if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પોતાને સમાજસેવક તરીકે ઓળખાવનારા પુરુષો તરફથી અવારનવાર પૂછવામાં આવે છે કે આજના યુગમાં સમાજસેવાનું મહત્વ વધારે છે કે આધ્યાત્મિકતા અથવા તો ઈશ્વરભક્તિનું ? સમાજની સેવામાં જ શું સાચી આધ્યાત્મિકતા અથવા તો ઈશ્વરભક્તિ નથી સમાઈ ? સમાજની યથાશક્તિ સેવા કરતા રહીએ તે શું જીવનના સાફલ્યને માટે પર્યાપ્ત નથી કે આધ્યાત્મિકતા અથવા તો ઈશ્વરભક્તિનો આશ્રય લેવાનો ઉપદેશ આપો છો ? તમારો ઉપદેશ શું આ ભૌતિક વિકાસના પ્રવૃત્તપરાયણ જમાનામાં લેશ પણ અસર પહોંચાડી કે સફળ થઈ શકે તેમ છે ? આધ્યાત્મિકતા કે ઈશ્વરભક્તિને માટે માણસને અવકાશ જ ક્યાં છે ? અને આજના જમાનામાં એને માટે સ્થાન જ ક્યાં છે ?

બીજા કેટલાક પુરુષોના મનમાં પણ એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એવા પ્રશ્નો ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. મહત્વ કોનું વધારે છે, સમાજસેવાનું, આધ્યાત્મિકતા અથવા તો ઈશ્વરભક્તિનું ? એ પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે તો એટલું જ કહી શકાય કે મહત્વ સમાજસેવા, આધ્યાત્મિકતા અથવા તો ઈશ્વરભક્તિ બંનેનું છે. વ્યક્તિ અને સમષ્ટિને માટે બંને આવશ્યક છે, આવકારદાયક છે, આશીર્વાદ રૂપ છે, અને બંનેમાંથી એકેની ઉપેક્ષા નથી કરી શકાય તેમ. વ્યક્તિ તથા સમષ્ટિના સમ્યક્ ધારણ-પોષણમાં બંને કીમતી ભાગ ભજવે છે. એ બંને વ્યક્તિ કે સમષ્ટિ બે આંખ જેવાં છે. બંને આંખમાંથી કોઈ એક આંખનું મહત્વ વધારે છે એમ ના કહી શકાય, તેવી રીતે એ બંનેનું મહત્વ સરખું છે. સમાજની સેવામાં જ સાચી આધ્યાત્મિકતા કે ઈશ્વરભક્તિ સમાઈ જાય છે એવું તો કેવી રીતે કહી શકાય ? એમ માનવું અને કહેવું ભૂલભરેલું છે. સમાજસેવા અને આધ્યાત્મિકતા બંને એક વસ્તુ નથી. બંનેના બંધારણ, બંનેના કર્તવ્યક્ષેત્ર અને બંનેના આદર્શ જુદા છે. એ બંનેનો સમન્વય થઈ શકે, અથવા તો એ બંનેની વચ્ચે એકરૂપતા સાધી શકાય એ સાચું છે, પરંતુ એ બંનેમાં કેટલોક મહત્વનો મૂળભૂત તફાવત તો છે જ. સાચી આધ્યાત્મિકતા કે ઈશ્વરભક્તિ સૌમાં ઈશ્વરની ઝાંખી કરવાનો તથા સૌની યથાશક્તિ સેવા કરવાનો સંદેશ તો આપે જ છે, પરંતુ એની સાથે સાથે. એથી આગળ વધીને, મનુષ્ય-સ્વભાવની સુધારણા કરવાનું પણ શીખવે છે. માણસને સદાચારી અને નીતિમાન બનવાની પ્રેરણા પૂરી પાડી, પોતાની અંદર રહેલા પરમાત્માના પરમ પ્રકાશનો પ્રત્યક્ષ પરિચય કરવાની આજ્ઞા કરે છે. એવી રીતે પરમ શાંતિની પ્રાપ્તિ કરાવીને એ જીવનને ધન્ય કે ઉત્સવમય કરી દે છે. સમાજસેવામાં રસ લેનાર માણસનું બધું જ ધ્યાન બહારની દુનિયામાં રહેતું હોય છે, ત્યારે આધ્યાત્મિકતાનો અનુરાગી અંતર્મુખ બનવા તરફ વધારે ને વધારે ધ્યાન આપતો હોય છે. એનો આનંદ પણ એમાં જ હોય છે. એટલે સમાજસેવા અને આધ્યાત્મિકતા એક જ છે એમ માની લેવાની જરૂર નથી. જીવનના સાફલ્યને માટે સમાજસેવા કરતા રહીએ તે પર્યાપ્ત છે, અને સમાજસેવકે આધ્યાત્મિકતાનો આશ્રય લેવો આવશ્યક નથી, એમ માનવાની પણ જરૂર નથી. જીવનના સાફલ્યને માટે સમાજસેવા ઉપરાંત આધ્યાત્મિકતા કે ઈશ્વરભક્તિ અથવા તો આત્મવિકાસનો આશ્રય પણ લેવો પડશે. એકલી સમાજસેવાથી નહિ ચાલે.

માણસ જ્યારે સમાજસેવાને જ સર્વ કાંઈ સમજીને બહિર્મુખ બનતો જાય છે, અને આત્મિક સુધારણા કે વિકાસ તરફ ઉદાસીન બનીને આંખમીંચામણાં કરે છે, ત્યારે પરિણામ શું આવે છે તે જાણો છો ? સેવા ફક્ત મેવાને માટે જ થવા માંડે છે, અહંતા ને મમતાથી પ્રેરાઈને થવા લાગે છે, એમાંથી રાગદ્વેષ તથા આસક્તિ જાગે છે, માણસ પક્ષાપક્ષી, પૂર્વગ્રહ, પ્રપંચ ને પ્રલોભનોનો શિકાર બને છે, લક્ષ્મી, પદવી તથા સત્તાની અદમ્ય લાલસાથી લોલુપ થઈને પ્રવૃત્તિ કરે છે, માણસાઈને ગૌણ ગણે છે અને ગીરે મૂકે છે, તથા બીજાની નિ:સ્વાર્થ ને નમ્ર સેવાની ભાવનાનું જતન કરવાને બદલે સ્વાર્થ તથા ઘમંડ ને દંભનું પોષણ કરે છે. સમાજના ઉત્કર્ષના આદર્શને સેવવાને બદલે એ પોતાની વ્યક્તિગત સુખ-સમૃદ્ધિને માટે જીવવા માંડે છે. એવી સેવા વ્યક્તિ કે સમષ્ટિનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે ? એને આદર્શ, અભિનંદનીય અથવા તો આશીર્વાદરૂપ પણ કોણ કહી શકે ?

આજે ચારે તરફ એવી સેવાની બોલબોલા છે, અને એવા સેવકોની ભરમાર છે, એવું તમને નથી લાગતું ? એવા સેવકો બિલાડીના ટોપની પેઠે ઉગી નીકળ્યા છે. સમાજમાં સેવકોનું સંખ્યાબળ વધે એ અત્યંત આવકારદાયક છે અને એક સારું ચિહ્ન છે. પરંતુ એ સેવકો સાચા બને, સત્વગુણી થાય, સદાચારપરાયણ બને, અને વધારે ને વધારે સેવાભાવી બને, એની આવશ્યકતા વધારે હોય છે. એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. સમાજની સમૃદ્ધિ, સંખ્યાબળથી નથી વધતી, પરંતુ સત્વથી વધે છે. એ સત્વ, સદાચારપરાયણતા અને નિ:સ્વાર્થ સાચો સેવાભાવ ઈશ્વરભક્તિ અથવા તો આધ્યાત્મિકતાની સાચી નિષ્ઠામાંથી આવતો હોય છે. એમાંથી જ એનો આવિર્ભાવ થાય છે. પરંતુ એના તરફ ધ્યાન જ કોનું છે ? આધ્યાત્મિકતાની અગત્ય જ જ્યાં ને ત્યાં જણાતી હોય ત્યાં એની નિષ્ઠાને માટે તો મહેનત કરે જ કોણ ? પરિણામે સેવકોમાંથી સાચી સેવાભાવના અદૃશ્ય થઈ જાય. આજે બધે એવું જ ચિત્ર ઊપસી આવ્યું છે ને ? લોકો પદ અને પ્રતિષ્ઠાને માટે પડાપડી કરે છે ને પૈસાને માટે જ પ્રવૃત્તિમાં પડે છે. સેવકોમાં આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ અને ચિંતનનો અભાવ છે. આધ્યાત્મિકતા પ્રત્યે દુર્લક્ષ કરવાથી અભાવ નહિ મટે; ઘટશે પણ નહિ, પરંતુ વધતો જશે. લોકસેવકો આધ્યાત્મિકતા, ઈશ્વરભક્તિ કે આત્મિક વિકાસના અનુરાગી બને તો તેમની હૃદયશુદ્ધિ સધાશે અને તેમને બળ મળશે. એ બળના પ્રભાવથી પ્રલોભનો ને ભયસ્થાનોની વચ્ચેથી એ સહીસલામત પાર નીકળી શકશે, અને સદાયે જાગ્રત રહેવાની યોગ્યતા મેળવશે. એવી રીતે એમના કામમાં પાર વગરની મદદ મળશે.

હવે તમે સહેલાઈથી સમજી શકશો કે ભૌતિક વિકાસના જમાનામાં પણ આધ્યાત્મિકતાની આવશ્યકતા તો છે જ, એટલું જ નહિ પણ ઘણી મોટી આવશ્યકતા છે. આધ્યાત્મિકતા કોઈ એક જ જમાનામાં આવશ્યક છે અને બીજા જમાનામાં આવશ્યક નથી એવું નથી સમજવાનું. આધ્યાત્મિકતાને કોઈ જમાનાનું, દેશનું કે કાળનું બંધન નથી નડતું. કારણ કે બધા જ દેશકાળ કે જમાનાઓમાં ચિત્તની શુધ્ધિ, જીવનની સુધારણા અને આત્મદર્શનની ઉપયોગીતા તો એકસરખી રહેવાની જ. આધ્યાત્મિકતાને માટે માણસને અવકાશ ના હોય તે કોઈ ગૌરવ લેવા જેવી કે અભિનંદન આપવા જેવી વસ્તુ નથી. એવો અવકાશ કાઢવો જોઈએ. જો ઈચ્છાની પ્રામાણિકતા ને ઉત્કટતા હશે તો અવકાશ તો એની મેળે આવી મળશે. અવકાશ તો માણસ શોધી કાઢશે. અને શોધી કાઢવો જ જોઈશે.

આધ્યાત્મિકતા, ઈશ્વરભક્તિ કે આત્મિક વિકાસને નામે લોકસેવાનો સદંતર ત્યાગ કરવો કે સેવાભાવની ઉપેક્ષા કરવી એ પદ્ધતિ પણ પ્રામાણિક છે એવું નહિ કહી શકાય. કેટલાક લોકો એવી પદ્ધતિને પ્રામાણિક માને છે તે તેમની ભૂલ છે. આધ્યાત્મિકતાનો અનાદર કરનારી સમાજસેવા ને સમાજસેવાને નિરર્થક અથવા અસાર કહી બતાવનારી આધ્યાત્મિકતા બંને અપૂર્ણ છે એ યાદ રાખવાની જરૂર છે. એ બંનેનો સુમેળ જ વ્યક્તિ તથા સમષ્ટિને માટે મંગલકારક છે. સમષ્ટિને માટે તો ખાસ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.