Text Size

ન મે ભક્ત: પ્રણશ્યતિ

ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં ભક્તને માટે કેવી મોટી બહુમૂલ્ય બાંયધરી આપી દીધી ?  કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ । હે કુન્તીપુત્ર અર્જુન, તું સુચારુ રૂપે, નિશ્ચયાત્મક રીતે, શંકાકુશંકા રહિત બનીને સમજી લે, કે મારા ભક્તનો કદી પણ નાશ નથી થતો. ભગવાને એવા ઉદ્ ગારો દ્વારા પોતાના શરણાગત શ્રદ્ધાભક્તિ ભરપૂર ભક્તને અસાધારણ, અદ્ ભૂત અમોઘ અભયવચન આપ્યું છે.

ભગવાનના ભક્તનો કદી નાશ થતો નથી એટલે શું ? એમ કહીને ભગવાન શું સૂચવવા માગે છે એ વિચારવા જેવું છે. ભક્તના જીવનમાં ધન, વૈભવ, ઐશ્વર્ય, પદ, પ્રતિષ્ઠા, પૂજા, સત્તા, સૌંદર્ય, યૌવન બધું જ હોય, રિદ્ધિસિદ્ધિ પણ હોય, પરંતુ ભગવાનની ભક્તિ ના હોય તો ભક્તના જીવનમાં કશું જ નથી હોતું. ભક્તિ સિવાય સાચા ભક્તને પોતાનું જીવન અધૂરું લાગે છે, નીરસ અથવા નિરર્થક ભાસે છે. પરિમલ વિનાના પુષ્પનું, સલિલ સિવાયની સરિતાનું, ચાંદની વિનાના ચંદ્રનું, અને જ્યોતિ વગરના દીપકનું મૂલ્ય જેમ નહિવત્ હોય છે અથવા આત્મા વિનાના અંગની જેમ કશી વિસાત નથી હોતી, તેમ ભગવાનની પ્રીતિ વિના ભક્તના જીવનમાં શૂન્યાવકાશ સરજાય છે. ભક્તિ વિના ભક્ત મૃતઃપ્રાય બની જાય છે.

ભગવાન કહે છે કે, મારા ભક્તનો કદી પણ નાશ થતો નથી. એનો અર્થ એવો થયો કે ભક્ત જેનાથી વંચિત બનીને મૃતઃપ્રાય બની જાય છે તે ભગવદ્ ભક્તિ કે પરમાત્મપ્રીતિથી ભગવાન ભક્તના જીવનને સુસંપન્ન બનાવે છે. ભગવાન એને સદ્ બુદ્ધિ અર્પે છે, બુદ્ધિયોગનું દાન કરે છે. એ બુદ્ધિયોગ કે સદ્ બુદ્ધિની મદદથી ભક્ત પરમાત્માને પોતાના જીવનનું પરમ પ્રાપ્તવ્ય સમજીને નિત્ય નિરંતર અવનવા ઉત્સાહથી આગળ વધે છે.

કેટલાય સાધકો સંસારના વિનાશશીલ વિષયોની વાસનાથી પ્રેરાઈને એમાં આસક્તિ કરી બેસે છે ને જીવનના આધ્યાત્મિક વિકાસધ્યેયને ભૂલી જાય છે. વિષયોની મમતા, મોહવૃત્તિ, આસક્તિ જીવનના અધઃપતન કે વિનાશનું કારણ બને છે. પોતાના શરણગત સાધક કે ભક્તના જીવનના સંરક્ષક બનીને ભગવાન એને જે પતિતપાવની, સર્વસંતાપહારિણી, સંકટનાશિની, શાંતિપ્રદાયિની પ્રજ્ઞા સમર્પે છે તેને લીધે એ વિષયોની મોહવૃત્તિ કે આસક્તિમાંથી મુક્તિ મેળવે છે. એનું આત્મિક અધઃપતન અટકે છે. એ સર્વનાશની ઊંડી ગર્તામાં નથી ધકેલાતો. પોતાની અંદર રહેનારી આસુરી સંપત્તિનો અંત આણીને ક્રમે ક્રમે શનૈ: શનૈ: છતાં ચોક્કસપણે દૈવી સંપત્તિ-સદ્ ગુણો, સદ્ વિચારો, સદ્ ભાવો, સ ત્કર્મોમાં પ્રતિષ્ઠા પામે છે.

ભગવાને ભગવદ્ ગીતામાં એ પ્રકારની બાંયધારી કોને આપી છે તે પણ યાદ રાખવા જેવું છે. 'ન મે ભક્ત:પ્રણશ્યતિ’ - 'મારો ભક્ત કદી નાશ નથી પામતો’ એવું જણાવીને સ્પષ્ટ રીતે સૂચવવામાં આવ્યું છે કે એ પ્રકારનું અભય વચન કેવળ ભક્તને માટે જ આપવામાં આવ્યું છે. ભક્તને માટે જ એવી ચોક્કસ બાંયધરી આપવામાં આવી છે. શરીર, મન, વચન અને હૃદયથી પળે પળે, પદે પદે, સ્થળે સ્થળે, જે ભગવાનને સમર્પિત બને છે, ભગવાનને માટે જ જીવે છે, ને ભગવાનને જ ભજે છે, તે ભક્ત કહેવાય છે. ભગવાન સાથે એક થવાની ઝંખનાવાળો પવિત્ર પ્રેમમય જીવ.

બાળકની સંભાળ સ્વાભાવિક રીતે જ માતા રાખે છે એમ જે સાધક ભક્ત શિશુસહજ સરળતા, નિર્દોષતા, શરણાગતભાવથી સંપન્ન બનીને પરમાત્મપરાયણ બને છે, તેની સંભાળ પરમાત્મારૂપી માતા પોતે રાખે છે. એ એનો નાશ નોંતરવા દેતી નથી. ભક્તે કેવળ સરળ તથા નિર્દોષ બનવાનો પ્રયત્ન કરતાં સાચા દિલથી સર્વભાવે એનું શરણ લેવું જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok