Saturday, August 08, 2020

09. નવમ સ્કંધ

ગંગાવતરણ

સ્વનામધન્ય પરમાત્મપરાયણ પરમાત્મદર્શી પરમાત્માના કૃપાપાત્ર સંતપુરુષોની અવજ્ઞાનું પરિણામ કેટલું બધું અશુભ, પીડાજનક, ક્લેશકારક અને વિનાશક આવે છે એનું વર્ણન ભાગવતમાં અવારનવાર કરવામાં આવ્યું છે.

નવમા સ્કંધના આઠમા અધ્યાયમાં પણ એવા અમંગલ પરિણામનો નિર્દેશ કરીને ભાગવત સૂચવે છે કે સંતોનું સદાય સન્માન કરવું, બને તો એમની સંગતિ તેમજ સેવા કરવી, અને એમને સન્માની ના શકાય અથવા એમની સંગતિ કે સેવા ના થાય તો એમની ઉપેક્ષા કે નિંદા તો કદી પણ ના કરવી અને એમની સાથે કોઇ પ્રકારનો દુર્વ્યવહાર પણ ના કરવો. જ્યારે જ્યારે એ અગત્યના આદેશને ભૂલી જવામાં આવે છે ત્યારે ત્યારે વ્યક્તિની તથા સમગ્ર સૃષ્ટિની દશા ખૂબ જ દયનીય ને દુઃખી થઇ જાય છે. મહારાજા સગરના પુત્રોના સંબંધમાં પણ એવું જ બન્યું.

મહારાજા સગરે ઔર્વ ઋષિના આદેશાનુસાર અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એ વખતે છોડવામાં આવેલો યજ્ઞનો ઘોડો ઇન્દ્રે ચોરી લીધો. સગરના પુત્રોએ એ ઘોડાની શોધ કરવા માંડી. છેવટે એ ઘોડો એમને મહર્ષિ કપિલની પાસે બાંધેલો દેખાયો. કપિલ મુનિ એ વખતે આત્મલીન અવસ્થામાં ધ્યાનસ્થ બનીને બેઠેલા હોવા છતાં એમને ચોર માનીને એ બધાએ ના કહેવા જેવાં વચનો કહ્યાં અને મારવાની તૈયારી કરી.

સાંખ્યશાસ્ત્ર પ્રણેતા મહર્ષિ કપિલે શાંતિથી આંખ ઉઘાડી. એમને તો માનપમાન જેવું કશું હતું જ નહિ. એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિના પાશમાંથી મુક્ત, પૂર્ણ, નિર્વિકાર અને પ્રશાંત હતા. પરંતુ એમનો તિરસ્કાર કરવાથી શસ્ત્રો સાથે મહર્ષિને મારવા માટે તૈયાર થયેલા સગરના પુત્રોના-ભાગવત એમની સંખ્યા સાઠ હજારની કહી બતાવે છે-શરીરમાં અગ્નિની ઘોર જ્વાળા સળગી ઊઠી અને એની અસર નીચે આવીને જોતજોતામાં તો સૌ ભસ્મિભૂત બની ગયા. એમના એ કર્મની પ્રતિક્રિયા એવી પ્રબળ અને પ્રતિકૂળ પડી. એ પ્રતિક્રિયા સહજ હતી.

મહારાજા સગરની બીજી પત્ની કેશિનીનો અસમંજસ નામે પુત્ર હતો અને એનો પુત્ર અંશુમાન, સગરની સૂચનાનુસાર એ યજ્ઞના ઘોડાને શોધવા નીકળ્યો અને આખરે મહર્ષિ કપિલની પાસે આવી પહોંચ્યો. અંશુમાને મહર્ષિ કપિલને પ્રસન્ન કરવાના શુભ હેતુથી પ્રેરાઇને એમની સ્તુતિ કરી એટલે એથી પ્રસન્ન થઇને એમણે યજ્ઞના ઘોડાને લઇ જવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે તારા ભસ્મિભૂત બનેલા પિતૃઓનું પરિત્રાણ ગંગાજળના સુધામય સ્પર્શ સિવાયના બીજા એકે ઉપાયથી નહિ થઇ શકે.

અંશુમાન એમની પરિક્રમા કરીને એ ઘોડાને લઇને ચાલી નીકળ્યો. ઘોડો આવી ગયો એટલે સગર રાજાએ શેષ રહેલી યજ્ઞક્રિયાને પૂરી કરી. એ પછી અંશુમાનને રાજ્યની ધુરા સુપ્રત કરીને એણે નિવૃત્ત પરમાત્માપરાયણ  જીવન જીવવા માંડ્યું.

એવી રીતે સૌથી પ્રથમ ગંગાવતરણનું બીજ નંખાયું.

*

અંશુમાને ગંગાને લાવવાની કામનાથી વરસો સુધી એકધારી ઘોર તપશ્ચર્યા કરી તો પણ એને ધારેલી સફળતા ના મળી. એના પુત્ર દિલીપે પણ એવી જ તપશ્ચર્યા કરી પરંતુ એ પણ નિષ્ફળ ગઇ. એ પછી દિલીપના પરમપ્રતાપી પુત્ર ભગીરથનો વારો આવ્યો. એની તીવ્ર તાલાવેલીપૂર્વકની તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને કહે છે કે ગંગાએ એને દર્શન આપ્યું ને વરદાન માગવા કહ્યું ત્યારે ભગીરથે એને મૃત્યુલોકમાં પ્રવેશવાની પ્રાર્થના કરી. ગંગાએ એની પ્રાર્થનાનો સ્વીકાર કરતાં બે મહત્વની મુશ્કેલીઓનો નિર્દેશ કર્યો. પહેલી મુશ્કેલી તો એ કે સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક પર ભયંકર વેગથી પડનારી ગંગાના પ્રવાહને ઝીલે કોણ ?

જો એની ધારાને કોઇ ઝીલે જ નહિ તો પૃથ્વીતલને તોડીને એ રસાતલમાં ચાલી જાય. બીજી મુશ્કેલ જરાક જુદી ને પૃથ્વી પર પ્રવેશ્યા પછીની હતી. પૃથ્વી પર પ્રવેશ્યા પછી પાપી લોકો ગંગામાં પોતાના પાપનું પરિમાર્જન કરે તો ગંગા એ બધા પાપ ભંડારને ક્યાં ધોવે ?

ભગીરથે એ બંને પ્રકારની મુશ્કેલીઓનો માર્ગ શોધી કાઢ્યો. એણે જણાવ્યું કે તારા પ્રબળ પ્રવાહના ભયંકર વેગને ભગવાન શંકર જરૂર ઝીલી લેશે. એમનું તો સમસ્ત જીવન લોકહિતની ઉદાત્ત ભાવનાથી ભરેલું છે. એ આપણા અલૌકિક કલ્યાણકાર્યમાં જરૂર સહયોગ આપશે. અને તું તો સ્વભાવથી જ શુદ્ધ હોવાથી ગમે તેટલા પાપીઓ તારા પવિત્ર પ્રવાહમાં સ્નાન કરશે તો પણ તને સહેજ પણ અશુદ્ધ નહિ બનાવી શકે. એમની ઉપર તારો પ્રભાવ પડશે ખરો પરંતુ તારા પર એમનો પ્રભાવ લેશ પણ નહિ પડે. અગ્નિને કદી ઊધઇ લાગે છે ? સૂર્યને અંધકાર સતાવે છે ? અમૃતને વિષની વિપરીત અસર પહોંચવાની આશંકા છે ? અને મહામણિને મેલ લાગી શકે છે ખરો ? છતાં પણ માનવાને માટે માની લઇએ કે તારા પવિત્ર પુણ્ય પ્રવાહ પર પાપીઓના સ્નાનનો પ્રભાવ પડશે તો શું મન-વચન-કર્મથી પવિત્ર, વીતરાગ, પરમાત્મપરાયણ, સંતપુરુષોના સ્નાનનો સુપ્રભાવ પણ નહિ પડે ? એમનો પ્રભાવ પેલા પાપીના પ્રતિકૂળ પ્રભાવ કરતાં અનેક ઘણો અસાધારણ અને ઉત્તમ હશે. એટલે સરવાળે કશું નુકશાન નહિ થાય.

ભગીરથે તપશ્ચર્યા દ્વારા ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. લોકાનુરાગી લોકહિતૈષી ભગવાન શંકર સહેલાઇથી સ્મિતપૂર્વક કલ્યાણકાર્યને માટે તૈયાર થયા. એમણે ગંગાના પ્રબળ વેગયુક્ત પ્રવાહને પોતાની જટાની મદદથી ઝીલી લીધો. એ પછી ભગીરથ ગંગાના પુણ્યપ્રવાહને ભસ્મિભૂત થયેલા પિતૃઓના અવશેષો પાસે લઇ ગયો. એ સ્થળ સુપ્રસિદ્ધ ગંગાસાગરનું સ્થળ હતું. સગરના પુત્રોની એવી રીતે સદ્દગતિ થઇ એ તો સાચું પરંતુ સંસારને - આ પાર્થિવ પૃથ્વીને એક સર્વોત્તમ જળપ્રવાહની ભેટ મળી. એ મહામૂલ્યવાન ભેટથી જનતાનું કેટલું બધું અને કેટલી બધી રીતે કલ્યાણ થયું ? એના દર્શન, આચમન, સ્નાન અને એના તપઃપૂત પ્રશાંત પવિત્ર તટપ્રદેશ પરના નિવાસથી અથવા એના પર બંધ બાંધીને કરવામાં આવેલા એના સુસ્વાદુ સલિલના સદુપયોગથી કેટલાને સદ્દગતિ, શાંતિ તથા સમૃદ્ધિ સાંપડી એનો હિસાબ કોણ કાઢી શકે તેમ છે ? એનું તો માત્ર અનુમાન કરવાનું જ શેષ રહે છે. તો પણ એનો પ્રવાહ વિવિધ રીતે ઉપયોગી અને આશીર્વાદરૂપ થયો છે ને થઇ રહ્યો છે એમાં શંકા નથી. એનો સમજપૂર્વક સદુપયોગ કરવામાં આવે તો એ વ્યક્તિગત તથા સમષ્ટિગત રીતે સદ્દગતિ પ્રદાન કરે એ નિર્વિવાદ છે.

*

ભગીરથે કરેલા ગંગાવતરણની એ કથા ખરેખર રોચક છે. એ કથા ઠેરઠેર કહેવાય છે, ગવાય છે, અને આબાલવૃદ્ધ સૌ કોઇ એમાં પોતપોતાની રીતે રુચિ રાખે છે. એ કથાનો ભાવાર્થ દ્વિવિધ છે. જેમને દેવતાઓમાં શ્રદ્ધા છે તે તો ભગીરથે શ્રદ્ધા-ભક્તિયુક્ત તપશ્ચર્યા દ્વારા ગંગાને પ્રસન્ન કરીને પૃથ્વી પર પધારવા પ્રેરિત કરી એવું જ માને છે ને માનશે. એમને માટે એ ભાવાર્થ સ્પષ્ટ છે. પરંતુ એક બીજો વર્ગ અને શ્રદ્ધા-ભક્તિયુક્ત ભક્તોનો કે વિદ્વાનોનો વર્ગ પણ  છે જે એ કથાનો જરાક જુદો ભાવાર્થ તારવી બતાવે છે. એમનો એ ભાવાર્થ ઉપેક્ષા કરવા જેવો નથી લાગતો. એ વર્ગ કહે છે કે રાજા સગરના પુત્ર અંશુમાનના સમયથી સ્વર્ગમાં વહેતા ગંગાના પવિત્રતમ પ્રવાહને મૃત્યુલોકમાં કે પાર્થિવ પૃથ્વીમાં લાવવાનો જે મહાપ્રયત્ન થયેલો તે મહાપ્રયત્નની પાછળ ભારતની તત્કાલીન ઇજનેરી વિદ્યા જ કામ કરી રહેલી. અંશુમાન અને દિલીપને એ વિદ્યાપ્રયોગમાં સફળતા ના મળી પરંતુ ભગીરથ નિશ્ચયવાળો ભગીરથ એમાં સંપૂર્ણપણે સફળ થયો. ભગીરથ એ જમાનાનો એક અસાધારણ યોગ્યતાસંપન્ન ઇજનેર હતો. એણે ઇજનેરી વિદ્યાના સફળ પ્રયોગથી સ્વર્ગમાં વહેનારી સુરગંગાના પુનિત પ્રવાહ પર ભારે કુશળતાપૂર્વક બંધ બાંધ્યો. હિમાલયની કુદરતે કરેલી ઉત્તુંગ પર્વતમાળાઓને લીધે સુરસરીના એ પુણ્યપ્રવાહને પલટાવીને પાર્થિવ પૃથ્વી પર પહોંચવાનું કાર્ય સહેજ સરળ હતું તો પણ એમાં એક મોટી મુશ્કેલી હતી અને એ ભગવાન શંકરને પ્રસન્ન કરવાની. સ્વર્ગની સુરમ્ય પ્રદેશમાંથી ગંગાના પવિત્ર પ્રવાહને નીચે લાવવો હોય તો એ પ્રવાહ કૈલાસની પાસેના પ્રદેશમાંથી પસાર થાય એટલે એવા ઇજનેરી મહાકાર્યને માટે એ પ્રદેશના અધીશ્વર ભગવાન શંકરની સંમતિ પણ મેળવી લીધી એટલે એનું કાર્ય સહેલું થયું. લોકકલ્યાણની ઉદાત્ત ભાવનાવાળા શંકરે એવી સંમતિ આપી દીધી. બીજી મુશ્કેલી કાંઇ બહુ મોટી ન હતી. કેટલાક લોકો પ્રવાહને દૂષિત કરે તો કેટલાક વિભૂષિત પણ કરે. સંસારમાં એવો ક્રમ તો ચાલ્યા જ કરવાનો.

 

 

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok