મૂકં કરોતિ વાચાલમ્

આપણે અતીતકાળથી માંડીને અદ્યતન કાળપર્યંત પરંપરાગત રીતે બોલતા અથવા સાંભળતા આવ્યા છીએ કે જેમની કૃપા મૂંગાને બોલતા કરે છે, વાણી વગરનાને વાણી આપે છે, અને પંગુને પર્વતને પાર કરવાની, પર્વત પરથી પસાર થવાની શક્તિ આપે છે, તે પરમાનંદ સ્વરૂપ પરમાત્માને, ભગવાન કૃષ્ણને હું વંદન કરું છું. એ અર્થનો શ્લોક આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે અને અવસરને અનુલક્ષીને અવારનવાર બોલાયા કરે છે.
મૂકં કરોતિ વાચાલં, પંગું લંઘયતે ગિરિમ્ ।
યત્કૃપા  તમહં  વંદે  પરમાનંદ માધવમ્ ॥

પરમાત્માની પરમશક્તિ, એમની અસાધારણ અનુકંપા અથવા અનુગ્રહશક્તિ શું ના કરી શકે ? એને માટે કયું કામ અશક્ય છે ? એ મૂંગાને વાણી તો આપે જ છે પરંતુ એના જ અનુસંધાનમાં જરાક જુદી રીતે વિચારીએ તો, જે સદાને માટે મૂંગાં બની ગયાં છે, જીવનને ખોઈ બેઠાં છે, જેમના જીવન પર મરણનો કામચલાઉ પડદો પડી ચૂક્યો છે, તેમને નવજીવન આપે છે. એમની વાણીની ને બીજી બધી જ ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત કરે છે. એમને પર્વત પાર કરવાની શક્તિ પણ આપે છે.

કહે છે કે કોઈક પુરૂષ પોતે જે વૃક્ષની શાખા પર બેઠેલો તેને જ કુહાડાથી કાપવાની કમનસીબ પ્રવૃત્તિ કરતો’તો. એક સંતપુરૂષને એ જોઈને દયા આવી, એ મંદબુદ્ધિ માનવને માટે અનુકંપા પેદા થઈ. એમણે એને નીચે ઉતારીને એની જીભ પર મંત્રાલેખન કરીને એને ઉજ્જવળ જીવનનો અમોઘ આશીર્વાદ આપ્યો. એ મંદમતિ માનવનું ભાગ્યચક્ર ફરી ગયું. વખતના વીતવાની સાથે એને અવનવી શક્તિની પ્રાપ્તિ થઈ અને એ એક મહાકવિ બની ગયો.

આદ્ય શંકરાચાર્યને માટે કહેવાય છે કે એમના દક્ષિણના પ્રવાસ દરમિયાન એક ગામમાં એક જન્મથી મૂંગા બાળકને એમણે હે બાળક, તું કોણ છે ? કોનો છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, અને તારાં માતાપિતા કોણ છે, એવા પ્રશ્નો પૂછ્યા તો તે બાળકને દિવ્ય શક્તિ સાંપડી ને એણે કહેવા માંડ્યું કે હું મનુષ્ય નથી, દેવ નથી, યક્ષ-ગંધર્વ નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી, બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી, સંન્યાસી નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ, કલ્યાણકારક પરબ્રહ્મ પરમાત્મા છું. એ બાળકનું નામ શંકરાચાર્ય મહારાજે હસ્તામલકાચાર્ય પાડેલું. એને અલૌકિક રીતે વાણી પ્રાપ્તિ થયેલી.

એક પંગુને મેં ઠેઠ બદરીનાથમાં જોયલો. તે યાત્રા કરીને આવેલો. એણે જણાવ્યું કે મને મારા પ્રભુ લાવ્યા છે. એણે જ મને શક્તિ આપી છે. સાચું છે. પ્રભુ પોતાના પ્રેમી કે શરણાગતને એવી અનુકંપાપૂર્ણ અસામાન્ય શક્તિ આપે છે કે જેથી તે જીવનમાં આવતા સાધારણ તો શું પરંતુ પીડા, પ્રતિકૂળતા, વિઘ્નો, અંતરાયોના અસાધારણ પ્રખર પર્વતોમાંથી પણ રસ્તો કરીને આગળ વધે છે. ઈશ્વરના અનુગ્રહથી સર્વ કાંઈ શક્ય બને છે.

એ સંદર્ભમાં એ શ્લોક સાર્થક ને પરમપ્રેરક છે. છતાં પણ એને એક બીજા સંદર્ભમાં પણ વિચારવા જેવો છે. એ સંદર્ભ અભિનવ છે, પરંપરાગત નથી. ભગવાન કૃપા કરે છે ત્યારે મૂંગાને વાણી આપીને બોલતા કરે છે એ તો યથાર્થ છે જ પરંતુ એ પણ એટલું જ સાચું છે કે ભગવાનની કૃપાથી વધારે પડતા વાચાળ, બોલકણા કે વાદવિવાદપરાયણ પુરૂષો એમાંથી ઉપરામ બનીને મૂંગા બની જાય છે. એ ભાવાર્થ માટે 'વાચાલં મૂકં કરોતિ’ એવો ક્રમ લઈ શકાય. 'મૂકં કરોતિ વાચાલમ્’ માં પણ એવો ભાવાર્થ સમાયેલો જ છે.

સંસ્કૃત ભાષાની એ ખૂબી છે કે એના શબ્દોને અનુકૂળતાનુસાર આગળ પાછળ કે વચ્ચે - ગમે ત્યાં ગોઠવી શકાય છે અને એ છતાં પણ એમના ભાવાર્થમાં કશો ફેર નથી પડતો. ખીચડી કાચી હોય છે ત્યાં સુધી બોલ્યા કરે છે, પરંતુ પૂરેપૂરી પાક્યા પછી શાંત થઈ જાય છે. તેમ જેને તત્વનો અપરોક્ષાનુભવ અથવા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે તેની ચંચળતા ટળી જાય છે, તેના સંકલ્પવિકલ્પ શમી જાય છે. એ ઊંડી શાંતિને અનુભવે છે. એ સંદર્ભમાં એ શબ્દોને સમજવા જેવા છે.

સ્વાનુભની એવી અસાધારણ અવસ્થા પર આસીન થયેલા સંતશિરોમણિ કબીર સાહેબે પોતાના મનોભાવોને વ્યક્ત કરતાં કહ્યું છે કે મન પરમાત્માના પ્રેમરસમાં ડૂબીને મસ્ત બની ગયું છે. હવે શું બોલું ? વસ્તુ હલકી હતી ત્યારે ત્રાજવે ચઢાવવામાં આવેલી. હવે તે પૂરી થઈ છે તો તેને કોણ ને શા માટે તોળે ? સાહેબ શરીરની અંદર છે. એમને અવલોકવા દ્રષ્ટિને બહિર્મુખ શા માટે કરે ? રાજહંસને માનસરોવર મળી ગયું. આત્માએ એના મૂળ સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરી. હવે તે તળાવ તથા સરોવરને શા માટે શોધે ? હે સાધુપુરૂષ, સાંભળો, સાહેબ અંદર જ મળી ગયા છે. હીરો મળી ગયો તેને ગાંઠે બાંધ્યો છે, હવે વારંવાર શા માટે ખોલી બતાવે ?

કબીર કહે છે કે,
મન મસ્ત ભયા તબ ક્યોં બોલે.
હલકીથી તબ ચડી તરાજુ, પૂરી ભઈ અબ ક્યોં તોલે ?
તેરા સાહિબ હૈ ઘટમાંહી બાહર નૈનાં ક્યોં ખોલે ?
હંસા પાયો માનસરોવર, તાલતલૈયાં ક્યોં ખોજે ?
હીરા પાયો ગાંઠ ગઠિયાયો, બારબાર વાંકો ક્યોં ખોલે ?
કહત કબીરા સુનો ભાઈ સાધો સાહિબ મિલ ગયે તિલ ઓલે.

પરમાત્માની શરણાગતિ, પ્રીતિ તથા પ્રાપ્તિની શક્તિ તથા શક્યતા એવી અપાર છે. એ શ્લોકમાં એની પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં અને એમનું શરણ લેવાનો કે અનુસંધાન સાધવાનો સંદેશો આપવામાં આવ્યો છે.

પરમાત્માની કૃપા શું નથી કરતી ? પેલા ભક્તકવિએ ગાયું જ છે કે,
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે.
જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહ્ લાદ, હિરણ્યકશિપુ માર્યો રે.
વિભીષણને આપ્યું અવિચળ રાજ, રાવણ સંહાર્યો રે.

પછી કહે છે કે વહાલે મીરાંબાઈનાં ઝેર પીધાં, નરસી મહેતાને હાર આપ્યો. પાંચાલીનાં ચીર પૂર્યાં, પાંડવોને મદદ કરી. એવાં ઉદાહરણો અનેક છે. એમનો વિચાર કરીને, એમાંથી પ્રેરણા મેળવીને, સૌએ પરમાત્માની પ્રેમભક્તિના માર્ગે આગળ વધવાનું છે. પરમાત્માનું સાચા દિલથી શરણ લેવાનું ને સ્મરણ કરવાનું તથા પરમાત્માના પ્રેમપીયૂષના, અસાધારણ અલૌકિક અનુગ્રહના, ચાતક બનવાનું છે. એમની કૃપા સર્વપ્રકારે કલ્યાણકારક ઠરે છે, આસુરી સંપત્તિનો નાશ કરે છે, જીવનને શાશ્વત સુખ, શાંતિ અને પરમાનંદથી ભરે છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Rajesh Patel 2010-05-12 15:29
મંદ બુદ્ધિના બાળકોને ઘરે તાલીમ આપવા... મારો બાળક થોડાક શબ્દ બોલે છે. એના વિકાસ માટે જરૂરી સુચનો આપશો.

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.