Text Size

10. દસમ સ્કંધ

વૃકાસુરનો નાશ

વૃકાસુર દેવર્ષિ નારદની સલાહ પ્રમાણે ભગવાન શંકર જલદી પ્રસન્ન થાય છે એવું માનીને એમની પ્રસન્નતા માટે કેદારક્ષેત્રમાં જઇને કઠોર તપ કરવા લાગ્યો. એ શકુનિનો પુત્ર હતો. એની વૃત્તિ, દૃષ્ટિ ને બુદ્ધિ આસુરી હતી. એ શરીરના માંસને અગ્નિમાં નાખીને હવન કરવા લાગ્યો. તેમ છતાં શંકરનું દર્શન ના થવાથી સાતમને દિવસે એણે પોતાના મસ્તકને કુહાડીથી કાપવાનો નિર્ણય કરીને એનો અમલ આરંભવાની શરૂઆત કરી ત્યાં જ શંકરે અગ્નિકુંડમાંથી પ્રકટીને એના હાથ પકડી લીધા. એમના અલૌકિક સ્પર્શથી વૃકાસુર પૂર્વવત્ સર્વાંગ સુંદર થઇ ગયો. એણે વરદાન માગ્યું કે હું જેના શિર પર હાથ રાખું તે ભસ્મ બની જાય.

દુર્બુદ્ધિયુક્ત મનુષ્યને સંપત્તિ, સત્તા કે વરદાન મળે તો એ એનો સદુપયોગ કેવી રીતે કરી શકે ? એ તો એને મેળવીને મદોન્મત્ત બનીને એનો દુરુપયોગ જ કરે. વૃકાસુરને ભગવાન શંકરે વરદાન આપ્યું એટલે એણે પાર્વતીનું હરણ કરવાનું વિચારીને એમના જ શિર પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો. શંકરે એની દુર્બુદ્ધિને સમજીને દોડવા માંડ્યું એટલે એ પણ એમની પાછળ દોડયો.

જુદા જુદા લોકોમાંથી દોડતા શંકર છેવટે વૈકુંઠલોકમાં ગયા. ત્યાં ભગવાન નારાયણે એમની મુસીબતને સમજી જઇને એમની મદદ માટે પોતાની યોગમાયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને વૃકાસુરની દિશામાં ચાલવા માંડ્યું. વૃકાસુરને જોઇને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને એમણે એને આરામ કરવાનું ને પોતાને યોગ્ય કોઇ કામ બતાવવાનું કહ્યું. વૃકાસુરે એના તપની, વરદાન-પ્રાપ્તિની ને શંકરની પાછળ દોડવાની કથા કહી સંભળાવી એટલે ભગવાને જણાવ્યું કે શંકરની વાતમાં વિશ્વાસ શો ? એમણે એને પોતાના જ શિર પર હાથ મૂકી જોવાનું ને શંકરની વાત ખોટી સાબિત થાય તો એમનો નાશ કરવાનું સૂચન કર્યું. વૃત્રાસુરે એ સૂચનને અનુસરીને પોતાના મસ્તક પર હાથ મૂક્યો કે તરત જ એનું મસ્તક ફાટી ગયું અને એ નિર્જીવ બનીને ધરતી પર ઢળી પડ્યો.

ભગવાને શંકરને જણાવ્યું કે વૃકાસુર એના પોતાના જ કુકર્મને લીધે મરી ગયો. મહાપુરુષોના અપરાધથી કોઇનું પણ કલ્યાણ નથી થઇ શકતું.

વૃકાસુરની કથા કહી બતાવે છે કે દુર્બુદ્ધિયુક્ત માનવ આસુરી વૃત્તિ, વિચાર ને વર્તનવાળો બનીને પોતાની દુર્બુદ્ધિથી જ પોતાનો નાશ કરી નાખે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok