Text Size

09. નવમ સ્કંધ

સૌભરિ ઋષિનો સંમોહ

આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં આધ્યાત્મિક અભિરુચિથી પ્રેરાઇને કેટલાક લોકો આગળ વધે છે અને બાહ્ય ત્યાગનો આધાર લઇને ભાતભાતની તપશ્ચર્યા કરે છે. એમનામાંના કેટલાક લોકોમાં એક અથવા બીજી જાતની લૌકિક પારલૌકિક લાલસા કે વાસના રહી જતી હોવાથી અનુકૂળ સંજોગો મળતાં એ લાલસા કે વાસના વધે છે, બળવાન બને છે, ને જો ગાફેલ હોય છે તો એમને એના વિપરીત વિઘાતક વમળમાં ઘસડી જાય છે. એટલા માટે જ સાધકે મનને બને તેટલું નિર્મળ કરવાની અને એમાં રહેલી વિષયોની રસવૃત્તિને દૂર કરવાની આવશ્યકતા છે. વિષયોની સ્થૂળ કે સૂક્ષ્મ રસવૃત્તિ જ સંગપ્રસંગે પાંગરે છે ને ત્યાગની સંયમી સરિતાના સઘળા તટને તોડી નાંખે છે. પછી સાધના પણ સુચારુરુપે નથી થઇ શક્તી. સંગદોષમાં પડીને સાધક પોતાના અમૂલખ આત્મિક ધનને ખોઇ નાખે છે.

છતાં પણ મોટા ભાગના સાધકો એવી પરિસ્થિતિમાં શ્વાસ લે છે. પ્રાચીન કાળમાં પણ એવા સાધકો નહોતા એવું નથી સમજવાનું. પ્રાચીન કે અર્વાચીન કાળમાં માનવીની માનસિક સમસ્યાઓ તો લગભગ સરખી જ છે, એમાં બહુ ફેર નથી પડ્યો. ભાગવત સૌભરિ ઋષિના જીવનકથાનક દ્વારા માનવમનની એવી સનાતન સમસ્યાને રજૂ કરે છે. એ જીવનકથાનક રસપ્રદ તથા પ્રેરણાત્મક છે.

સૌભરિ પરમતપસ્વી ને ત્યાગી હતા. એ યમુનાના નિર્મળ નીરમાં પોતાની વિશિષ્ટ રીતે તપ કરી રહેલા. એમણે નદીમાં માછલીઓને ક્રીડા કરતી જોઇ. એક તપસ્વી માટે એવું ક્રીડાદૃશ્ય કાંઇ મહત્વનું ના મનાય અને એને અવલોકીને એને વિકાર તો શું, વિકારનો વિચાર સરખો ના થાય, પરંતુ સૌભરિના મન પર એની અસર ઘણી પ્રબળ પડી. કોના ચિત્તતંત્ર પર કયા દૃશ્યની અસર કેવી પડશે તે તો કેવી રીતે કહી શકાય ? એકને એક દૃશ્ય નિર્દોષ લાગે ને બીજાને દોષયુક્ત. એકને શાંતિદાયક તો બીજાને અશાંતિકારક. એકને નિર્વિકાર તો બીજાને વિકારવાળું. માછલીઓની ક્રીડાનું દૃશ્ય એકદમ નગણ્ય ને નાનું હોવાં છતાં એને દેખીને સૌભરિને સંમોહ થયો. એમની સુષુપ્ત ભોગભાવના જાગી ઊઠી અને એમને બેચેન બનાવવા લાગી. એમને લગ્નજીવનનો આનંદ અનુભવવાની ઇચ્છા થઇ.

એ ઇચ્છાથી પ્રેરાઇને એ તો પહોંચ્યા મહારાજા માંધાતા પાસે. ત્યાં પહોંચીને એમણે એમની પચાસ કન્યાઓમાંથી એક કન્યાની માગણી કરી. માંધાતાએ જણાવ્યું કે મારી કોઇ કન્યા તમને સ્વયંવરમાં પસંદ કરે તો તેની સાથે તમે લગ્નજીવન જીવી શકો છો.

સૌભરિ ઋષિ રાજાના વ્યંગને સમજી ગયા. એ વૃદ્ધાવસ્થાએ પહોંચી ચુકેલા. એમનું યૌવન નષ્ટ થયેલું. શરીર ગળી ગયેલું, વાળ સફેદ થયેલા, દાંત તૂટી પડેલા અને અંગો તદ્દન શિથિલ થઇ ગયેલાં. એમને થયું કે મારા જેવા વૃદ્ધને કોણ પસંદ કરે ? છતાં પણ એ હિંમત હાર્યા વિના પોતાના સંકલ્પને વળગી રહ્યા. એમણે એમના સમસ્ત શરીરને તપોબળથી નવયૌવનવાળું બનાવી દીધું.

માનવ શરીરને નવયૌવનવાળું બનાવી શકે છે પરંતુ એટલી સહેલાઇથી, એટલા તપોબળ પછી પણ મનને વિકારરહિત કે નિર્મળ નથી કરી શક્તો એ કેટલું બધું કરુણ તથા દુઃખદ છે ? એવી તપશ્ચર્યા, સાધના અથવા આરાધના કલ્યાણકારક ક્યાંથી થાય ? મુખ્ય મહત્વની વસ્તુ મનને બદલવાની છે. એના સિવાય શાંતિ નથી સાંપડી શક્તી.

સૌભરિના સુંદર સ્વરૂપને નિહાળીને મહારાજા માંધાતાની બધી જ કન્યાઓ એમના પર મોહાઇ ગઇ. સૌએ એમને પતિ તરીકે પસંદ કર્યા. એમણે એ કન્યાઓ સાથે લગ્ન કર્યું.

પછી તો એ એમની અંદર એટલા બધા આસક્ત થઇ ગયા ને ભાન ભૂલી ગયા કે વાત નહિ. તપશ્ચર્યાની વાત તો તદ્દન વિસરાઇ જ ગઇ. વિષયોના ઘોડાપુરમાં એ સંપૂર્ણ સંમોહિત બનીને તણાવા લાગ્યા. ભોગવિલાસની વિવિધ સામગ્રીમાં સ્વર્ગસુખ સમજતા એ પોતાના જીવનના બહુમૂલ્ય દેવદુર્લભ દિવસોને પાણીના રેલાની પેઠે પસાર કરવા લાગ્યા. પરંતુ વરસો સુધી વિષયોનું સેવન કરવાથી પણ એમને સંતોષ ના થયો ત્યારે એક ધન્ય દિવસે એમને એમની ભૂલ સમજાઇ ગઇ. એમને થયું કે હું મહાન તપસ્વી તથા બ્રહ્મતેજથી સંપન્ન હોવાં છતાં જલમાં ક્રીડા કરતી માછલીઓને નિહાળીને મોહિત બન્યો ને ભાન ભૂલ્યો એ કેટલું બધું દુઃખદ છે ! જે મોક્ષ મેળવવાનો મનોરથ કરતો હોય તેવા માનવે ભોગાસક્ત જીવોનો સંગ છોડી દેવો, ઇન્દ્રિયોને તેમ જ મનને એક પળ માટે પણ બહિર્મુખ ના થવા દેવું, ચિત્તને એકાંતમાં રહીને અનંત ઇશ્વરમાં જ જોડી દેવું, અને સંગ કરવો જ હોય તો પ્રસંગોપાત સત્પુરુષોનો કે ભક્તોનો જ કરવાનું ધ્યાન રાખવું.

*

સૌભરિનું સદ્દભાગ્ય ઊઘડી ગયું. એમને દૈવી દૃષ્ટિની પ્રાપ્તિ થઇ. એમને વિષયોમાંથી વિરક્તિ થવાથી એ ફરી પાછા વનમાં ગયા. સ્ત્રીઓ પણ એમની સાથે ચાલી નીકળી. ત્યાં સૌભરિએ ઘોર તપશ્ચર્યા કરીને છેવટે પરમાત્મામાં વિલીન થઇને પરમગતિની પ્રાપ્તિ કરી. સ્ત્રીઓ એમની પાછળ સતી બની.

એ અંતિમ ઉલ્લેખ પરથી પુરવાર થાય છે કે એ જમાનામાં સતીની પ્રથા પ્રચલિત હતી. હવે તો સ્ત્રીઓમાં જુદી જ જાતની જાગૃતિ આવી છે અને એ પ્રથા બંધ થઇ છે. સ્ત્રીઓ સમજે છે કે મૃત્યુ નિશ્ચિત છે અને એના સંબંધમાં કોઇનું અનુસરણ કરવાનું કલ્યાણકારક નથી. પ્રેમ મરવામાં નથી પરંતુ પતિની પાછળ જીવિત રહીને પતિપ્રેમને અક્ષય રાખવામાં ને પતિની ઇચ્છા પ્રમાણે ચાલવામાં છે. એમાં ઓછું મનોબળ નથી જોઇતું. એ મનોબળ સ્તુત્ય અથવા આવકારદાયક અને અનુકરણીય છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok