બદલે ‘તું શું સમજે? હજુ તો તારે વાર છે. અમારી વાતમાં વિશ્વાસ રાખ. તું તો શ્રદ્ધા વગરનો નાસ્તિક છે. ધર્મની બાબતમાં શંકા ના હોય.’ એમ કહીને તેની વાતને ઉડાવી દેવાય છે. બધી વાતો બધા માણસો ના સમજી શકે તે બરાબર છે. એ હકીકતનો સ્વીકાર કરીએ તોપણ, જેટલા પ્રમાણમાં સમજી શકે અને સમજાવી શકાય તેટલા પ્રમાણમાં સમજાવવાનો પ્રયાસ પણ નથી કરાતો. તર્કશક્તિનો પ્રયોગ કરવાની તસ્દી જ નથી લેવાતી. એ તો ઠીક, પરંતુ એથી આગળ વધીને ‘શંકા કરીશ તો નરકમાં પડીશ.’ ‘પાપ લાગશે’. ‘શાસ્ત્રમાં કહ્યું છે અને અમારા બાપદાદા વખતથી અમે કરતા આવ્યા છીએ, માટે તારે પણ કરવું જ પડશે, નહિં તો તારું અમંગલ થશે; અને કરીશ તો તારા સઘળા મનોરથો પૂરા થશે તેમ જ તારી સદ્દગતિ થશે.’ એવી રીતે ધાકધમકી, ભય ને પ્રલોભનોની રજૂઆત કરાય છે. એવી રીતે શું ધર્મ જીવતો રહી શકે તેમ છે ? આધ્યાત્મિકતાને એવી રીતે અકબંધ અને અમર રાખી શકાશે ? એવી રીતે એને લોકપ્રિય બનાવવાની આશા છે ? શિક્ષિત વર્ગ શું એવી પદ્ધતિથી એમાં રસ લેતો થઈ શકશે ? એવી પદ્ધતિથી તો ધર્મ અથવા આધ્યાત્મિકતાને વધારે અપ્રિય બનાવી દેવાશે. શિક્ષિત વર્ગ એથી વધારે વિમુખ થઈ રહ્યો છે અને થતો રહેશે. એવી પદ્ધતિ લેશમાત્ર પણ સહાયક નહિ થઈ શકે, અને આ વૈજ્ઞાનિક યુગમાં નહિ ટકે. બધી જ વસ્તુઓનો સ્વીકાર જ્યાં બુદ્ધિના આધાર પર કસીને કરવામાં આવે છે ત્યાં ધર્મ, સાધના કે આધ્યાત્મિકતા પણ એમાંથી બાકાત કેવી રીતે રહી શકશે ?

અને બાકાત રહે એવું ઈચ્છીએ પણ શા માટે ? આપણને ખબર હોય કે ના હોય, પણ આપણો આખોય ધર્મ, તમારી સમસ્ત સાધના અને આધ્યાત્મિકતા વૈજ્ઞાનિક છે. એ કોઈ માની લીધેલી કે ઊપજાવી કાઢેલી વસ્તુ નથી, પરંતુ એની પાછળ ચોક્કસ ને પરિપક્વ વિચારોનું પીઠબળ છે. એ કોઈ વહેમ નથી પરંતુ, વાસ્તવિકતા છે, અનુભૂતિ છે. વૈજ્ઞાનિક અથવા તો પદ્ધતિસરની વ્યવસ્થિત વિચારધારા સાથે એણે છૂટાછેડા નથી લીધા. એ વિચારધારાને સંપૂર્ણપણે સમજીને સમજાવવા તૈયાર રહીએ એટલું જ આવશ્યક છે. તો શિક્ષિતવર્ગને સંતોષીને તેનામાં ધર્મ કે આધ્યાત્મિકતાની રુચિ તેમ જ રસવૃત્તિ કેળવી શકાશે. એટલે નવી પેઢી જો ધર્માનુષ્ઠાન અથવા આધ્યાત્મિકતાથી રહિત થતી જતી હોય તો તેમાં બધો દોષ એનો જ છે એવું નથી. એના દોષી આપણે પણ છીએ. આપણી પદ્ધતિમાં પરિવર્તન કરીશું તો એ ધર્મથી વિમુખ થતી બચી શકશે. ધર્મ તથા ધર્માનુષ્ઠાનના સાચા રહસ્યને સમજવાથી એ એમાં રસ લેતી થઈ શકશે.

ભારતનો આખોય ધર્મ વૈજ્ઞાનિક છે. એ ધર્મે કદી જિજ્ઞાસાવૃત્તિની અવહેલના નથી કરી. એનો આરંભ જ જિજ્ઞાસાવૃત્તિથી થયો છે, ને જિજ્ઞાસાને એમાં છેવટ સુધી પોષણ મળ્યું છે. એ જિજ્ઞાસાવૃત્તિ પ્રામાણિક હતી એ સાચું છે, પરંતુ ક્યાંય એની ઉપેક્ષા નથી થઈ. ઉપનિષદ ને ગીતા જેવા ગ્રંથો એના ઉદાહરણરૂપ છે. ગીતામાં જ્યાં જ્યાં અર્જુને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછ્યા છે ત્યાં ત્યાં ભગવાન શ્રીકૃષ્ણે એમના શાંતિપૂર્વક ઉત્તરો આપ્યા છે. અને આખરે અઢારમાં અધ્યાયમાં પણ અર્જુનને પૂછ્યું છે કે મારી વાતો તને સમજાઈ ગઈ અને તારી શંકા દૂર થઈ? મતલબ કે હજુ પણ કાંઈ પૂછવા જેવું હોય તો પૂછ, હું તને સમજાવવા તૈયાર છું, એવો એમણે સંકેત કર્યો છે. આપણે પણ એવી પદ્ધતિસરની વ્યવસ્થિત વિચારશક્તિનો આધાર લઈ શકીએ. જરૂર પડ્યે યથાશક્તિ એવો આધાર લેવો જ જોઈએ. તો ધર્મ અથવા આધ્યાત્મિકતાને પ્રિય બનાવી શકાશે, અથવા પ્રિય બનાવવાના કીમતી કામમાં મહત્વનો ફાળો તો અવશ્ય આપી શકાશે.

ધર્મ અથવા તો આધ્યાત્મિકતાની રુચિ પ્રજામાંથી એકદમ ઓસરી ગઈ છે એવું નથી. એને માટેની રસવૃત્તિ હજુ જીવે છે. એના અંકુરો તદ્દન નિર્મૂળ નથી થયા. પ્રજામાં એને માટેની સદ્દભાવના છે, અને એના સંબંધમાં વિશેષ ને વિશેષ માહિતી મેળવવાની ઈચ્છા પણ છે. એ સદ્દભાવના અને ઈચ્છાને સંતોષવામાં આવે તો ધર્મ અથવા તો આધ્યાત્મિકતાને માટેનો એનો પ્રેમ પ્રબળ બને એ દેખીતું છે.

એને માટે જેમની પાસે લખવાની, બોલવાની, પ્રચાર કરવાની ને બીજાને મદદરૂપ થવાની વૃત્તિ તથા શક્તિ છે તે ઘણું મહત્વનું  કે મૂલ્યવાન કામ કરી શકે છે. લખનાર તથા બોલનાર એટલે કે લેખક અને ઉપદેશક અથવા તો વક્તાની શક્તિ જેમ લોકોત્તર છે, તેમ તેમની જવાબદારી પણ ઘણી મોટી છે. પ્રજામાં ધાર્મિક સંસ્કારોનો પ્રસાર કરવાનું અને ધર્મ અથવા તો આધ્યાત્મિકતા માટેની સાચી દૃષ્ટિની રજૂઆત કરવાનું કીમતી કામ તેમના હાથમાં પડેલું છે. તે કામ જો તેમના દ્વારા સમજપૂર્વક ને સારી રીતે થાય તો પ્રજાને ઘણો લાભ મળી શકે. ને ધર્મની સાચી સેવા પણ થઈ શકે. એ હેતુ કે દૃષ્ટિબિંદુને લક્ષમાં રાખીને લેખકે અને ઉપદેશકે બને તેટલી સરળ ભાષામાં લખવાની જરૂર છે, જેથી તેમના વિચારો સૌને સહેલાઈથી સમજાઈ શકે, અને સૌ તેમનું અનુસરણ કરી શકે.

આપણે ત્યાં લેખકો અને ઉપદેશકોનો એક વર્ગ એવો છે જે હજુ જુની ઘરેડમાંથી બહાર નથી આવતો. ધર્મ, સાધના, ઈશ્વર કે આધ્યાત્મિકતાની વાતોને સરળ અને લોકભોગ્ય ભાષામાં રજૂ કરી જ ના શકાય એવું એમનું માનવું છે. એટલે એ વાતોની રજૂઆતને માટે જ્યારે તે કલમ ઉપાડે છે કે મુખ ખોલે છે ત્યારે એવું અટપટું અર્થઘટન કરે છે, ગહન તથા કર્કશ બોલે છે ને લખે છે કે વધારે ભાગે તે જ વક્તા ને શ્રોતા બની જાય છે. મતલબ કે તેમની વાતોને તેમના જેવા થોડાક માણસોને બાદ કરતાં કોઈ સમજી જ નથી શકતું. એવી વાતોથી ધર્મની સેવા શી રીતે થઈ શકશે ને ધર્મને લોકપ્રિય પણ કેવી રીતે બનાવી શકાશે? કેટલાક વિદ્વાનો કે વિચારકો લખવા કે બેલવાને ખાતર જ કઠિન ભાષામાં લખતા કે બોલતા હોય છે: તેમાં તેમને એક પ્રકારનું ગૌરવ લાગે છે: તો કેટલાકને એવી રીતે લખવા તથા બોલવાની ટેવ જ પડી હોય છે. એવી ટેવ અથવા તો એવું ગૌરવ બીજાને માટે હાનિકારક છે એ વાતનો કદાચ તેમને ખ્યાલ નહિ હોય. પરંતુ આપણી યુવાન પેઢીમાંથી ધર્મ અથવા તો આધ્યાત્મિકતાની શ્રદ્ધા ધીરે ધીરે ઓસરતી જાય છે તેનું એક કારણ એ પણ છે. યુવાન પેઢી જિજ્ઞાસુ જરૂર છે. પરંતુ તેની જિજ્ઞાસાવૃત્તિને સમ્યક જવાબ આપીને સંતોષે એવું સાહિત્ય-વાચન, મનન ને પ્રવચન એને બહુ ઓછું મળે છે. આ સ્થિતિનો અંત આણવાનું આવશ્યક છે. યુવાન પેઢીને એથી લાભ થશે એ નક્કી છે. એટલા માટે જ પંડિતો, લેખકો, વિચારકો ને ઉપદેશકોને આપણે કહીશું કે તમારા ભાવો, વિચારો ને સિદ્ધાંતોને બને તેટલી સીધી ને સરળ ભાષામાં રજૂ કરવાનો આગ્રહ રાખો.

એ ઉપરાંત એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. નવા જમાનામાં બધી વસ્તુઓનાં મૂલ્યો બદલાયાં છે ને બદલાતા જાય છે. આ યુગના પ્રશ્નો જુદા છે ને જુદી જ રીતે જુદાં જ કારણોસર સતાવી રહ્યા છે. માણસ આજે મોટે ભાગે ભૌતિક બન્યો છે ને બનતો જાય છે. ગમે તેમ કરીને ધન પ્રાપ્ત કરવું ને સુખ ભોગવવું એ એનો મુદ્રાલેખ છે. રોજી ને રોટીની સમસ્યામાં એ એવો તો અટવાઈ ગયો છે કે વાત નહિ. તે એમ પૂછે છે કે આધુનિક યુગમાં અને આ બદલાયેલા સંજોગોમાં ધર્મ અને પ્રાચીન ધર્મના સિદ્ધાંતો કેવી રીતે સહાયક થઈ શકે એમ છે? આધ્યાત્મિકતાનું સ્થાન આજે શું છે? આજની બદલાયેલી પરિસ્થિતિમાં ધર્મ અથવા આધ્યાત્મિકતા કેવી રીતે કામ લાગી શકે તેમ છે? જીવન ને જગતના પ્રાણપ્રશ્નોને હલ કરવામાં તે કયો કે કેવોક ફાળો આપી શકે તેમ છે? એને જીવન તથા જગતની સાથે કાંઈ સંબંધ છે કે નહિ? આવા પ્રશ્નો વર્તમાન પ્રજાને સ્વાભાવિક રીતે જ ઊઠતા હોય છે. એ એક સારું અથવા તો આવકારદાયક ચિહ્ન છે ને ધર્મ અથવા આધ્યાત્મિકતાના અસ્તિત્વને માટે લાભકારક છે. જે ધર્મ જમાનાની જરૂરતને નથી જાણતો, જમાનાની સાથે નથી ચાલતો, જમાનાના પરિબળોને નથી પોષતો, તથા જમાનાના પ્રાણપ્રશ્નોને પોતાની રીતે પૃથક્કરણ કરીને નથી ઉકેલતો, કે ઉકેલવાની વૃત્તિ પણ નથી રાખતો, તે ધર્મ સનાતન નથી રહી શકતો, પુરાતન બની જાય છે, તથા કાયમને માટે ટકી નથી શકતો. તે ધર્મ પુસ્તકોમાં રહે છે, પંડિતો ને વિચારકોની વાણીમાં ફરી વળે છે, પરંતુ પ્રજાના પ્રાણમાં તેમ જ અસ્તિત્વના અણુ-પરમાણુમાં નથી પ્રસરી શકતો. તે શોખ, વિલાસ, રૂઢિ કે મનોરંજનનું સાધન બની રહે તે ભલે, પરંતુ આવશ્યકતા, ભૂખ, બળ કે પ્રેરણા નથી બની શકતો.

એટલે પ્રજાની સામે ઊભા થનારા એ પ્રશ્નોની અવગણના કરવાને બદલે, તેમને સહાનુભૂતિથી સમજવાની તથા સમજાવવાની જરૂર છે. ધર્મ સનાતન હોવાથી તેમાં સર્વ કાળની પ્રજાને માટે સંદેશ સમાયેલો છે. એ સંદેશની રજૂઆત કરવાની શક્તિ કેળવવી પડશે. ધર્મ અથવા આધ્યાત્મિકતાની મૂલવણી આધુનિક સમસ્યાઓના આધાર પર, આધુનિક દૃષ્ટિએ કરવી પડશે, અને વર્તમાન જીવન તથા જગતમાં એની ઉપયોગિતા પર પ્રકાશ ફેંકવો રહેશે. ધર્મ વિનાનું જીવન ને જગત કેટલું બધું પંગુ ને નીરસ બની શકે એમ છે ને ધર્મને લીધે કેટલું બધું સુખદ, શાંતિમય અને સ્વર્ગીય થઈ શકે તેમ છે તે અત્યંત અસરકારક રીતે રજૂ કરવું પડશે. એવું નહિ થાય તો ધર્મની રહીસહી રુચિ તથા શ્રદ્ધા પણ જતી રહેશે, ને તેનો દોષ એકલી પ્રજાને જ નહિ દેવાય.

લોકોમાં ક્યાંક ક્યાંક એવી ભ્રાંત ધારણા પણ પ્રચલિત છે કે ધર્મ, સાધના, ઈશ્વરભક્તિ કે આધ્યાત્મિકતા તો વૃદ્ધાવસ્થામાં કરવાની વસ્તુઓ છે અને એમનું અનુષ્ઠાન એકાંત પ્રદેશમાં કે અરણ્યમાં રહીએ તો જ થઈ શકે. એમને માટે વર્તમાન જીવનપદ્ધતિનો, સગાંસંબંધીનો ને ઘરબહારનો ત્યાગ કરવો પડે. એટલે એમનું નામ આપણે નથી લેવા જેવું. એવી ભ્રાંત ધારણા ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે એમના અનુષ્ઠાનથી જીવનના રસકસ સુકાઈ જાય છે અને આનંદ જેવું કાંઈ નથી રહેતું. એવી ધારણા ને માન્યતા નિરાધાર છે એ સમજાવવું રહેશે. એને લીધે પણ વર્તમાન પ્રજા ધર્માનુષ્ઠાનથી વિમુખ થતી જાય છે. એને કહેવું પડશે કે ધર્મ, સાધના, ઈશ્વરભક્તિ અથવા આધ્યાત્મિકતાનું અનુષ્ઠાન એ ત્યાગ, સંન્યાસ, અરણ્યવાસ કે જીવન ને જગતથી છૂટાછેડા નથી. એને માટે એ આવશ્યક જ છે એવું નથી સમજવાનું. એવા અનુષ્ઠાનથી જીવનનો રસ સુકાઈ જશે કે આનંદ લુપ્ત થઈ જશે એમ પણ નથી. એથી તો ઊલટું, અભૂતપૂર્વ અખૂટ રસની અને પરમાનંદની પ્રાપ્તિ થશે. એક વાર એનો આસ્વાદ તો લઈ જુઓ ! એક વાર એના પ્રામાણિક ઉમેદવાર તો બની જુઓ ! પછી ખાતરી થશે. ધર્મ અથવા આધ્યાત્મિકતા જીવનને નીરસ કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ રસમય બનાવવાની કળા છે. એથી જીવન ઉત્તરોત્તર રસમય બનતું જાય છે. એ વૃદ્ધાવસ્થાનો વિષય પણ નથી. એ તો સાચું કહીએ તો મૂળભૂત રીતે યૌવનની અને સમસ્ત જીવનની સાધના છે. નસેનસમાં જ્યારે લોહી ઉછળતું હોય, સ્વસ્થતા હોય, તરવરાટ થતો હોય, શક્તિના પ્રચંડ પૂર ઊઠતાં હોય, તથા પ્રાણમાં આશા, શ્રદ્ધા, લગન અને મહત્વકાંક્ષા ભરી હોય, ત્યારે જ મનને તેમાં લગાડવા જેવું છે. તો તે ચમત્કાર કરી શકે. ફૂલ જ્યારે તાજું, સુવાસિત કે કોમળ હોય ત્યારે જ તેને દેવતાના ચરણ પર ચઢાવવા જેવું કે દેવતાના મસ્તક પર મૂકવા જેવું હોય છે. તે સૌરભહીન બની જાય પછી શું ? પછી તેનો શો ઉપયોગ થઈ શકે ? પૂજાસેવાના કામમાં તો તે આવે જ કેવી રીતે ?

ધર્મ અથવા આધ્યાત્મિકતા વૃદ્ધાવસ્થાનો ઈજારો નથી પરંતુ યુવાવસ્થાની આવશ્યકતા અને સમસ્ત જીવનની જરૂરત છે એ વાતને યાદ રાખવાની જરૂર છે. યુવાનોને માટે એ અત્યંત ઉપયોગી છે, ને યુવાનો એના ઉત્તમોત્તમ ઉમેદવારો છે. યુવાનોને એમની અવસ્થાને લીધે કેટલાક લાભ સહજ રીતે જ મળી રહે છે. એમનામાં સ્ફૂર્તિ હોય છે, લગન હોય છે, જુસ્સો હોય છે, નવું નવું શોધવાની ને ભોગ આપવાની વૃત્તિ હોય છે, તથા પુરુષાર્થપરતા તેમ જ સહનશક્તિ હોય છે. એટલે જો ધારે તો એ આધ્યાત્મિક માર્ગે સત્વર અને સહેલાઈથી આગળ વધી શકે છે. ધર્મ અથવા તો આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં એટલા માટે જ યુવાનો વધારે ને વધારે પ્રમાણમાં પ્રવેશ કરે ને રસ લે એ જરૂરી છે. છતાં પણ પરિસ્થિતિ આજે કેવીક દેખાય છે ? ધર્માનુષ્ઠાન કે સત્સંગ જાણે વૃદ્ધાવસ્થાનો જ ઈજારો હોય અને વૃદ્ધાવસ્થાને સારુ જ સુરક્ષિત હોય તેમ વૃદ્ધો જ એમાં વધારે રસ લેતા દેખાય છે. યુવાનોને એની સાથે કાંઈ લાગતુંવળગતું જ ના હોય એવી અસર ઊભી થયા વિના રહેતી નથી. આ પરિસ્થિતિ બહુ સારી અને આવકારદાયક નથી. એને બદલે ધર્માનુષ્ઠાન, સત્સંગ, સાધના અથવા આધ્યાત્મિકતામાં યુવાનોની સંખ્યા વધારે હોવી જોઈએ.

પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થઈ શકે ? ઘરમાં, કુટુંબમાં તથા સ્કૂલમાં ધર્મનો સાચો પરિચય થાય એવું વાતાવરણ ભાગ્યે જ મળે છે. શિક્ષણની સંસ્થાઓ એ બાબત ઘણું ઘણું કરી શકે. પરંતુ એ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણની જોગવાઈ જ ક્યાં છે ? રાજ્ય તરફથી ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા નથી, એના કારણમાં એમ કહેવામાં આવે છે કે બિનસાંપ્રદાયકતાના આદર્શને સ્વીકારેલો હોવાથી રાજ્ય ધર્મની બાબતમાં સક્રિય રસ ના લે કે હસ્તક્ષેપ પણ ના કરે. રાજ્યે બિનસાંપ્રદાયકતાનો આદર્શ અપનાવ્યો છે એ બરાબર છે, પરંતુ ધર્મ અને ધાર્મિક શિક્ષણ સાથે તેણે છૂટાછેડા લીધા છે એવું થોડું છે ? કોઈ એક વિશેષ ધર્મ પ્રત્યે તે પક્ષપાત તથા તિરસ્કારનો ભાવ ના રાખે એ સમજી શકાય તેવું છે. પરંતુ તે સર્વધર્મસમભાવ નીતિમાં તો માને જ છે, એટલે સર્વધર્મભાવના સિદ્ધાંતને પોષક ધર્મશિક્ષણ પ્રત્યે ઉદાસીન કે ગાફેલ ના રહી શકે. જો ગાફેલ રહે તો તે ઉચિત કે ઉપકારક ના ઠરે. બધા જ ધર્મોમાં નીતિ, સદાચાર તથા તત્વજ્ઞાનની અમુક સામગ્રી સરખી છે. ધર્મનું બાહ્ય કલેવર ભલે જુદું હોય, પણ એનો આત્મા અલગ છે એવું નહિ કહી શકાય ધર્મની એ અંતરંગ સામગ્રી સૌને માટે ઉપયોગી છે. એ સામગ્રીથી યુવાન પેઢીને પરિચિત કરાવવામાં આવે તો એ પેઢીને લાભ થાય. એને ધર્મનો આછોપાતળો ખ્યાલ આવી શકે. ધર્મના સર્વસામાન્ય સિદ્ધાંતો ને એવા શિક્ષણનો પ્રબંધ રાજ્ય તરફથી કરવામાં આવે તો તેના આદર્શને કશી હરકત ના આવે, અને યુવાન પેઢી ધાર્મિક શિક્ષણથી વંચિત પણ ના રહી જાય. ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવે એ એટલા માટે પણ સારું લેખાશે કે અંગત હિત ધરાવનારા લોકોને ધર્મને નામે પોતાના મનગમતા સંપ્રદાયના પ્રચાર માટેની તક નહિં મળે, ને બધે એક સરખું ધાર્મિક શિક્ષણ સુલભ બનશે.

ધર્મગ્રંથોમાં-ખાસ કરીને કથાવાર્તાઓમાં ક્યાંક ક્યાંક એવી વાતો આવે છે કે જે કેટલીક વાર અતિશયોક્તિ જેવી લાગે છે. યુવાન વર્ગ પર એમની અસર એટલી સારી નથી થતી. એમનું રહસ્ય એમને માટે રહસ્યરૂપ જ રહી જાય છે. એવી અત્યુક્તિ જેવી વાતોને લીધે કેટલીક વાર એમની શ્રદ્ધા પણ હાલવા માંડે છે. એવી વાતોની પસંદગી અથવા તો રજૂઆત વખતે ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા છે. વિવેકશક્તિને કામે લગાડવાની જરૂર છે.

ધર્મ અથવા આધ્યાત્મિકતા પ્રત્યે લોકોને અભિરુચિ અવશ્ય છે. લોકો તે વિષે માહિતી મેળવવાની ઈચ્છા પણ રાખે છે. અનુભવી પુરુષોના સ્વાનુભવોને જાણવાની વૃત્તિ પણ એમનામાં નથી એમ નહિ. પરંતુ એવી વૃત્તિને પોષણ પણ ભાગ્યે જ મળે છે. અનુભવી પુરુષો પોતાની અનુભવ-વાતોને અપ્રકટ કરવામાં કે ગુપ્ત રાખવામાં જ માને છે. બધી જ અનુભવ-વાતો બધાની આગળ પ્રગટ કરવા જેવી ના હોય એ સમજી શકાય તેમ છે; પરંતુ એનો અર્થ એવો થોડો છે કે કોઈ વાત પ્રકટ જ ના કરવી ? પ્રકટ કરવા જેવી કોઈ વાતોને જો પ્રકટ કરવામાં આવે તો તેથી ડગમગતી શ્રદ્ધાવાળા લોકોને મદદ મળે, પ્રેરણા ને પ્રકાશની પ્રાપ્તિ થાય, અને સાધનાની સચ્ચાઈનો ખ્યાલ આવે. પરંતુ એવા સાધનાત્મક સ્વાનુભવ-ઈતિહાસો આપણે ત્યાં ઘણાં ઓછા છે. એવા ઈતિહાસો લખવાની જ્યાં ઈચ્છા જ ના હોય,અને ભૂલેચૂકે કોઈ લખે પણ તો તેની લેખનપ્રવૃત્તિ અને અનુભૂતિને અહંકારજન્ય કહીને તથા કીર્તિ કમાવાનું સાધન માની-મનાવીને તેની હાંસી ઉડાવવામાં આવતી હોય, તથા તેની વાતોને અનુભવ કરવાની લેશમાત્ર પણ પરવા કર્યા વિના વહેમમાં, પોકળ વાતોના પ્રચારમાં કે વ્યક્તિગત ડિમડિમમાં ખપાવવામાં આવતી હોય, ત્યાં એવા ઈતિહાસો લખવાની પહેલ પણ કોણ કરે, અથવા એવી લેખનપ્રવૃત્તિમાં રસ પણ કોણ લે? પરિણામે અનુભવ વગરના કે અધકચરા અનુભવવાળા માણસોની વાતોને જ મહત્વની માનવાની રહે, એ વાતોથી દોરાવાનું રહે, અને એમના આધાર પર જ ધર્મ, સાધના, ઈશ્વરભક્તિ કે આધ્યાત્મિકતા સંબંધી અભિપ્રાયો બાંધવાના રહે. એવી રીતે ધર્મની સેવા ક્યાંથી થઈ શકે ? એટલે થોડીઘણી કપોળકલ્પિત વાતો ને ટીકાનિંદાને વહોરી લઈને પણ, અનુભવી પુરુષોએ એનાથી ડર્યા કે ડગ્યા વિના, પોતાની સ્વાનુભવાત્મક સાધના-સામગ્રીને સાધનાની સેવા માટે પ્રામાણિકપણે રજૂ કરવી જોઈએ. એથી એકંદરે લાભ જ થશે.

ધર્મ અથવા આધ્યાત્મિકતાને લોકપ્રિય બનાવવા માટે એક બીજી વાતનું વિસ્મરણ પણ નથી કરવા જેવું. યુવાન પ્રજામાં ધર્મની રુચિ વધારવા માટે ધર્મના બહારના રીતરિવાજો અને ક્રિયાકાંડોને વધારે અગત્ય આપવાને બદલે, ધર્મના નીતિનિયમો, સદાચાર-સિદ્ધાંતો, સેવાભાવના, ભાતૃભાવના અથવા તો એકતાના આદર્શો તરફ વધારે લક્ષ ખેંચવા જેવું છે. એ ધર્મનો આત્મા છે. એની આપણને અધિક આવશ્યકતા છે. એના પ્રત્યે દુર્લક્ષ કરીને ધર્મને કેવળ બાહ્ય વિધિવિધાનો અને ક્રિયાકાંડોમાં જ કેદ કરી દેવાથી એ ધર્મ આધુનિક પ્રજાને પ્રિય નહિં બની શકે. ધર્મના અંતરંગ સનાતન સિદ્ધાંતોને સ્વીકાર તો સૌ કોઈ કરશે, ને સૌને માટે તે ઉપયોગી સાબિત થશે. એ દૃષ્ટિએ જોઈએ તો હૃદયની શુદ્ધિ, મન-ઈન્દ્રિયોનો સંયમ, સેવાભાવ અને સૌમાં એકરૂપ થઈને રહેલા પરમાત્માના પ્રકાશની ઝાંખી દ્વારા સૌ પ્રત્યે પ્રેમભાવની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ અત્યંત હિતકારક અને આશીર્વાદરૂપ થશે. એમના તરફ લોકોનું જેટલું ધ્યાન દોરવામાં આવે એટલું ઓછું છે. સાથે સાથે ધર્મોપદેશકો, ધર્માચાર્યો, ધર્મસ્થાનો અને ધાર્મિક જનતાએ પોતાની જાતને નિર્મળ રાખવાની ને ધર્મના સાચા રહસ્યને સાકાર કરવાની જરૂર છે, જેથી પ્રજાને એમનામાંથી પ્રેરણા મળી શકે. પ્રજાના ધર્મવિશ્વાસને વધારવામાં ને સુદૃઢ કરવામાં એ પણ ઘણો મહત્વનો ભાગ ભજવશે એમાં સંદેહ નથી.

ધર્મ અથવા આધ્યાત્મિકતાને પ્રિય બનાવવાનું કામ એવી રીતે સહેલું થઈ શકે તેમ છે. આપણી અને ભવિષ્યની યુવાન પેઢી એથી વંચિત ના રહી જાય એ ખાસ જોવાનું છે. ધર્મથી વંચિત રહેવામાં કોઈને લાભ તો નથી જ, હાનિ વિશેષ છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok