Text Size

10. દસમ સ્કંધ

ઉદ્ધવની વ્રજયાત્રા

કૃષ્ણ તથા બલરામને મથુરાપુરીમાં સફળ મનોરથ લઇને પાછા આવેલા જોઇને મથુરાની પ્રજા પ્રસન્ન થઇ. કૃષ્ણે મથુરામાં પાછા ફરીને સૌથી પ્રથમ કાર્ય પોતાના પ્રિય મિત્ર તથા મંત્રી, બૃહસ્પતિ શિષ્ય પરમપ્રાજ્ઞ ઉદ્ધવને પોતાના પ્રતિનિધિ અથવા સંદેશાવાહક તરીકે વ્રજની પવિત્ર ભૂમિમાં નંદ, યશોદા તથા ગોપીઓને મળવા માટે મોકલવાનું કર્યું. એ એક પુણ્ય કાર્ય, કલ્યાણ કાર્ય હતું. એ કાર્યના અને એના પરિણામના પડછંદા સાહિત્યની સનાતન સૃષ્ટિમાં સારી પેઠે પડ્યા છે. ભગવાન કૃષ્ણનું એ કલ્યાણ કાર્ય કહી બતાવે છે કે એમનું હૃદય પ્રેમમય હોવાથી એ પોતાનાં પ્રિયજનોને નહોતા ભૂલી શક્યા ને ભૂલવા માગતા પણ નહોતા.

ગોપીઓ વ્રજમાં રહીને ભગવાન કૃષ્ણને ભૂલી શક્તી ન હતી. એ એમનું સતત સ્મરણ મનન-નિદિધ્યાસન કરતી અને પોતાના પ્રિયતમ અથવા પ્રાણ સમજતી. એ એમની વિરહવ્યથાને અનુભવતી ને કૃષ્ણના પુનરાગમનની પ્રતીક્ષા કરતી. ભગવાનને એની માહિતી હોવાથી જ એમણે ઉદ્ધવને એમની પાસે જવાની સૂચના કરી. ઉદ્ધવે એ સુચનાનુસાર વૃંદાવન તરફ પ્રયાણ કર્યું. સૂર્યાસ્ત સમયે એમણે વૃંદાવનની પવિત્ર ભૂમિમાં પ્રવેશ કર્યો.

નંદે એમનું સમયોચિત સ્નેહપૂર્વક સ્વાગત કર્યું, ને પૂછયું કે કૃષ્ણ અમને, ગોપગોપીઓને, ગાયોને અને એમની આ પ્રિય લીલાભૂમિને કદી યાદ કરે છે ખરા ? એ અમને ને સૌને મળવા માટે કોઇક વાર આવશે કે નહિ આવે ? એમણે અમારી અનેકવાર રક્ષા કરી છે. અમે એમને એક ક્ષણને માટે પણ નથી ભૂલી શક્તાં. વૃંદાવનની ભૂમિ એની એ જ છે, યમુના ને ગિરિરાજ ગોવર્ધન પણ એ જ છે, પરંતુ કૃષ્ણ નથી એટલે અમને સૂનું, જીવનમાં કશુંક મહત્વનું ખૂટતું લાગે છે. એમના દિવ્ય દર્શનનો દેવદુર્લભ લાભ હવે અમને મળશે ખરો ?

નંદની વાત મર્મભેદક હતી. એને રજૂ કરતાં એમની આંખ ભીની થઇને ટપકવા લાગી, એમનો કંઠ રુંધાઇ ગયો, અને એમનું અંતર અતિશય ભાવવિભોર બની ગયું. ઉદ્ધવ એમના કૃષ્ણ તથા બલરામ પ્રત્યેના પવિત્ર પ્રેમને પેખીને પ્રસન્ન થયા અને એમને અભિનંદન, આશ્વાસન તેમ જ જ્ઞાન આપવા લાગ્યા. એ જ્ઞાનનો સાર એ હતો કે ભગવાન કૃષ્ણ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મા છે અને એમના સિવાય બીજો કોઇ પણ પદાર્થ છે જ નહિ. સર્વરૂપે, સર્વત્ર ને સર્વ સમયે એ જ છે. એવી પ્રેમપૂર્ણ જ્ઞાનમિશ્રિત વાતચીત કરતાં આખી રાત્રી ક્યાં પસાર થઇ ગઇ એની એ બંનેમાંથી કોઇને ખબર જ ના પડી.

સવારે ગોપીકાઓએ નંદના નિવાસસ્થાનની બહાર ઉદ્ધવના સુંદર રથને નિહાળીને અક્રૂરના પુનરાગમનનું અનુમાન કર્યું; પરંતુ એટલામાં તે ઉદ્ધવનો અને એમનો મેળાપ થયો. એ મેળાપ મધુમય હતો કે કરુણરસથી ભરપુર એ તો કોઇ સિદ્ધહસ્ત કવિ અથવા અનુભવી જ કહી શકે પરંતુ એ શકવર્તી હતો એમાં સંદેહ નહિ. ઉદ્ધવે ગોપિકાઓના પ્રખર કૃષ્ણપ્રેમને નિહાળીને એમને અભિનંદન આપતાં જણાવ્યું કે તમારું જીવન અથવા શરીરધારણ સફળ છે. તમે સમસ્ત સૃષ્ટિને માટે પુજ્ય છો કારણ કે તમારું મન, હૃદય અથવા જીવન સર્વસ્વ કૃષ્ણને સમર્પિત થયેલું છે. મોટા મોટા મુનિઓને પણ દુર્લભ એવી ભગવદ્દભક્તિની તમને પ્રાપ્તિ થઇ છે. ભગવાન કૃષ્ણે મારી દ્વારા તમને સંદેશ મોકલ્યો છે કે ગોપિકાઓ, હું સૌનું ઉપાદાનકારણ હોવાથી સૌનો આત્મા છું. અને સૌમાં વ્યાપક છું એટલે આપણો વિયોગ કદાપિ થઇ શકે તેમ જ નથી. સમસ્ત સૃષ્ટિ મારામાં છે, હું એનામાં છું, અને એની દ્વારા એના રૂપમાં પ્રકટ થઉં છું. મારા સિવાય સંસારમાં બીજું કશું જ નથી. સરિતાઓ જેવી રીતે સમુદ્રમાં મળી જાય છે તેવી રીતે યોગાભ્યાસ, વેદપાઠ, આત્મજ્ઞાન, તપશ્ચર્યા, ત્યાગ, ઇન્દ્રિય સંયમ અને સત્યાદિ ધર્માચરણ છેવટે મારી પ્રાપ્તિ કરાવી દે છે. એમનું અંતિમ ફળ મારો સાક્ષાત્કાર છે. ગોપિકાઓ, હું તમારા જીવનનું સારસર્વસ્વ હોવા છતાં પણ તમારાથી દૂર રહું છું એનું કારણ એટલું જ છે કે તમે શરીરથી દૂર રહેવાં છતાં પણ મનથી મારા સાનિધ્યનો અનુભવ કરો અથવા મનને મારી પાસે રાખો. મનને મારામાં જોડીને મારું સતત સ્મરણ કરવાથી તમને મારી પ્રાપ્તિ થશે એમાં શંકા નથી. હું સદાને માટે તમારી પાસે છું ને તમને છોડીને ક્યાંય નથી જઇ શકવાનો.

ગોપીઓને એ સંદેશ સાંભળીને શાંતિ મળી. એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમણે પોતાના ભાવોને જુદી જુદી રીતે પ્રકટ કર્યા. એ ભાવો ખૂબ જ પ્રેમમય હતા. એમનું સમસ્ત જીવન કૃષ્ણમય બની ગયેલું. કૃષ્ણના જ ચિંતન, મનન, નિદિધ્યાસન તથા ભાવજગતના દૈવી દર્શનથી છવાઇ ગયેલું. કૃષ્ણ વિના એમના જીવનમાં કોઇ રસ નહોતો, સાર નહોતો, આનંદ નહોતો. એ કૃષ્ણમય બનીને શ્વાસ લેતી. વિશ્વના વિશાળ વૃંદાવનમાં વસીને પ્રત્યેક જીવે પરમાત્માના પવિત્ર પ્રેમની પ્રતિમા બનીને કેવી રીતે જીવવાનું છે એ એમના જીવન પરથી સહેલાઇથી ને સ્પષ્ટ રીતે જણાતું. એ ગોપીઓને ધન્યવાદ ઘટે છે. ઉદ્ધવને એમના પવિત્ર પ્રેમપૂર્ણ આદર્શ જ્યોતિર્મય જીવનમાંથી ઘણું ઘણું જાણવાનું મળ્યું. એ આવેલા એમને આત્મજ્ઞાનનો અમૂલખ સંદેશ આપવા પરંતુ એમના ભક્ત કે પ્રશંસક બની ગયા. એમને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવા લાગ્યા. ગોપીઓને ભગવાનના સ્વરૂપનું કે રહસ્યનું પૂરેપૂરું જ્ઞાન ના હોવા છતાં ભગવાનને ભજવાથી ધન્યતાની પ્રાપ્તિ થઇ એ બતાવે છે કે ભગવાનની કૃપાને મેળવવા માટે મૂળભૂત આવશ્યકતા એમને માટેના પવિત્રતમ પ્રેમની છે. અમૃતનો જ્ઞાત અથવા અજ્ઞાત અવસ્થામાં આસ્વાદ પામનાર અમર બને છે તેમ ભગવાનનું શરણ સદા સુખશાંતિ આપે છે અને આશીર્વાદરૂપ ઠરે છે. ઉદ્ધવને થયું કે હું વૃંદાવનમાં વૃક્ષ લતા અથવા ઔષધિ કે વનરાજિ બની જઉં તો ગોપિકાઓની ચરણરજ મેળવી શકું. એથી અધિક સુંદર સૌભાગ્ય બીજું કયું હોઇ શકે ? એમની પવિત્ર પદરજને પુનઃપુનઃ પ્રણામ કરું છું - મસ્તક પર ચઢાવું છું.

*

ઉદ્ધવે વૃંદાવનની ભક્તિરસભરપુર પવિત્ર ભૂમિમાં ભક્તિભાવમાં ડુબીને મહિનાઓ સુધી વાસ કર્યો ને પછી એ પુણ્યપ્રદેશની વિદાય લીધી. એ વખતે નંદાદિ ગોપીઓએ એમને ભેટની સામગ્રી સમર્પીને આંખમાં અશ્રુ સાથે કહ્યું કે ‘અમારી આકાંક્ષા એટલી જ છે કે અમારા મનની વૃત્તિ અને અમારો પ્રત્યેક વિચાર કૃષ્ણના ચારુ ચરણકમળનું અનુસંધાન સાધ્યા કરે. એમની દ્વારા એમની જ સેવા થયા કરે. અમારી વાણી સદા એમના જ મધુમય મંગલ નામોને ઉચ્ચારતી રહે અને કાયા એમને જ પ્રણામ, એમનું જ આજ્ઞાપાલન અને એમની જ સેવા કર્યા કરે. અમે મોક્ષ નથી ઇચ્છતા. અમારાં કર્મોને અનુસરીને જે યોનિમાં પણ જન્મીએ તે યોનિમાં વિશુદ્ધ જીવન જીવીએ, દાન કરીએ, અને એના ફળરૂપે ભગવાન કૃષ્ણ પ્રત્યેની પ્રીતિને વધારતા રહીએ.’

*

ભગવાન કૃષ્ણે પોતાના વચનાનુસાર કુબ્જાની અને અક્રૂરની સેવા સ્વીકારીને એમને શાંતિ આપી. એ પછી એમણે પાંડવોની સાચી પરિસ્થિતિથી પરિચિત થવા માટે અક્રૂરને હસ્તિનાપુર મોકલ્યા.

અક્રૂરે હસ્તિનાપુરમાં પહોંચીને સૌને મળીને સઘળી પરિસ્થિતિને જાણી લીધી. ત્યાં કૃષ્ણને ઇશ્વરતુલ્ય માનનારી કુંતીનો પણ મેળાપ થયો. કુંતીએ કૃષ્ણને ક્રંદન કરીને પ્રાર્થતાં દુઃખની સમસ્ત કથની કહી બતાવીને કૃષ્ણની મદદની માગણી કરી. એ કરુણાતિકરુણ પીડાજનક પ્રસંગથી અક્રૂરનું દિલ દ્રવી ગયું. એમણે અને વિદુરે એને આશ્વાસન આપ્યું.

અક્રૂરે હસ્તિનાપુરને છોડતાં પહેલાં ધૃતરાષ્ટ્રને પણ ધર્મપૂર્વક રાજ્ય ચલાવવાનો ને પાંડવોની સાથે ન્યાયોચિત વ્યવહાર કરવાનો સંદેશ આપ્યો, પરંતુ પુત્રોને માટેની મમતા તથા સ્વાર્થબુદ્ધિને લીધે એમને એ સંદેશ અનુકરણીય ના લાગ્યો. એમણે પોતે કબુલ કર્યું ને કહ્યું કે સ્ફટિક પર્વતના શિખર પર ચપલા ચમકે ને તરત જ અદૃશ્ય થઇ જાય એવી જ સ્થિતિ તમારા ઉપદેશોની છે. એનું કશું પરિણામ નહિ આવે.

અક્રૂરે મથુરાપુરીમાં પહોંચીને એ બધા સમાચાર કૃષ્ણને કહી સંભળાવ્યા.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok