ગીતાનો અમર ઉપદેશ

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२-२॥

અર્જુન! કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોની સામે લડવા માટે તું મને તારા રથનો સારથિ બનાવીને શસ્ત્રસજ્જ થઈને હજુ તો હમણાં જ આવ્યો છે અને એટલામાં, કૌરવ સેના તરફ દ્રષ્ટિપાત કરતાંવેંત જ, આ અનાર્યને છાજે એવો, સ્વર્ગને ન આપનારો તથા અપયશનો ભાગી કરનારો, શોક તને ક્યાંથી થયો ? અરે, તારા જેવા શૂરવીરને શું આવો શોક છાજે છે ? તું શબ્દો તો પંડિતના જેવા બોલે છે પરંતુ તને ખબર નથી કે પંડિત આવી રીતે મિથ્યા વિષાદ કે વ્યામોહમાં નથી પડતા. તે તો ફરજ, જવાબદારી કે સ્વધર્મનો વિચાર કરીને, કર્તવ્યના પાલન માટે જ તૈયાર રહે છે. કોઈ લાગણીમાં અટવાઈ જઈને કે ક્ષણિક મોહવૃત્તિના શિકાર બનીને, કર્તવ્યવિમુખ થવાને બદલે, બધા સંજોગોમાં કર્તવ્યને જ વફાદાર રહે છે. માટે કાયરતાનો ત્યાગ કર અને હૃદયની ક્ષુલ્લક દુર્બળતાને છોડી દઈને, યુદ્ધના મેદાનમાં એક મહારથીને છાજે એવી રીતે લડવા માટે તૈયાર થઈ જા.

તારે અહીં એકલા અર્જુન તરીકે નથી લડવાનું : પરંતુ પાંડવોના પ્રતિનિધિ તરીકે લડવાનું છે. ન્યાય ને નીતિના પુરસ્કર્તા કે પક્ષપાતી તરીકે લડવાનું છે, અને જેની સામે લડવાનું છે તે પક્ષમાં એકલો દુર્યોધન કે કૌરવો નથી, પરંતુ અન્યાય, અનીતિ, અસત્ય, અનાચાર, અધર્મ, અથવા છલકપટ છે. કુરુક્ષેત્રના રણમેદાનમાં એકઠી થયેલી અઢાર અક્ષૌહિણી સેના કૌરવ ને પાંડવની સેના નથી, પરંતુ ધર્મ વિરુદ્ધ અધર્મ, નીતિ વિરુદ્ધ અનીતિ, અને પ્રામાણિકતા વિરુદ્ધ અપ્રામાણિકતાની સંમિશ્રિત સેના છે. આ યુદ્ધ, તેં અને તારા સાથીઓએ માગેલું નથી, પરંતુ તારા પર ઠોકી બેસાડવામાં કે લાદવામાં આવેલું છે અને સ્વધર્મની રક્ષા માટે તે તારે લડવું પડશે. તારો ધર્મ તને એ માટે હાકલ કરી રહ્યો છે. આવે વખતે તારા મૂળ ધર્મને મૂકી દઈને, તું ભિક્ષુ કે પરિવ્રાજકનો વેશ લઈને નારાયણ હરિ કરીને પેટ ભરવાનો વિચાર કરે, તે હું નહિ સાંખી શકું. કદાપિ નહિ. એવું પેટ તો કાગડા પણ ભરે છે. તો તારામાં અને એમનામાં શું ફેર ? તું વીર અર્જુન છે તેનો વિચાર કર અને આ ક્ષણિક, વચગાળાના વ્યામોહનો ત્યાગ કર. મારા હાથમાં હથિયાર બનીને આતંકકારી કૌરવદળનો નાશ કર ને વિજયને વરી લે.

કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે કહેલી આ વાણી ગીતા ને મહાભારતમાં આજે પણ અમર છે. યુગો વીતી ગયા છતાં પણ એ એવી જ તાજી છે, કારણ કે એ જે કટોકટીમાં કહેવાઈ છે તે કટોકટી અવારનવાર આવતી જ રહી છે, અને જે અર્જુનને કહેવાઈ છે તે અર્જુનના જેવા શૂન્યમનસ્ક, કિંકર્તવ્યવિમૂઢ, વિષાદમગ્ન, કર્તવ્યનો નિર્ણય કરવામાં અકુશળ, એવા માનવો પૃથ્વી પર થતા જ રહ્યા છે. અનંત કાળથી તે છેક આજ લગી એમનો પ્રવાહ ચાલુ જ રહ્યો છે, અને ચાલુ જ રહેવાનો છે. એટલે એ વાણી માનવના મનને પ્રેરણા આપનારી સનાતન વાણી બની ગઈ છે.

અર્જુન આવેલો તો લડવા પરંતુ યુદ્ધના મેદાનમાં મિત્રો ને સ્નેહીજનોને જોઈને એનો ઉત્સાહ ઓસરી ગયો અને એના પગ ઢીલા થઈ ગયા. જો એ એકલો જ હોત તો, ગાંડીવને મૂકીને રણમેદાનમાંથી વિદાય થાત. તેમાં કશી હરકત ન હતી. પરંતુ તેને માથે તો મોટી જવાબદારી હતી. એ જવાબદારીના ભાન સાથે તો એ કુરુક્ષેત્રની ભૂમિમાં ભગવાન કૃષ્ણને પોતાના રથના સારથિ બનાવીને આવી પહોંચેલો. હવે એ ક્ષણિક વ્યામોહને વશ થઈને યુદ્ધનો ત્યાગ કરવાની વાત કરે એ કૃષ્ણ કેવી રીતે સાંખી લે ?
શ્રીમદ્ ભગવદ્ ગીતાના જન્મનું કારણ એ જ છે. એ સમસ્યામાંથી જ એનો પ્રાદુર્ભાવ થયો છે. ગીતાની એ પ્રેરક વાણીને સાંભળીને અર્જુનનો વ્યામોહ દૂર થયો, એની ભ્રમણા ટળી ગઈ, અને એને કર્તવ્યનો સાચો પંથ સાધી ગયો. અર્જુને કહ્યું પણ ખરું કે મારો મોહ મટી ગયો છે. તમારા અનુગ્રહને પરિણામે મને પ્રકાશની પ્રાપ્તિ થઈ છે. મને કોઈ પ્રકારનો સંદેહ નથી રહ્યો. તમારા આદેશ પ્રમાણેનું વર્તન કરવા હું કૃતસંકલ્પ બનીને ઊભો છું.

જ્યારે જ્યારે કર્તવ્યના ક્ષેત્રમાં પ્રમાદ થાય, બુદ્ધિ ભ્રાંત બની જાય, અને સારાસારનો વિવેક ખોઈ બેસે, ત્યારે ગીતા પ્રકાશ પૂરો પાડે છે, પ્રેરણા પહોંચાડે છે, સાચા માર્ગનું દર્શન કરાવે છે. કર્તવ્યપાલન કરતાં, ન્યાય ને નેકીને માર્ગે ચાલતાં શીખવે છે. એમ કરતાં મરણને શરણ થવું પડે તો પણ ભલે. એ મરણ માનવંત કે કલ્યાણકારક છે; પરંતુ સ્વધર્મ, ફરજ કે કર્તવ્યનો ત્યાગ સદા ભયંકર છે, હાનિકારક છે, અમંગલ છે. ગીતાનો એ ઉપદેશ વ્યક્તિ તથા સમષ્ટિને નવું બળ પૂરું પાડે છે. આજે પણ એ સંદેશ એટલો જ અસરકારક છે.

સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ - કર્તવ્ય કરતાં કરતાં ખપી જવું કલ્યાણકારક; એથી ઊલટું અકલ્યાણકારક.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Yashvant Parikh 2010-02-06 04:56
I am happy and delighted to read ગીતાનો અમર ઉપદેશ. Thanks for Short and sweet Geeta Updesh. Thanks for the site
- Yashvant Parikh
CA,USA

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.