કોણે પાંખડી ઘડી છે તારી, પતંગિયા,
પાંખડી ઘડી છે તારી ?
એની સુંદરતા કેવી છે ન્યારી, પતંગિયા,
પાંખડી સુંવાળી છે તારી. ... કોણે પાંખડી.
કોણે પૂર્યા છે એમાં રંગો મજાના ?
કેવી કળા કરી ભરી ?પતંગિયા,
રંગોળી કેવી છે સારી ?
એકએક આંખ જાણે પ્રકટી છે પાંખમાં,
પાંખડી રૂપાળી છે તારી. ... કોણે પાંખડી.
ઊડે ને ઝૂલે તું ફૂલપરે હેતથી,
દીવા ઉપર જાય વારી;
કાળજામાં કામણ કર્યું તારા કોણે ?
પ્રીતડી તેં ક્યાંથી ધારી ?પતંગિયા,
પાંખડી રૂપાળી છે તારી. ... કોણે પાંખડી.
કુદરતની આખીયે કારીગરી ને
કળા તારી પાંખમાં ઉતારી;
કળાકાર કોણ હશે ? એણે તો દીધી
કળા બધી એની ઉજાળી.પતંગિયા,
પાંખડી રૂપાળી છે તારી. ... કોણે પાંખડી.
રમવાને આવજે બાગમહીં મારા,
ફૂલવાડી છે તારી;
જોજે ડરીશ ના, આંગળી અડાડું
તારા શરીરે જો મારી.પતંગિયા,
પાંખડી રૂપાળી છે તારી. ... કોણે પાંખડી.
- શ્રી યોગેશ્વરજી