10. દસમ સ્કંધ

દ્વારકાપુરીની રચના

ભાગવતના દસમા સ્કંધના ઉત્તરાર્ધમાં ભગવાન કૃષ્ણના જીવનની બીજી આગળની લીલાઓનો સમાવેશ થાય છે. એ લીલાઓ એમના રાજનીતિજ્ઞ તરીકેના સ્વરૂપને રજૂ કરે છે. એ વખતના કેટલાક રાજાઓના સ્વભાવો કેવા વિકૃત હતા અને એ સમાજને માટે કેવા આતંકરૂપ હતા એનો ખ્યાલ એના પરથી સહેજે આવી રહે છે. એમના આતંક અથવા અત્યાચારમાંથી તત્કાલીન સમાજને છોડાવવા અને શાંતિ આપવા માટે એમણે એમનાથી બનતા બધા જ પ્રયત્નો કરી જોયા. એ પ્રયત્નોનો ઉજ્જવળ ઇતિહાસ આ સ્કંધના ઉત્તરાર્ધમાં શરૂ થાય છે. એ ઇતિહાસ ધાર્યા કરતાં ઘણો પ્રેરક અને રોચક છે.

ભગવાન કૃષ્ણે કંસનો નાશ કર્યો પરંતુ એના નાશથી દુઃખી થયેલી એની બે સ્ત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતા મગધરાજ જરાસંધની પાસે જઇ પહોંચી. એમણે જરાસંઘને સઘળી હકીકત કહી સંભળાવી. એ સાંભળીને જરાસંઘને શોક તો થયો જ પરંતુ સાથે સાથે એનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એણે પૃથ્વી પરથી સઘળા યદુવંશીયોનો નાશ કરવા માટે નિશ્ચય કરીને યુદ્ધની તૈયારી કરી, અને પોતાની વિશાળ સેના સાથે મથુરાનગરીને ઘેરી લીધી. મથુરાના પ્રજાજનો એથી ખૂબ જ ભયભીત બની ગયા.

ભગવાન કૃષ્ણ સમસ્ત પરિસ્થિતિને સમજી ગયા. એમણે વિચાર્યું કે જરાસંઘ જો જીવતો રહેશે તો આવી રીતે જુદા જુદા રાજાઓની વિશાળ સેનાને એકઠી કરીને લડવા આવશે અને એવી રીતે એ સેનાનો સંહાર કરવાનો અવસર ઊભો થશે. એટલા માટે એમણે એને થોડાક સમય સુધી જીવતો રાખવાનો નિર્ણય કર્યો.

જરાસંઘનો સામનો કરવા માટે કૃષ્ણ તથા બળરામ બંને પોતપોતાનાં શસ્ત્રાસ્ત્રો સાથે રથમાં વિરાજીને સાધારણ સેના સાથે ચાલી નીકળ્યા. કૃષ્ણે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. એનો ભયંકર અવાજ સાંભળીને શત્રુસેના ભયભીત બની ગઇ. છતાં પણ એના સૈનિકોએ યુદ્ધ કરવાનો આરંભ કર્યો. કૃષ્ણ ને બળરામના સૈનિકો પણ એમને વળતો જવાબ આપવા લાગ્યા.

જરાસંઘની બળવાન, વિશાળ, શસ્ત્રસજ્જ સેનાનો કૃષ્ણ તથા બળરામે થોડા જ વખતમાં નાશ કરી નાખ્યો. જરાસંઘનો રથ પણ તૂટી ગયો. એના શરીરમાં કેવળ પ્રાણ બાકી રહ્યો. એ વખતે બળરામે એને પકડી લીધો. જરાસંઘની દશા ખૂબ જ કરુણ અથવા દયાજનક બની ગઇ. એનું જીવન હવે ભગવાન કૃષ્ણના ને બળરામના હાથમાં હતું. કૃષ્ણે બળરામને કહીને એને એટલા માટે મુક્ત કરાવ્યો કે મુક્ત થઇને એ વળી પાછો વધારે ને વધારે સેના લાવે અને એ સેનાનો નાશ કરવાનો અવસર આપે.

જરાસંઘ એવી રીતે મુક્તિ મેળવીને ખૂબ જ દુઃખી થયો. એણે યુદ્ધને માટે શક્તિ મેળવવા તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો, પરંતુ એના સાથી રાજાઓએ એને તપશ્ચર્યા કરતાં રોકીને યુદ્ધ કરવાની પુનઃ પ્રેરણા પૂરી પાડી. એ ઉદાસ ચિત્તે મગધ જવા ચાલી નીકળ્યો. એની સેનાનો સંહાર થવાથી મથુરાવાસીઓ અતિશય આનંદમાં આવી ગયા. એમણે ચિંતા તથા ભયરહિત બનીને ભગવાન કૃષ્ણ તેમ જ બળરામનું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું. રણભૂમિમાંથી સાંપડેલી સંપત્તિ તથા બીજી સામગ્રી ભગવાન કૃષ્ણે મહારાજા ઉગ્રસેનને અર્પણ કરી.

જરાસંઘના હૃદયમાં રહેલો વિદ્વેષનો વહ્નિ પરાજયની પ્રાપ્તિ છતાં સહેજ પણ ના શમ્યો. વખતના વીતવા સાથે એ વધતો જ ગયો. એથી પ્રેરાઇને એણે મથુરા પર એવી જ બીજી વિશાળ સાગર સમાન સેના લઇને સત્તરવાર આક્રમણ કર્યું. એ સઘળીવાર ભગવાન કૃષ્ણ તથા બળરામની કૃપાથી યાદવોએ એની સેનાનો સંહાર કરીને એને અવજ્ઞાપૂર્વક જવા દીધો. હાથમાં સપડાયેલા શત્રુને એવી રીતે સહીસલામત જવા દેવાનું કાર્ય કેટલીકવાર સાપને દૂધ પાવા બરાબર હાનિકારક થઇ પડે છે. જરાસંઘના સંબંધમાં પણ એવું જ થયું. એણે મથુરાપુરી પર અઢારમીવાર આક્રમણ કરવાની તૈયારી કરી. એ જ વખતે કાળયવન પણ પોતાની વિરાટ સેના સાથે મથુરાપુરી પર ચઢી આવ્યો. કાળયવન સાથે લડવાનું સહેલું ન હતું. એના જેવો મહાબળવાન યોદ્ધા જગતમાં બીજો મળવો મુશ્કેલ હતો. એના આકસ્મિક આક્રમણનો ને જરાસંઘના સમીપવર્તી સંગ્રામની શક્યતાનો વિચાર કરીને કૃષ્ણે બળરામની સંમતિથી એક યોજના ઘડી કાઢી. એમણે યાદવોની કાયમી સલામતી અથવા સુરક્ષા માટે એક કિલ્લો તૈયાર કરાવ્યો અને એની સાથે સાથે સમુદ્રના અંતર્ભાગમાં એક સુંદર નગરનું નિર્માણ કરાવ્યું. એ નગર અતિશય આકર્ષક, આહલાદક અને અદ્દભૂત હતું. એનું નામ દ્વારકા પાડવામાં આવ્યું. શિલ્પકળાની દૃષ્ટિએ એ સર્વશ્રેષ્ઠ હતું. એના મહેલો સોનાના અને એમની ઉપરના કળશો પણ સોનાના હતા. કૃષ્ણે પોતાની પ્રબળ યોગશક્તિ દ્વારા સ્વજનોને ને સ્નેહીજનોને ત્યાં પહોંચાડી દીધાં અને મથુરાવાસીઓની રક્ષાનો ભાર બળરામને સોંપીને એમની અનુમતિથી કંઠમાં કમળમાળા ધારીને શસ્ત્રાસ્ત્ર સિવાય જ મથુરાપુરીના મુખ્ય પ્રવેશદ્વારથી બહાર નીકળ્યા.

એવી રીતે એકદમ અજ્ઞાત રીતે બહાર નીકળવા પાછળ એમની સુનિશ્ચિત યોજના જ કામ કરી રહેલી. એમના સાધારણ અથવા અસાધારણ પ્રત્યેક કાર્યની પાછળ સુવ્યવસ્થિત યોજના રહેતી. મથુરાની બહાર નીકળવાનું એ કાર્ય પણ રહસ્યમય હોવા છતાં વિવેકયુક્ત હતું. મથુરાની પ્રજાના વિશાળ હિતને લક્ષમાં લઇને જ એમણે એવું કાર્ય કરી બતાવેલું. એ ખરેખર એક મહાન નટવર હતા.

કાળયવને એમનાં સુંદર સ્વરૂપ પરથી નિશ્ચય કર્યો કે આ કૃષ્ણ જ છે. એમને નિઃશસ્ત્ર જોઇને એણે એમની સાથે શસ્ત્રાસ્ત્ર વિના જ લડવાનો નિર્ણય કર્યો. એ એમની દિશામાં દોડવા લાગ્યો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.