Text Size

08. અષ્ટમ સ્કંધ

સમુદ્રમંથન

દેવોએ અને દાનવોએ પરમાત્માની પ્રેરણાથી પ્રેરાઇને એમના પથપ્રદર્શન પ્રમાણે અમૃતપ્રાપ્તિની અભિલાષાથી સમુદ્રમંથનની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. ભાગવતના આઠમા સ્કંધમાં હવે એ કથા શરૂ થાય છે, દેવો તથા દાનવો સાપ તથા નોળિયાની પેઠે પહેલેથી જ પરસ્પર લડતા રહેતા તો પણ અમૃત જેવા અમૂલખ પદાર્થને પામીને અમૃતમય બનવાની ઉત્તમ ભાવનાથી કામચલાઉ સમયને સારુ પરસ્પર સંધિ કરીને એકઠા થયાં. એમણે નાગરાજ વાસુકિને અમૃતનો ભાગ આપવાની બાંયધરી આપીને પોતાના પક્ષમાં લીધો. ક્ષીરસાગરમાં મંદરાચલ પર્વતને મૂકીને વાસુકિ નાગનું નેતરું કરીને એમણે અમૃતપ્રાપ્તિને માટે મંથનની શરૂઆત કરી.

સમુદ્રમંથન શરૂ તો થયું પરંતુ ભારની અતિશયતાને લીધે મંદરાચલ પર્વત સ્થિર ના રહી શક્યો. એની નીચે કોઇ આધાર ના હોવાથી એ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. એ દેખીને દેવો તથા દાનવો ઉદાસ બની ગયા. એમને હિંમત અથવા ઉત્સાહ આપવા માટે ભગવાને અત્યંત વિશાળ અને વિચિત્ર કાચબાનું રૂપ ધારણ કરી, પાણીમાં પ્રવેશ કરીને, મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ઉપાડી લીધો કે સ્થિર કર્યો. સર્વસમર્થ ભગવાનને માટે એ કામ લેશ પણ કઠિન ન હતું.

મંદરાચલને સમુદ્રમાં સ્થિર થયેલો જોઇને દેવો ને દાનવો ફરી પાછા ઉત્સાહિત બન્યા. એમની હિંમત વધી ગઇ અને મૃતઃપ્રાય બનેલી આશા પુનર્જીવિત થઇ. ભગવાને દેવ તથા દાનવોની અંદર પોતાની વિશિષ્ટ શક્તિનો સંચાર કર્યો. એને લીધે સૌ અવનવા અનેકગણા ઉત્સાહથી સંપન્ન બની ગયા. એમની શક્તિ સાધારણ ને સીમિત મટીને અસાધારણ અને અસીમ બની. એ અતિશય વેગથી પૂરી શક્તિને લગાડીને સમુદ્રમંથન કરવા લાગ્યા. એને લીધે સમુદ્ર અને એની અંદરના જીવો ખળભળી ઊઠ્યા તેમજ ડરી ગયા. વાસુકિના મુખમાંથી, નેત્રમાંથી, શ્વાસ-પ્રશ્વાસમાંથી તથા અંગપ્રત્યંગમાંથી વિષની વરાળો નીકળવા લાગી. દેવોનું ને દાનવોનું તેજ તેથી લુપ્ત થવા માંડ્યું પરંતુ ભગવાનની કૃપાથી એ વખતે વરસાદ શરૂ થયો અને પવન સમુદ્રનો સ્પર્શ કરીને શીતળતા અને સુવાસ સાથે વહેવા લાગ્યો એથી એમને રાહત મળી.

દેવો ને દાનવો સમુદ્રમંથનના મહાકાર્યમાં લાગી તો ગયા પણ એમને અમૃત ના મળ્યું ત્યારે ભગવાન પોતે એમને મદદ કરવા તૈયાર થયા. સમુદ્રમંથનમાં એમનો અદ્દભુત સહયોગ સાંપડવાથી એ કાર્યમાં ખૂબ જ વેગ પેદા થયો. જલચરો ભયભીત બનીને આમતેમ ભાગવા તેમ જ ઉપર આવવા લાગ્યાં. સમુદ્રનું તળિયું ખળભળી ઊઠયું. દેવો તથા દાનવો પોતાનો પરિશ્રમ ફળશે અને અમૃત મળશે એવું માનીને ખૂબ ખૂબ આનંદ પામ્યાં. પરંતુ એમનો આનંદ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. એમને આશા તો અમૃતની હતી પરંતુ સમુદ્રમાંથી નીકળ્યું હલાહલ વિષ. ભગવાને એમને સૂચના આપી જ રાખેલી કે સમુદ્રમંથનના પરિણામે સમુદ્રમાંથી સૌથી પહેલાં કાલકુટ નામનું  વિષ નીકળશે, તો પણ વિષને જ્યારે એમણે પોતાની આગળ પ્રત્યક્ષ રીતે જોયું ત્યારે એ સ્વાભાવિક રીતે જ ગભરાઇ ગયા. એ વિષમાં સમસ્ત વિશ્વનો વિનાશ કરી નાખવાની શક્તિ હતી.

પરંતુ એનાથી પોતાની ને બીજાની રક્ષા કેવી રીતે કરવી તેની સમજ કોઇને ના પડી. આખરે સૌ અતિશય ચિંતાતુર અને ભયભીત બનીને કૈલાસવાસી ભગવાન શંકરની પાસે પહોંચી ગયા. પ્રજાપતિઓએ એમણે પ્રસન્ન કરવા માટે એમની પ્રેમપૂર્વક સ્તુતિ કરી.

ભાગવતમાં સ્તુતિઓનો પાર નથી. એ સઘળી સ્તુતિઓ અદ્દભુત, આકર્ષક અને સુંદર છે. પરંતુ એ સ્તુતિઓમાં ભગવાન શંકરની સ્વતંત્ર પ્રાર્થના કે સ્તુતિ જ્વલ્લે જ જડે છે. એ દૃષ્ટિએ વિચારતાં પ્રજાપતિઓએ કરેલી ભગવાન શંકરની એ સ્તુતિ સવિશેષ મહત્વ ધરાવે છે.

*

શંકર ભગવાન તો કરુણાથી ભરેલા હૃદયવાળા અને પરહિતની ઉદાત્ત ભાવનાથી સંપન્ન હતા. પ્રજાની અને પ્રજાપતિઓની પીડાને પેખીને એમનું અંતર દ્રવી ઊઠ્યું.

મહાપુરુષોના જીવન પોતાના આમોદપ્રમોદને માટે નથી હોતાં, બીજાના ઉત્કર્ષ તથા મંગલને માટે હોય છે. પોતાની સુખાકારી કે શાંતિને મહત્વ આપવાને બદલે એ બીજાની સુખાકારી કે શાંતિને મહત્વ આપે છે, એને માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરતાં કરતાં પોતાના વ્યક્તિગત સુખનો ભોગ આપવો પડે તો પણ એવો ભોગ આપવા હસતે મોઢે તૈયાર રહે છે. એવા પરહિતનિરત કૃતકામ મંગલમના મહામાનવોને લીધે જ આ પૃથ્વી ટકી રહી છે. ને જીવવા જેવી થઇ છે. એને માટે એમને જેટલાં પણ અભિનંદન આપીએ અને એમનાં જેટલાં પણ ગુણગાન ગાઇએ એટલાં ઓછાં છે. ભગવાન શંકર તો મહાપુરુષોના આરાધ્યદેવ હતા. એ પ્રજાના પ્રતિનિધિઓએ પ્રાર્થના કરવા છતાં પ્રજાના દુઃખને કેવી રીતે દેખી શકે ? એવી પરિસ્થિતિમાં નિષ્ક્રિય કેવી રીતે રહી શકે ? સતીની સંમતિ મેળવીને એ સૌની સાથે ચાલી નીકળ્યા. સમુદ્રમંથનના સ્થળ પર આવીને પોતાની અસાધારણ યોગશક્તિની મદદથી એમણે કાલકુટ વિષનું પ્રસન્નતાપૂર્વક પાન કરી લીધું. સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવ એ પ્રસંગને વર્ણવતાં કહે છે કે સંસારના સ્વામી મહાદેવે કૃપાપૂર્વક એ વિષને હથેળીમાં લીધું અને એનું પાન કર્યું.

ततः करतलीकृत्य व्यापि हालाहलं विषम् ।
अभक्षयन्महादेवः कृपया भूतभावनः ॥ (અધ્યાય ૭, શ્લોક ૪૨)

*

ભગવાન શંકરના એ લોકોત્તર સેવાકર્મને જોઇને સૌ સ્તબ્ધ બની ગયાં. એમને માટે સૌનો આદરભાવ વધી ગયો. અને કેમ ના વધે ? એ ના હોત તો વિશ્વનો વિનાશ થઇ જાત. એમણે પીડિત પ્રજાની અને સમસ્ત પૃથ્વીની રક્ષા કરી. એમનું જેટલું પણ બહુમાન કરવામાં આવે તેટલું ઓછું હતું.

એ તો યોગીઓના અધીશ્વર હતા એટલે વિષ એમને લેશ પણ હાનિ ના પહોંચાડી શક્યું. પરંતુ એને લીધે એમનો કંઠ નીલ રંગનો બની ગયો. ત્યારથી એ નીલકંઠ કહેવાયા. એ શંકર અથવા કલ્યાણકારક હોવાથી વિષ પણ એમને માટે મંગલમય બન્યું અને એમનો વાળ પણ વાંકો ના કરી શક્યું તો પણ એ નીલ ડાઘ એમણે સૃષ્ટિને એ પ્રસંગની સ્મૃતિ કરાવવા ને સેવાધર્મની પ્રેરણા પાવા જાણે કે સ્વેચ્છાએ જ ધારણ કર્યો. સૃષ્ટિએ એમાંથી કેટલીક પ્રેરણા પીધી તે તો તે જ જાણે. એ ડાઘ એમને માટે ભૂષણ બન્યો.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok