Text Size

બ્રાહ્મમૂહુર્ત

બ્રાહ્મમુહૂર્તનો સમય કેટલો બધો શાંત, સુંદર, સુખમય હોય છે ? પૂર્વાકાશમાં ઉષઃકાળના રંગો પ્રસર્યા હોય છે. પવનની તાજી લલિતલહરી પવનની પીઠ પર સવાર થઈને આજુબાજુ બધે વહેતી હોય છે. પંખીઓ પોતાના પુણ્યપ્રવાસને પ્રારંભતી વખતે શાંત, મધુર, સુસંવાદી કૂજન કરીને વાયુમંડળને રસમય કરી દે છે. બ્રાહ્મમુહૂર્ત તો એનાથી પણ વહેલું આરંભાય છે. સૂર્યોદયના ત્રણ કલાક પહેલાંના સ્વર્ણસમયથી એની અવર્ણનીય અમૃતમય અસર શરૂ થાય છે. સમસ્ત પ્રકૃતિ એ વખતે શાંત, કોલાહલરહિત, પ્રસન્ન તથા પુલકિત હોય છે. એ અભિનવ પ્રેરણા પ્રદાન કરે છે.

ભક્ત કવિ નરસિંહ મહેતાએ એ સરસ શાંત સમય વિશે ગાયું છે,
રાત રહે જાહરે પાછલી ખટઘડી
સાધુ પુરૂષને સૂઈ ન રહેવું :
નિદ્રાને પરહરી, સમરવા શ્રીહરિ
એક તું એક તું - એમ કહેવું.
છ ઘડી રાત બાકી રહે ત્યારે અથવા બ્રાહ્મમુહૂર્તમાં જીવનનો સમુચિત વિકાસ કરવા માગનારા સત્પુરૂષે કે સજ્જને સૂઈ ના રહેવું. એણે પ્રમાદને પરિત્યાગીને નિદ્રાને છોડી દેવી, ઈશ્વરનું સ્મરણ કરવું અને ઈશ્વર સિવાય કશું જ સનાતન નથી, સંપૂર્ણ સુખશાંતિ આપી શકે તેમ નથી એવું વિચારવું.

જીવનવિકાસના સાધકે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જવાની ટેવ પાડવી જોઈએ. વહેલી સવારે ઊઠીને આવશ્યક શરીરશુદ્ધિથી નિવૃત્ત થઈને જપ, ધ્યાન, પ્રાર્થના, શાસ્ત્રાધ્યયન, આત્મચિંતનાદિનો આધાર લેવાથી મન સહેલાઈથી સ્થિર, એકાગ્ર અને શાંત થાય છે. એ વખતે વ્યાયામાદિનો આશ્રય લેવાથી આરોગ્યની દ્રષ્ટિએ ઉપયોગી લાભ થઈ રહે છે. જે વહેલી સવારના શાંત સમયને એવી રીતે સાચવી લે છે તે સમસ્ત દિવસને સાચવી કે સુધારી શકે છે. એને નવી શક્તિ, પ્રેરણા, સ્ફૂર્તિ તથા તાજગીની પ્રાપ્તિ થાય છે. વહેલી સવારે ઊઠીને સમસ્ત દિવસનો કાર્યક્રમ પણ ઘડી શકાય છે.

બ્રાહ્મમુહૂર્તમાં વહેલી સવારે ઊઠીને આપણને ઊઠવાની શક્તિ આપનારા પરમાત્માની સ્મૃતિ તથા પ્રાર્થના કરવી જોઈએ. આપણે તો અચેત હતા. એ શક્તિએ જ આપણને ઉઠાડ્યા. એનો આભાર માનીએ. આપણા ફાળે આવેલાં સમય અને આપણને સાંપડેલી શક્તિઓનો સદુપયોગ કરવાનો અને કોઈએ કારણે દુરુપયોગ ના કરવાનો સંકલ્પ કરીએ. પછી તો મનની અવસ્થા જ એવી થશે કે દિવસનો સઘળો સમય બ્રાહ્મમુહૂર્તના સમય જેવો જ શાંત, સરસ, પ્રેરક ને મંગલ લાગશે. ગમે ત્યારે પણ જાગ્રત રહી શકાશે. તો પણ બ્રાહ્મમુહૂર્તનો લાભ તો લેવાશે જ. એ લાભ અતિશય આનંદદાયક, અમોઘ, આશીર્વાદરૂપ થઈ પડશે.

જીવનનું પણ બ્રાહ્મમુહૂર્ત છે શૈશવ, કૌમાર્ય કે યૌવન. એ સમય દરમિયાન જે જડતામાંથી, અવિદ્યાની નિદ્રામાંથી જાગી જાય છે તે જીવનના આધ્યાત્મિક અભ્યુત્થાનનો આરંભ કરી દે છે. તે ઘણું ઘણું મહત્વનું મેળવી શકે છે. તેના જીવનનો પુણ્યપ્રવાસ સફળ, સુખકારક, સમૃદ્ધ, સાર્થક અને પોતાને અને અન્ય અનેકને માટે આશીર્વાદરૂપ કરે છે. જે જેટલો વહેલો જાગે છે તેને તેટલો જ વિશેષ લાભ મળે છે. જેનું શૈશવ, કૌમાર્ય, યૌવન વીતી ગયું છે તે પણ જ્યારે પણ જાગ્રત થઈ શકાય ત્યારે જાગ્રત થઈ શકે તો તેથી લાભ જ છે. સાધનાત્મક સત્કર્મની, સંસ્કારોના સિંચનની, શરૂઆત જ્યારે પણ કરી શકાય ત્યારે કરવામાં આવે તો તે શ્રેયસ્કર તથા શાંતિપ્રદાયક જ થઈ રહે છે. શરીર વૃદ્ધ થાય તો પણ શરીરધારી ધારે તો શિશુ, કિશોર કે યુવા રહી શકે છે. જીવનનો આધ્યાત્મિક વિકાસ દેશકાળ બાધિત અને અવસ્થાતીત હોવાથી એનો આરંભ ગમે ત્યારે કરી શકાય છે. એટલે જેમનાં સ્થૂળ બ્રાહ્મમુહૂર્તો છૂટી ગયાં હોય તેમણે સુક્ષ્મ માનસિક અથવા આંતરિક બ્રાહ્મમુહૂર્તોને સાચવી લેવાં અને એમનો બને તેટલો વધારે ને વધારે લાભ લેતાં શીખવું જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+3 #2 Shridevi 2013-12-24 17:24
Gujarati Kahevat 'Ratre vahela je sui vahela udhe vir,Bal buddhi ne dhan vadhe sukh ma rahe sharir.'
+2 #1 Jethwa Vijay Karshn 2009-12-03 12:13
I liked it for good thinking.

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok