Sunday, August 09, 2020

સાચા સંતોને ઓળખો

સાધુ, સંન્યાસી, ઉપદેશક કે ત્યાગી કાંઈ એક જાતના હોય છે ? એ અનેક જાતના અથવા તો બહુરૂપી હોય છે. પેલા ભક્ત કવિએ પોતાની સાદી સીધી ભાષામાં કહ્યું છે તેમ

‘કોઈ નાઠા રાંડોને રોષે, કોઈને ના મળી નારી,

કોઈ કરજે, કોઈ ઝગડે નાઠા, કેમ રીઝે ગિરિધારી ?’

એ પ્રમાણે ત્યાગ કરવાના કારણો ભિન્ન ભિન્ન હોય છે. મોટા ભાગના ત્યાગ તો મનની નબળાઈને લીધે તથા દુન્વયી કારણોને લીધે જ થતા હોય છે. વિવેક અને વૈરાગ્યના પીઠબળવાળા ત્યાગ કે સંન્યાસ તો કોઈક જ હોય છે અને એ જ હકીકત ત્યાગના આશયને પણ લાગુ પડે છે. એકાંતવાસ કરીને સાધના કે તપસ્યાનો આશ્રય લેવા, જ્ઞાનોપાર્જન કરવા, બંધનોમાંથી મુક્તિ મેળવવા, ઈશ્વર દર્શન કરવા અથવા તો પોતાનું ને બીજાનું શ્રેય સાધવા માટે ત્યાગ કરનાર પણ કોઈક વિરલ જ હોય છે. વધારે ભાગના ત્યાગ તો લૌકિક લાલસાઓને નજર સામે રાખીને થતા હોય છે. એવા અધકચરા ત્યાગનો આધાર લેનારા પાસેથી ગિરિધારીને રીઝવવાની આશા રાખી જ કેવી રીતે શકાય ? એમને ગિરિધારી કે પરમાત્માની પડી છે જ ક્યાં ? પરમાત્માની સાથે એમને કોઈ જાતનો સંબંધ જ ક્યાં છે ? એમના અંતરમાં લૌકિક ઈચ્છાઓ, લાલસાઓ કે વાસનાઓ તેમજ વિષયની રસવૃત્તિઓનું તાંડવનૃત્ય થતું હોય છે. એટલે ત્યાગનો અંચળો ઓઢ્યા પછી પણ એની પૂર્તિ માટે જ એ પુરુષાર્થ કરે છે.

પ્રયોગો

એવા સાધુસંન્યાસી કે ત્યાગ દેશમાં ઓછા જોવા નથી મળતા. અનેક પ્રકારની યુક્તિપ્રયુક્તિ કરીને, પ્રલોભનો આપીને, બીક બતાવીને કે દાવપેચ અજમાવીને ભોળા અથવા તો બીનઅનુભવી લોકોને તે પોતાના પ્રભાવમાં લે છે અથવા તો છેતરે છે, ને કેટલીક વાર તો પોતાની જાતને પ્રગતિવાદી, સંસ્કારી કે સુશિક્ષિત માનનારા લોકો પણ તેમની જાળમાં ફસાઈ જાય છે. લોકોને બહારના વેશ, વૈખરી વાણી કે બીજી વિદ્યાના હેરત પમાડે તેવા પ્રયોગોથી આંજી નાખવાની કળામાં તે કુશળ હોય છે. જો જરાક પણ ગાફેલ રહેવામાં આવે તો તેમનો સંગ મુસીબત પેદા કર્યા વિના નથી રહી શકતો.

આ સંબંધમાં તાજેતરમાં જ બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના નથી રહી શકતો. અમદાવાદની બાજુના એક ગામમાં એક શ્રીમંતને ઘેર એક સાધુ આવ્યા. ભગવાં વસ્ત્રઘારી સાધુને જોઈને સૌએ પ્રણામ કર્યા. એમનો યોગ્ય સત્કાર કર્યો.

સાધુને પૂછ્યું: બાપજી, ક્યાંથી આવો છો ?

બાપજીએ કહ્યું: ‘ગિરનારના જંગલમાંથી. ગિરનારના જંગલમાં એક ગુફા છે તેમાં બાર વરસ તપ કરીને મેં સિદ્ધિ મેળવી. પછી થયું કે લોકકલ્યાણ કરું તો સારું, એટલે કેટલાંય સ્થળોમાં ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો છું. જુઓ મારો ચમત્કાર.’

સાધુએ પોતાનો હાથ લાંબો કર્યો તો બધાના આશ્ચર્ય વચ્ચે એમની હથેળીમાં સાકર આવી ગઈ. એ સાકરનો પ્રસાદ સૌને વહેંચવામાં આવ્યો.

સાધુએ કહ્યું: આ પ્રસાદીથી તમારું દુઃખદર્દ દૂર થશે.

ગામના સૌથા મોટા વેપારીનું આ ઘર હતું. એ તો આ જોઈને સ્તબ્ધ જ થઈ ગયા ને કહેવા માંડ્યા: મારાં પૂર્વનાં પુણ્યો ફળ્યાં ત્યારે જ તમારો મેળાપ થયો. તમારા રહેવાથી મારું ઘર પાવન થશે. તમે મારા ઘરમાં જ વાસ કરો.

સાધુને તો જોઈતું’તું તે મળી ગયું. બે-ત્રણ દિવસમાં તો એમના કહેવાથી વેપારીને ખબર પડી કે એમની પાસે કોઈક પ્રયોગ છે જેની મદદથી એ ઘરેણાં તથા રૂપીયાને બમણા કરી શકે છે. વેપારીની વૃત્તિ હાલી ઊઠી. એ લોભી હતો એટલે સાધુની સાથે સંતલસ કરીને એણે સાત દિવસનો પ્રયોગ કરવાની ગોઠવણ કરી અને એ પ્રયોગ માટે ચાલીસ તોલા સોનાનાં ઘરેણાં તથા ચાલીસ હજાર રૂપીયા રોકડા આપ્યા. સાધુએ કહ્યું કે સાત દિવસમાં બધું બમણું થતાં લીલાલહેર થઈ જશે. વેપારી આનંદ પામ્યો ને બોલ્યો: આ બધું બમણું થાય એ પછી ફરી પ્રયોગમાં બેસજો ને તેને પણ બમણું કરી આપજો. સાધુએ સંમતિ આપી.

એકાંત અને શાંત સ્થાનમાં પ્રયોગ શરૂ થયો. સાધુમહારાજ આખો દિવસ ઓરડામાં જ રહેતા. કેવળ શૌચાદિ ક્રિયા માટે બહાર નીકળતા. પરંતુ છઠ્ઠે દિવસે સવારે બહાર જ ના નીકળ્યા. વેપારીએ તપાસ કરી તો એ દેખાયા જ નહિ. ઓરડો ખાલી હતો અને પ્રયોગ માટે રાખેલી સામગ્રી પણ ગુમ થયેલી. પાંચમે દિવસે રાતે જ લાગ જોઈને સાધુમહારાજ નાસી ગયેલા. વેપારીએ બધે તપાસ કરી. ઠેઠ અમદાવાદ સુધી જઈ આવ્યા, પરંતુ કશું ના વળ્યું. સાધુનો પત્તો ના લાગ્યો.

લોભવૃત્તિ

આવા અને આને મળતા બીજા પ્રસંગો સમાજમાં નથી બનતા એમ નહિ. એ બધા પ્રસંગોના મૂળમાં ડોકિયું કરીને જોશો તો માણસની લોભવૃત્તિ કામ કરતી દેખાશે. એને લોભવૃત્તિ કહો કે લાલસા ને કામનાનું નામ આપો, બધું એક જ છે. એ વૃત્તિથી પ્રેરાઈને કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના, ઓછામાં ઓછા વખતમાં વધારેમાં વધારે લાભ થતો હોય તે તેને મેળવવાની માણસ ઈચ્છા રાખે છે. એક બીજું મનોવૈજ્ઞાનિક કારણ પણ આવા પ્રસંગો પાછળ કામ કરી રહ્યું છે. દુનિયામાં દુઃખ વધ્યાં છે, રોગ વધ્યા છે, અછત, આફત કે ચિંતા તેથી તૃષ્ણા પણ વધી છે. એને લીધે માણસોનો એક નોંધપાત્ર વર્ગ એવા સાધુસંતો તથા કરામત કરનારાઓની શોધમાં રહે છે જે ફક્ત આશીર્વાદ આપીને, "જા બેટા, ઐસા હોગા"  જેવાં પ્રતીતિજનક વચન કહીને, ભસ્મ કે પ્રસાદ આપીને, દોરાધાગા કરીને, કે પુરશ્ચરણ અથવા અનુષ્ઠાનનો આશ્રય લઈને એમનાં દુઃખદર્દ ઘડીના છઠ્ઠા ભાગમાં દૂર કરી દે અને એમને સર્વ પ્રકારે સફળ-મનોરથ કરી દે. જો માણસ પ્રાપ્ત પરિસ્થિતિમાં સંતોષી રહેતાં અને મિથ્યા વહેમોને તિલાંજલિ આપીને પોતાની રીતે આગળ વધવાનો પ્રયત્ન કરતાં શીખે તો એવી વ્યક્તિઓનો શિકાર થઈને બરબાદ ના બને. જે લોકો સાધુનો સ્વાંગ ધરીને અથવા સંસારી સ્વાંગમાં રહીને પોતાના પાર્થિવ હેતુઓની સિદ્ધિ માટે પ્રજાની સાથે એવા અધમ ખેલો ખેલી રહે છે તેમણે સમજવું જોઈએ કે તે સાચા ધર્મને અને ધાર્મિક વિશ્વાસને ભારે નુકસાન કરી રહ્યા છે. પ્રજાની ઉપર એમની અસર ઘણી જ ખરાબ પડે છે ને સારા સાધુઓ તથા સારી વ્યક્તિઓ તરફ પણ એમને લીધે જ શંકાથી જોવાય છે. પોતાના જીવન દ્વારા એ સમાજની ભારે કુસેવા કરી રહ્યા છે.

સાચા સાધુસન્તો

પ્રજાએ પણ ધર્મની સાચી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. સત્ય અને અસત્ય તથા શુભ અને અશુભને સમજવાની શક્તિ ખીલવવાની છે જેથી અસત્ય અને અશુભના શિકાર ના થવાય અને સત્ય તથા શુભથી વંચિત ના રહેવાય. જે સાચું છે તેની આપણે હાથે અવગણના ના થાય ને જે ખોટું છે તેને ઉત્તેજન ના અપાય તેનું ધ્યાન રાખવાનું છે. એને માટે આદર્શ કે સાચા સાધુસંત કે પુરુષોને ઓળખતાં શીખવાનું છે. બધાં જ ધર્મશાસ્ત્રો એ બાબતમાં સહમત છે કે સાચા સાધુસંતો દૈવી સંપત્તિની મૂર્તિ જેવા અથવા તો સદ્દગુણ, સદ્દવિચાર ને સત્કર્મની સૌરભથી ભરેલા હોય છે. અંદરની ને બહારની નિર્મળતા તેમનું મુખ્ય લક્ષણ હોય છે. વળી તે પોતાના મન અને પોતાની ઈન્દ્રિયોના સ્વામી હોય છે કે પછી સ્વામી થવાની પ્રામાણિક કોશિશ કરે છે. તે ઉપરાંત એમનામાં સંસારના વિષયોની રસવૃત્તિ, અહંતા, મમતા તથા આસક્તિનો અભાવ હોય છે. પરમાત્મા જ એમના જીવનના એકમાત્ર આરાધ્ય કે આદર્શ હોય છે. એમના પવિત્ર પ્રેમથી પોતાના પ્રાણને પરિપ્લાવિત કરીને પોતાના તથા બીજાના હિત માટે એ જીવતા હોય છે. એને પરિણામે એ શાંતિ, પ્રસન્નતા, નિર્ભયતા ને જ્ઞાનની મૂર્તિ બની જાય છે. સર્વ પ્રકારના છળકપટ અને અનર્થથી મુક્તિ મેળવી ચૂકેલા એ સંતો પોતાનાં વચન ને વર્તન દ્વારા બીજાને પણ તેવા થવાની પ્રેરણા પૂરા પાડે છે. સાચા સંતપુરુષોની એ આદર્શ કલ્પનાછબીને નજર સામે તાજી રાખવાથી ભળતા નામધારી લેભાગુ વ્યક્તિઓમાં નહિ ફસાવાય, અને સાચા સાધુસંતોને ઓળખી એમનો સમાગમ કરીને ધન્ય થવાશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok