પરમાત્માને પ્રણામ

પ્રભાત કાળે પહેલવહેલાં, પ્રણમું છું પરમાત્માને;
આખી પૃથ્વી મુગ્ધ બનીને, બેઠી છે જેના ધ્યાને.

જ્યોત જેમની જડચેતનમાં,જલી રહી જીવન દેતી;
સ્પર્શ જેમનો પામીને આ સૂતી રસ્તાની રેતી.

ફૂલમહીં ફોરમ ભરનારા, કમળોને જે કાંતિ ધરે;
પંખીને દે પાંખ મજાની, કોકિલકંઠે ચિત્તે હરે.

કળા મોરની કરીકરીને, માનવને કામણ કરતાં;
ઉષા અને સંધ્યાના રંગે; જાદુ જિંદગીમાં ભરતા.

નદી વળી ઝરણાંના જળમાં,સ્વાદ ભરી જે રહે વહી;
સાગરનાં મોજાંમાં વાતો, સ્નેહભરેલી રહે કહી.

પર્વત જેનું ગૌરવ ગાતા, સૂર્ય તપે જેના બળથી;
ચંદ્ર ચમકતો, તેમ તારલા ટમકે છે એના રસથી.

વાદળ જેના મહિમા જેવાં, આકાશે ફેરા ફરતાં;
જેના અમૃતને વરસાદે વરસાવે પીડા હરતાં.

જેના ભંડારેથી લેતી, ભિન્નભિન્ન ઋતુઓ ધનને,
ધરતીની સેવાને માટે, રજૂ કરે છે મુક્ત મને.

દરેકના દેહે વસનારા, ચેતનના ધરનાર વળી;
દેહ તજે તે તો જીવનનો બાગ રહેતો બધો મરી.

સત્ય તેમ સુંદરતામાં જે, મંગલતામાં રમી રહ્યા,
સત્ય તેમ સુંદર ને મંગલ, તેથી તે પરમાત્મ કહ્યા.

પ્રણામ તે પરમાત્માને, હું વારંવાર અનેક કરું;
જીવન મારૂં સેવા માટે, હસતાં હસતાં આજ ધરૂં.

બને જિંદગી સત્યમયી ને, સુંદર તેમજ મંગલ આ;
અર્પણ બીજાને કાજે હો, બીજી કોઈ ઈચ્છા ના.

 - શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 Harish Shukla 2012-07-18 07:32
આ બાળગીતો-કવિતાઓન ે MP3 માં મુકો તો અમે સાંભળી શકીએ. આભાર.

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.