01. પ્રથમ સ્કંધ

ઉત્તરાના ઉદરમાં પરીક્ષિતની રક્ષા

ભાગવતમાં પ્રાચીન ભારતના રાજકુળોનો, રાજ્યોનો, સમાજજીવનનો, ભૌગોલિક પરિસ્થિતિનો, પર્વતો, નદીઓ અને નગરોનો તથા નાના મોટા સંતો અને ભક્તોનો છૂટોછવાયો ઇતિહાસ આલેખાયલો છે. એ ઇતિહાસ તત્કાલીન પરિસ્થિતિને તેમજ સભ્યતાને સમજવામાં સહાયતા પહોંચાડે છે. ભાગવત સિવાયનાં ઇતર પુરાણોના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. જે પંડિતો કે વિદ્વાનો પુરાણગ્રંથોનો વિરોધ કરે છે તે એ અગત્યની હકીકતને ભૂલી જાય છે. પુરાણગ્રંથોને પ્રાચીન ભારતીય સાહિત્યભંડારમાંથી બાદ કરવાથી દેશ પોતાના જ રહ્યાસહ્યા પૌરાણિક ઇતિહાસથી વંચિત રહી જાય તેમ છે. ભારતવર્ષનો પૌરાણિક ઇતિહાસ થોડાઘણો વેદોમાં, ઉપનિષદોમાં ને મોટા ભાગનો ઇતિહાસ રામાયણ મહાભારતાદિ વિવિધ પુરાણગ્રંથોમાં સંગ્રહાયલો છે. એના પરથી સમજાશે કે પુરાણગ્રંથો કેટલા બધા કીમતી અને ઉપયોગી છે. એટલા માટે પણ એમના અનાદરનો વિચાર આપણે ના કરી શકીએ, કોઇયે તટસ્થ વિચારશીલ વિદ્વાન ના કરી શકે.

ભારતમાં પ્રાચીન કાળમાં ઇતિહાસનું આલેખન એવી રીતે જ થયા કરતું. ઇતિહાસને કેવળ ઇતિહાસને માટે નહિ, પરંતુ ધર્મના એક અવિભાજ્ય અંગ તરીકે આલેખવામાં આવતો. એટલે એનું સ્વરૂપ પણ સર્વથા અલગ હતું. આજના ઇતિહાસનું સ્વરૂપ આજના સમયને અનુસરતું અને જુદું છે.

ભાગવતના પ્રમુખ વક્તા સંતશિરોમણિ સ્વનામધન્ય શુકદેવજીની છત્રછાયામાં બેસીને એમના શ્રીમુખથી ભાગવતનો શ્રેયસ્કર સદુપદેશ સાંભળીને જીવનના અંતકાળને કૃતાર્થ કરનાર પરીક્ષિતનો પ્રાદુર્ભાવ કેવી અનોખી રીતે થયો તે ખાસ જાણવા જેવું છે. ભગવાન કૃષ્ણે ઉત્તરાના ઉદરમાં એમની રક્ષા ના કરી હોત તો સૃષ્ટિમાં શ્વાસ લેવાનું સૌભાગ્ય એમને કદાચ ના સાંપડ્યું હોત. એમનું આ પાર્થિવ પૃથ્વી પરનું પ્રાક્ટય ભગવાન કૃષ્ણને આભારી હતું. પોતાની માતાના ઉદરમાં હતા ત્યારથી જ એમને ભગવાન કૃષ્ણની વિશિષ્ટ કૃપાની પ્રાપ્તિ  થયેલી. એ કેવી રીતે તે હવે જોઇએ. પ્રથમ સ્કંધના આઠમા અધ્યાયમાં એનું સવિસ્તર સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

મહાભારતના મહાભીષણ મહાયુદ્ધની પરિસમાપ્તિ થઇ ગઇ, ભગવાન કૃષ્ણની કૃપાથી પાંડવોને રાજ્યશ્રીની પ્રાપ્તિ થઇ, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો ને દ્રૌપદીની પ્રતિજ્ઞાનો સફળતાપૂર્વક અંત આવ્યો. એ પછી યુધિષ્ઠિર પાસે ત્રણ અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરાવીને શ્રીકૃષ્ણે એમની પ્રતિષ્ઠાને દિગદિગંતમાં પ્રસારીને ત્યાંથી વિદાય થવાનો વિચાર કર્યો.

સૌએ એમનો અત્યંત સ્નેહસમેત સત્કાર કર્યો એટલે ઉદ્વવ તથા સાત્યકિની સાથે દ્વારકા જવા માટે એ સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન થયા એ જ વખતે, હજુ તો રથ આગળ વધવાની તૈયારી કરી રહેલો ત્યારે, અર્જુનના સ્વર્ગવાસી વીરગતિપ્રાપ્ત પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા ભયભીત બનીને દોડી આવી અને બોલી :

‘તમે તો મહાયોગી છો. અરે ! દેવોના પણ આરાધ્ય છો. તમે સમસ્ત સૃષ્ટિની સુરક્ષા કરનારા છો તો મારી પણ રક્ષા કરો. તમારા સિવાય બીજા કોને શરણે જાઉં ? મારી રક્ષા કરવાની શક્તિથી સંપન્ન હોય એવું મને બીજું કોઇ જ નથી દેખાતું. આ ભયંકર લોહબાણ મારી દિશામાં તીવ્ર ગતિથી દોડતું આવે છે. એ મારા શરીરને જલાવી દે તેની હરકત નથી પરંતુ મારા ઉદરસ્થ બાળકનો નાશ ના કરે, અરે એનો વાળ પણ વાંકો ના થવા દે, એવી કૃપા કરી દો. તમે સર્વસમર્થ અને શરણાગતરક્ષક હોવાથી તમારે માટે કશું જ કઠિન નથી. મારી આટલી પ્રેમમયી પ્રાર્થના તમે અવશ્ય સાંભળો.’

ઉત્તરાની વાત સાંભળીને ભગવાન કૃષ્ણને સમજતાં સહેજ પણ વાર ના લાગી કે એ જે લોહબાણથી ભયભીત બનીને એની વિઘાતક અસરથી રક્ષા માટે પ્રાર્થી રહી છે તે લોહબાણ તો અશ્વત્થામાએ પાંડવોની કુળપરંપરાનું નિકંદન કાઢવા માટે પ્રયુક્ત કરેલું બ્રહ્માસ્ત્ર છે.

એ વખતે સર્વનાશના સફળ સંદેશાવાહક સરખાં પાંચ ભયંકર બાણ પાંડવોની દિશામાં પણ દોડવા લાગ્યાં.

ભગવાન કૃષ્ણે પોતાના સુદર્શન ચક્રનો સમુચિત સદુપયોગ કરીને એ પાંચે બાણોનો નાશ કરી નાખ્યો.

એ પછી પાંડવોની વંશપરંપરાને ચાલુ રાખવા માટે એમણે ઉત્તરાના ગર્ભને પોતાની માયાના દુર્ભેદ્ય કવચથી ઢાંકી દીધો.

બ્રહ્માસ્ત્રની શક્તિ અતિશય અસાધારણ અને અમોઘ કહેવાય છે તો પણ શ્રીકૃષ્ણની સમીપે પહોંચીને એ શાંત થઇ ગયું.

શ્રીકૃષ્ણે એવી અલૌકિક રીતે સૌની રક્ષા કરી એથી સૌને આનંદ થયો. સૌ નિર્ભય બન્યાં. ઉત્તરા તથા કુંતી શ્રીકૃષ્ણની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરવા લાગ્યાં.

ભાગવત એ સારગર્ભિત કથા દ્વારા સૂચવવા માગે છે કે મનુષ્યને જે વિભિન્ન પ્રકારના ભય, શોક કે મોહ વળગ્યા છે તેમાંથી છૂટવાનું કામ કપરું હોવા છતાં પણ પરમાત્માની પરમકૃપાથી સરળ બની શકે છે. પરમાત્માની કરૂણા કે કૃપા આગળ કશું જ અશક્ય નથી રહેતું. એ કૃપાને ઓછાવત્તા અંશે મેળવીને એ બ્રહ્માસ્ત્ર જેવાં શસ્ત્રોથી મુક્તિ મેળવે જ છે પરંતુ એથી આગળ વધીને મૃત્યુંજય કે કૃતાર્થ થાય છે. પરંતુ એ બધું ક્યારે બને ? એ પોતે જ્યારે પ્રયત્નમાં લાગી જાય ત્યારે.

કૃષ્ણ ભગવાનની એ અલૌકિક રક્ષાથી પ્રભાવિત થઇને સૌના વતી કુંતીએ એમની જે પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરી તેના પરથી સ્પષ્ટ સમજાય છે કે કુંતી શ્રીકૃષ્ણને કોઇ સામાન્ય પુરુષ નહોતી માનતી પરંતુ પુરુષોત્તમ સમજતી’તી.

કુંતીની એ પ્રશસ્તિમાં ભાગવતના વિપુલ સત્વશીલ શાશ્વત ભાવસાહિત્ય ભંડારના જે બે સુંદર શ્લોકો છે એમનો નિર્દેશ પણ કરી લઇએ :

विपदः सन्तु नः शश्वत्तत्र तत्र जगद्दगुरो ।
भवतो दर्शनं यतेस्यादपुनर्भवदर्शनम् ॥
जन्मैश्वर्यश्रुतश्रीभिरेधमानमदः पुमान् ।
नैवार्हत्यभिधातुं वै त्वामकिंचनगोचरम् ॥
(પ્રથમ સ્કંધ, અધ્યાય ૮, શ્લોક રપ-ર૬)

કુંતી પોતાના મનોભાવોનો પડઘો પાડતાં કહે છે કે જીવનમાં આવેલી વિવિધ વિપત્તિઓને લીધે તો અમે તમારી વધારે ને વધારે પાસે પહોંચવાની પ્રવૃત્તિ કરીને તમને ઓળખી શક્યાં. સુખસંપત્તિ કે સાહ્યબીમાં કદાચ તમારી આટલી કૃપા ના મળત. એટલા માટે પ્રાર્થના છે કે અમારા જીવનમાં વિપત્તિઓ અથવા વિપરીતતાઓ શાશ્વત રહો. વિપત્તિઓમાં નિશ્ચિતરૂપે તમારા દર્શનનું સૌભાગ્ય સાંપડે છે અને તમારા દર્શનનું સૌભાગ્ય સાંપડવાથી જન્મ-મરણનો અંત આવે છે. તમે અનાથના આધાર છો. ઉચ્ચકુળમાં જન્મીને અને ઐશ્વર્ય, જ્ઞાન સંપત્તિને મેળવીને મિથ્યાભિમાની કે મદોન્મત્ત બનેલા માનવો તો તમને સદાને માટે સંપૂર્ણપણે ભૂલી જાય છે ને તમારું નામ પણ નથી લઇ શક્તા.

કુંતીના એ શબ્દોની સાથે સૂર પુરાવવાની તૈયારી બહુ ઓછા માણસો કરશે. પ્રાર્થના કરવાની હશે તો એવા માણસો સંપત્તિને માટે જરૂર કરશે. પરંતુ વિપત્તિને માટે પ્રાર્થવા માટે ભાગ્યે જ કોઇ તૈયાર થશે. સંપત્તિને વધાવવા તો સૌ કોઇ તૈયાર રહે પરંતુ વિપત્તિને વધાવવાની તૈયારી કોણ કરે ? છતાં પણ બીજા કેટલાક વિરલ સંતજનોની જેમ કુંતીની એવી જીવનદૃષ્ટિ છે એ દૃષ્ટિ વિશિષ્ટ અને આશ્ચર્યકારક હોવાં છતાં કુંતીને માટે સ્વાભાવિક છે. એની પાછળની જે કલ્યાણકારક ઉત્તમ ભાવના છે એને સહાનુભૂતિપૂર્વક સમજવાની આવશ્યકતા છે.

માણસ કુંતીની પેઠે ભલે વિપત્તિ તથા પ્રતિકૂળતાને માટે  કામના ના કરે અને સંપત્તિ તથા સાનુકૂળતાની જ પ્રાર્થના કરે, તો પણ જીવનમાં સંપત્તિ, સાનુકૂળતા, ઐશ્વર્ય અને વિદ્યાને પ્રાપ્ત કરીને પણ અહંતા, મમતા અને આસક્તિથી અલગ રહેવાય, જીવનના મૂળભૂત ધ્યેયનું જતન કરાય તથા ઇશ્વરની શ્રદ્ધાભક્તિને ચાલુ રખાય, એવી ભાવના તો એણે સેવવી જોઇએ. કુંતીએ સંપત્તિ, સાનુકૂળતા, ઐશ્વર્ય અને વિદ્યાનો વિરોધ નથી કર્યો પરંતુ એની અસર નીચે આવવાથી થતી મદોન્મત્ત અવસ્થાનો અને પેદા થતા જીવનના મૂળભૂત ધ્યેયનો તથા ઇશ્વરના વિસ્મરણનો વિરોધ કર્યો છે એ ખાસ યાદ રાખવાનું છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.