Text Size

08. અષ્ટમ સ્કંધ

અમૃતનો આવિર્ભાવ

ભગવાન શંકરનું વિષપાન સમસ્ત સંસારને સારું શુભાશીર્વાદસમું પ્રસન્નતાદાયક પુરવાર થયું. દેવો અને દાનવો એથી નિર્ભય ને નિશ્ચિંત બન્યા. એમણે અવનવા ઉત્સાહપૂર્વક સમુદ્રમંથનનો આરંભ કર્યો. એ મંથનના પરિણામે સમુદ્રમાંથી કામધેનુ ગાય નીકળી. એ પછી ઉચ્ચૈઃશ્રવા અશ્વ, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, વારુણીદેવી અને ધન્વંતરિનો આવિર્ભાવ થયો. ધન્વંતરિ વિષ્ણુ ભગવાનના અંશાવતાર, આયુર્વેદના પ્રવર્તક તથા યજ્ઞભોક્તા તરીકે પાછળથી પ્રસિદ્ધિ પામ્યા. એમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. એ કળશ પર દાનવોની દૃષ્ટિ પડતાં વેંત જ એને એમણે પડાવી લીધો.

અમૃતની આકાંક્ષા તો દેવોને પણ હતી જ પરંતુ અમૃતના એ અદ્દભુત કળશને દાનવોએ લઇ લીધો એથી એમના શોકનો પાર ના રહ્યો. એ ભગવાનને શરણે ગયા. ભગવાને એમને આશ્વાસન આપ્યું. એમની જ પ્રેરણાથી દાનવો અંદરઅંદર લડવા લાગ્યા. એમને અમૃતની પ્રાપ્તિ તો થઇ ગઇ પરંતુ એ અલૌકિક અમૃતપાનનો આસ્વાદ સૌથી પહેલાં કોણ કરે એને માટેનો વાદવિવાદ એમની અંદર શરૂ થયો. એમનામાંના કેટલાકે દેવોએ સમુદ્રમંથનના મહાકાર્યમાં સહયોગ પ્રદાન કર્યો હોવાથી એમને પણ અમૃતનો ભાગ આપવાની ભલામણ કરી તો બીજા કેટલાકે એ ભલામણનો વિરોધ કર્યો. એમની અંદર એવી રીતે ભાવો, વિચારો અને શબ્દોનો ગજગ્રાહ શરૂ થયો. એ જ વખતે એમના મનને વિમોહિત ને ભ્રમિત કરીને દેવોના કામને સિદ્ધ કરવા માટે ભગવાને અત્યંત આકર્ષક, અલૌકિક, અવર્ણનીય મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું.

એમણે કામમોહિત બનીને એને બધી વાત કરી અને નિષ્પક્ષભાવે મંથન દ્વારા પ્રાપ્ત થયેલું અમૃત સૌને વહેંચી આપવા મદદ કરવા કહ્યું. એ સુંદરી સ્ત્રીએ એમની ભલામણ, વિજ્ઞપ્તિ અથવા પ્રાર્થનાનો એ શરતે સહર્ષ સ્વીકાર કર્યો કે પોતે ઉચિત અથવા અનુચિત જે કાંઇ કરે તેને એમણે કોઇ પણ પ્રકારના બડબડાટ કે વિક્ષેપ અથવા વિરોધ વગર ચલાવી લેવું. એ સૌ એની સાથે સંમત થયા એટલે એણે અમૃતને વહેંચી આપવાની તૈયારી બતાવી. દેવો અને દાનવો એની સૂચનાનુસાર જુદી જુદી પંક્તિમાં ભારે ઉત્સાહપૂર્વક છતાં શિસ્તબદ્ધ રીતે બેસી ગયા.

મોહિની હાથમાં અમૃતનો કળશ લઇને પોતાના વિશ્વવિમોહન ત્રિભુવનસુંદર સ્વરૂપ સાથે સૌનાં મનને વિમોહિત કરતી અને સૌના અંતરમાં ભારે ઉત્સુકતા ભરતી સભામંડપમાં આવી પહોંચી. એણે વિચાર્યું કે જન્મથી જ દૂષિત સ્વભાવવાળા દાનવોને અમૃતપાન કરાવીને યાવચ્ચંદ્રદિવાકરૌ અમર બનાવવાનું કાર્ય લેશ પણ અભિનંદનીય નહિ મનાય. દાનવો જો ભૂલેચૂકે પણ અમર બનશે તો અવનીને માટે અત્યારે છે એનાં કરતાં પણ વધારે અને કાયમને માટે ખૂબ જ આતંકરૂપ થઇ પડશે. આ જગત પછીથી જરા પણ જીવવા જેવું નહિ રહે. એથી ઉલટું દેવો જો અમૃતનું પાન કરીને અમૃતમય બનશે તો અવનીને માટે એટલા આંતકરૂપ નહિ થઇ શકે. એમને લીધે એક અથવા બીજી રીતે સૌને મદદ જ મળી રહેશે. એવા વિચારથી પ્રેરાઇને એણે દાનવોને કેવળ હાવભાવથી જ ખુશ કર્યા અને અમૃતપાનથી વંચિત રાખીને એ અમૃત એના અધિકારી દેવોને પાઇ દીધું. વૃદ્ધાવસ્થા, વ્યાધિ તથા મૃત્યુનો નાશ કરનારા એ અમૃતનું પાન કરીને દેવોની પ્રસન્નતાનો તથા કૃતકૃત્યતાનો પાર ના રહ્યો. એમની મનોકામના પરમાત્માની પરમકૃપાથી એવી રીતે પૂરી થઇ.

દાનવોએ જોયું કે એ સુંદરી એમને અમૃતથી વંચિત કરી રહી છે તો પણ પ્રથમથી જ વચનબદ્ધ હોવાથી એ શિસ્તને ખાતર શાંત રહ્યા. એ સુંદરી પ્રત્યે પાર વિનાનો પ્રેમ હોવાથી એના વિરોધમાં એમણે એક અક્ષર પણ ના ઉચ્ચાર્યો કે એને અપ્રિય લાગે એવી કોઇ વાત પણ ના કહી.

ભગવાન મોહિની સ્વરૂપમાં દાનવોને મોહિત કરીને દેવોને અમૃતપાન કરાવી રહેલા ત્યારે એક અમંગલ પ્રસંગ બન્યો. એ વખતે રાહુ નામનો દાનવ અમૃતપાનની આકાંક્ષાથી દેવોનો વેશ ધારણ કરીને દેવોની વચ્ચે બેસી ગયો. દેવોની સાથે એણે પણ અમૃતપાન કરી લીધું. પરંતુ એ અમૃતપાન એને ભારે પડ્યું. સૂર્યે તથા ચંદ્રે એના ગુપ્ત રહસ્યને સૌની આગળ જાહેર કરી દીધું. પછી તો બાકી શું રહે ? એનું જે પરિણામ આવવું જોઇતું હતું તે તરત જ આવી ગયું. ભગવાને સુદર્શનચક્રની સુતીક્ષ્ણ ધારની મદદથી એના મસ્તકને ઘડથી અલગ કરી દીધું. એનું ધડ અમૃતનો સંસ્પર્શ ના કરી શક્યું હોવાથી નીચે પડ્યું પરંતુ મસ્તક અમર બન્યું. પાછળથી એને ગ્રહ બનાવવામાં આવ્યો.

દેવોનું અમૃતપાન પૂરું થયું એટલે ભગવાને મોહિની સ્વરૂપનો પરિત્યાગ કર્યો.

દેવોએ અને દાનવોએ અમૃતને માટે સંયુક્ત રીતે પુરુષાર્થ કર્યો તો પણ દેવોને એની પ્રાપ્તિ થઇ અને દાનવોને ના થઇ એનું કારણ ? સંતશિરોમણિ શુકદેવે એના કારણનો નિર્દેશ કરતાં કહ્યું કે દેવો ભગવાન પ્રત્યે પ્રેમવાળા હતા ને દાનવો ભગવાનથી વિમુખ. દેવોએ શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને ભગવાનનો સાથ શોધેલો અને એમનું શરણ લીધેલું. એને લીધે જ એ સર્વપ્રકારની સફળતા મેળવીને જીવનને સફળમનોરથ કરી શક્યા. શુકદેવજીના એ શબ્દોનો સાર એ છે કે પરમાત્માની સાથે સંબંધ બાંધવાથી ને એમનું શ્રદ્ધાભક્તિપૂર્વક શરણ લેવાથી જ માનવ સફળમનોરથ થઇ શકે છે. એમનું શરણ લેનાર અમૃતમય બને છે. એ શરણ સર્વ પ્રકારની સુખાકારી, શાંતિ, સમુન્નતિ અને મુક્તિ, પૂર્ણતા તથા કૃતકૃત્યતાનું મૂળ છે.

દેવોને અમૃતપાન કરાવીને ભગવાન સમુદ્રમંથનના સ્થળ પરથી વિદાય તો થયા પરંતુ દાનવો એવી રીતે દેવોને થયેલા અસાધારણ લાભને જોઇ ના શક્યા એટલે પોતાના શસ્ત્રાસ્ત્રો સાથે દેવો પર તૂટી પડ્યા. એમને પોતાની ઉપર તૂટી પડેલા જોઇને દેવોએ પણ નાછૂટકે એમનો સશસ્ત્ર સામનો કર્યો. એ રીતે દેવાસુર સંગ્રામનો અચાનક આરંભ થયો. એમાં ભારે હાનિ થઇ. છેવટે દેવર્ષિ નારદે દેવોને યુક્તિપ્રયુક્તિપૂર્વક સમજાવીને એ ઘોર સંગ્રામને શાંત કર્યો.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok