Monday, August 10, 2020

01. પ્રથમ સ્કંધ

પરીક્ષિતનો જન્મ

ઉત્તરાના ઉદરમાં સ્થિત પરીક્ષિતની શ્રીકૃષ્ણે અશ્વત્થામાના ભયંકર બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી ત્યારે પરીક્ષિતને અંગુષ્ઠમાત્ર, જ્યોતિર્મય, નિર્મળ પુરુષનું દેવદુર્લભ દર્શન થયું. એમનું શરીર અત્યંત સુંદર અને શ્યામ હતું. એમણે પીતાંબર પહેરેલું અને એમના શિર પર સોનાનો મુકુટ હતો. એ અલૌકિક પુરુષને ચાર સુંદર હાથ હતાં. હાથની ગદાને એ ચોતરફ ફેરવી રહેલા. સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસ-સમૂહને હઠાવી દે તેમ ગદાની મદદથી એ બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરતા. દસ માસના ઉદરસ્થ પરીક્ષિત એ અલૌકિક પુરુષને ઓળખી ના શક્યા પરંતુ ભગવાન કૃષ્ણ એવી રીતે બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરીને અદૃશ્ય થઇ ગયા.

એ પછી સર્વ પ્રકારે સાનુકૂળ શુભ સમયમાં પાંડવોના વંશજ પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયનું એમનું સ્વરૂપ અત્યંત અદ્દભુત હતું. સૌને થયું કે પાંડુએ પુનર્જન્મ લીધો કે શું ? યુધિષ્ઠિરે ધૌમ્ય, કૃપાચાર્ય જેવા બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિવાચન તથા જાતકર્મ સંસ્કાર કરાવ્યા અને અનેક પ્રકારનું દાન આપ્યું.

ભગવાન વિષ્ણુએ માતાના ઉદરમાં એની રક્ષા કરી હોવાથી બ્રાહ્મણોએ એ બાળકનું નામ વિષ્ણુરાત પાડ્યું ને કહ્યું કે બાળક ખૂબ જ યશસ્વી, ભગવાનનો પરમભક્ત ને મહાપુરુષ થશે. એ મનુપુત્ર ઇક્ષ્વાકુની પેઠે પ્રજાપાલનમાં રત રહેશે ને દશરથાનંદન રામની જેમ બ્રાહ્મણભક્ત અને સત્યપ્રતિજ્ઞ બનશે. શિબિ સમાન દાતા તેમજ શરણાગત-રક્ષક ને દુષ્યંતપુત્ર ભરત જેવો યશસ્વી થશે. અગ્નિ સમાન દુર્ઘર્ષ, સમુદ્ર સમાન દુસ્તર, સિંહ જેવો પરાક્રમી, હિમાલય સરખો સેવવા યોગ્ય, પૃથ્વીની પેઠે તિતિક્ષુ ને માતાપિતા જેવો સહનશીલ બનશે. એની અંદર બ્રહ્માની સમતા, વિષ્ણુની શરણાગતવત્સલતા અને શંકરની કૃપાળુતા રહેશે. એ શ્રીકૃષ્ણ સરખો સદ્દગુણી, રંતિદેવ જેવો ઉદાર તથા યયાતિ જેવો ધાર્મિક થશે. ધૈર્યમાં બલિ જેવો ને કૃષ્ણ પ્રત્યેની નિષ્ઠામાં પ્રહલાદ જેવો બની રહેશે. જીવનની ઉત્તરાવસ્થામાં મળેલા મુનિકુમારના શાપથી તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાતને જાણીને સૌની આસક્તિ છોડીને એ ભગવાનનું શરણ લેશે. મહર્ષિ વ્યાસના સુપુત્ર શુકદેવજી પાસેથી આત્માના મૂળભૂત વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન મેળવશે, અને ગંગાના પ્રશાંત પુનિત પુણ્યતટ પર શરીરનો પરિત્યાગ કરીને અભયપદની પ્રાપ્તિ કરશે.

સંસારમાં એમની પ્રસિદ્ધિ પરીક્ષિતના નામથી થઇ તેનું કારણ ? ભાગવત તેના એક અગત્યના કારણ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહે છે કે માતાના ઉદરમાં જે દિવ્ય અંગુષ્ઠમાત્ર પુરુષનું પોતાને દર્શન થયેલું તે પુરુષ ખરેખર કોણ છે ને ક્યાં છે એવી પરીક્ષણ વૃત્તિથી પ્રેરાઇને એ સંસારમાં સર્વદા શ્વાસ લેતા હોવાથી એમનું નામ પરીક્ષિત પડ્યું.

એના અનુસંધાનમાં આપણે એવું કહી શકીએ કે પરમાત્મા પ્રત્યેક જીવની માતાના ઉદરમાં અને બહાર બધે જ બધી જ પરિસ્થિતિમાં રક્ષા કરે છે. પ્રત્યેક આત્મા સ્થૂળ અથવા સૂક્ષ્મ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે પરમાત્માથી અવલોકાયલો છે, માટે એ પરીક્ષિત કહેવાય છે. એ ચારે તરફ જોઇ-વિચારીને પગલાં ભરે છે માટે પણ પરીક્ષિત છે.

બ્રાહ્મણોએ પરીક્ષિતના જીવનસંબંધી કરેલી ભવિષ્યવાણીમાં થોડોક ઇતિહાસ પણ સંકળાયેલો છે. કારણ કે એમાં જે જે પરમપ્રતાપી પુરુષો ને રાજવીઓ પરીક્ષિતના જીવનકાળ પહેલાં થઇ ગયા છે એવો નિર્દેશ આપોઆપ મળી રહે છે. એ રીતે વિચારતાં એનું મહત્વ ઓછું નથી. ભવિષ્યવાણી પરથી એ હકીકતની પણ પ્રતીતિ થાય છે કે એ સમયમાં ભવિષ્યદર્શી પુરુષોનો ને ભવિષ્યદર્શનની વિદ્યાનો અભાવ નહોતો. એ ભવિષ્યદર્શન વિદ્યા કેટલી બધી અસાધારણ અથવા વાસ્તવદર્શી હતી એની પ્રતીતિ પરીક્ષિતના અંતકાળના કરાયેલા ઉલ્લેખ પરથી સહેજે અને સંપૂર્ણપણે થઇ રહે છે.

 

 

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok